ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં લિન્ક પર ક્લિક કરતાં પહેલા વિચારજો! અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Cyber Fraud Traffic E Challan : અમદાવાદ શહેરમાં ટ્રાફિક ઈ-ચલણના નામે વાહનચાલકો સાથે સાયબર ઠગાઈ કરતી ટોળકીનો ત્રાસ સતત વધી રહ્યો છે. ઈસનપુર વિસ્તારમાં કુણાલ ઈન્ફોટેક નામે વ્યવસાય કરતા 38 વર્ષીય કુણાલ પ્રજાપતિના ફોન પર ગાડી (GJ27AP6801)નો 1,000 રૂપિયાનો મેમો ભરવા અંગે મેસેજ આવ્યો હતો. સાચો વાહન નંબર જોઈ તેમણે આપેલી લિંક પર ક્લિક કર્યું હતું, પરંતુ આગળ કોઈ પ્રોસેસ થઈ ન હતી. ત્યારબાદ તેમના ફોન પર અસંખ્ય OTP આવવાના શરૂ થયા હતા. મોડી રાત્રે બેંક ખાતામાંથી વારાફરતી કુલ 6 ટ્રાન્ઝેક્શન થઈને 4.58 લાખ રૂપિયા કપાઈ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. રૂપિયા કપાતાં જ તેમણે મોબાઈલ સ્વિચ ઓફ કરી સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરી ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બહેરામપુરાના વેપારીના એકાઉન્ટમાંથી 2.21 લાખ રૂપિયા સાફ
સાયબર ઠગાઈનો આવો જ બીજો બનાવ બહેરામપુરા વિસ્તારમાં બન્યો છે. અહીં રહેતા 48 વર્ષીય કલ્પેશ કાલેના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર ઈ-ચલણ ભરવાની લિંક અને વાહન નંબર સાથેનો મેસેજ આવ્યો હતો. કલ્પેશભાઈએ વાહન પર ઈ-ચલણ બાકી હોવાનું સમજીને લિંક ઓપન કરી ત્યારે અચાનક મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી. બીજા જ દિવસે તેમના બેંક ખાતામાંથી પૈસા કપાયાનો મેસેજ આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે ઠગ ટોળકીએ મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ મેળવીને અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ 2.21 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે પણ સ્થાનિક પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
નકલી મેમો મોકલી ગઠિયા કેવી રીતે બેંક ખાતું ખાલી કરે છે?
સાયબર ઠગો ડેટા લીક કે પાર્કિંગ સ્લિપ મારફતે વાહનચાલકનો સાચો વાહન નંબર મેળવી લે છે. ત્યારબાદ 'તમારો ઈ-મેમો બાકી છે' તેવો આબેહૂબ ટ્રાફિક પોલીસ જેવો જ મેસેજ લિંક સાથે મોકલે છે. સાચો વાહન નંબર જોઈ ભોગ બનનાર જેવી લિંક ખોલે કે તરત બેકગ્રાઉન્ડમાં માલિશિયસ APK ફાઈલ ડાઉનલોડ થઈ જાય છે. આ એપ્લિકેશન દ્વારા મોબાઈલના SMS અને સ્ક્રીનનો એક્સેસ હેકર્સના હાથમાં જતો રહે છે. મોડી રાત્રે જ્યારે વ્યક્તિ ઊંઘતી હોય ત્યારે બેંકમાંથી આવતો OTP સીધો જોઈને મિનિટોમાં ખાતું સાફ કરી નાખવામાં આવે છે. સાયબર એક્સપર્ટ્સ કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવા સલાહ આપે છે.




