ધોળકામાં સંવેદના મરી પરવારી, હોસ્પિટલના ઘટાદાર વૃક્ષો ધડાધડ કપાતા નિર્દોષ પક્ષીઓ મરી ગયા, દૃશ્યો જોઈ હચમચી જશો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Dholka News | અમદાવાદ જિલ્લાના ધોળકામાંથી એક અત્યંત સંવેદનશીલ અને હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં તંત્રની લાપરવાહી અને બેજવાબદાર વલણને કારણે અનેક મૂંગા પક્ષીઓએ પોતાના પ્રાણ ગુમાવવાનો વારો આવ્યો છે.

ધોળકા નગરપાલિકા દ્વારા સંચાલિત સંતોકબા હોસ્પિટલના પરિસરમાં રહેલા અંદાજે 10 જેટલા વિશાળ અને ઘટાદાર વૃક્ષોને કોઈ પણ પ્રકારની સંવેદના વગર ધડાધડ કાપીને જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રશાસનની આ નિર્દયી કામગીરીના કારણે ત્યાં વર્ષોથી વસવાટ કરતા અને માળા બાંધીને રહેતા નિર્દોષ પક્ષીઓનો આશરો પળભરમાં છીનવાઈ ગયો છે.

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, જે પક્ષીઓ માટે પ્રજનન અને બચ્ચાં ઉછેરવાનો મુખ્ય સમય ગણાય છે. આવા નાજુક સમયે જ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતા સેંકડો પક્ષીઓ અને તેમના નવજાત બચ્ચાંઓ નીચે જમીન પર પટકાયા હતા, જેના કારણે અનેક પક્ષીઓએ ઘટનાસ્થળે જ કરુણ મોત વ્હોર્યા હતા.

આ અમાનવીય કૃત્યને કારણે સ્થાનિક રહીશો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પ્રશ્ન એ થાય છે કે ચોમાસાની મોસમમાં જ આ વૃક્ષો કાપવાની કઈ શી ઉતાવળ હતી? પક્ષીઓના આ સંહાર માટે આખરે જવાબદાર કોણ? તંત્રની આ ઘોર બેદરકારી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને દોષિતો સામે ગુનો નોંધવામાં આવે તેવી ઉગ્ર લોકમાગ ઉઠી રહી છે.






