હવે અમદાવાદનાં ખેડૂતો પણ વિફર્યા, પોલીસ સ્ટેશનની આગળ જ માંડવો નાખી ધરણા પર બેઠા, જાણો શું છે સમગ્ર મામલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: બાવળાના ખેડૂત આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલા અને કથિત અપહરણના પ્રયાસના કેસમાં હજુ સુધી આરોપીઓની ધરપકડ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં વિરમગામના ખેડૂત આગેવાન પીન્ટુ કોળીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલા ખેડૂતોએ આજે કેરાળા GIDC પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ખેડૂતોએ આરોપીઓને ઝડપવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશન બહાર જ ધરણા ચાલુ રાખવાની ચેતવણી આપી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલાં બાવળામાં ખેડૂત આગેવાન શૈલેષ મેર પર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કથિત રીતે તેમનું અપહરણ કરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ બાદ કેરાળા GIDC પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ખેડૂતોની જમીનમાં પાણીનો નિકાલ થતો હતો
ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર, સાણંદ તાલુકાના ડરણ ગામે ખેડૂતોની જમીનમાં પાણી નિકાલ માટે પાઇપલાઇન નાખવાના વિરોધમાં શૈલેષ મેર અને પીન્ટુ કોળીએ આગેવાની લીધી હતી. ત્યારબાદ સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ સહિતના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને ખેડૂતોના હિતમાં કામ અટકાવવામાં આવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે આ ઘટનાથી નારાજ તત્વોએ રાજકીય ઇશારે શૈલેષ મેર પર હુમલો કરાવ્યો હતો.
પોલીસે 15 ટીમો બનાવી તપાસ આદરી
પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 15 જેટલી અલગ-અલગ ટીમો આરોપીઓની શોધખોળમાં લાગી છે. વિવિધ સ્થળોએ તપાસ અને દરોડાની કાર્યવાહી પણ ચાલી રહી છે. જોકે હજુ સુધી મુખ્ય આરોપીઓ પોલીસના હાથે ચઢ્યા નથી.
ખેડૂતો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા
આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો કેરાળા GIDC પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજા પાસે મંડપ બાંધી વિરોધ શરૂ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસ સ્ટેશન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી હુમલાખોરોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ પોલીસ સ્ટેશન બહાર સતત ધરણા ચાલુ રાખશે. સમગ્ર મામલાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ પરંતુ નિયંત્રિત સ્થિતિ જોવા મળી રહી છે.









