Ahmedabad

Explainer: સપ્તપદી વગરના લગ્ન કાયદેસર રીતે અમાન્ય, જાણો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની દૂરોગામી અસરો

By GS Team
1 Jul 20266 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે હિન્દુ લગ્નો અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે માત્ર મેરેજ સર્ટિફિકેટ મેળવવાથી લગ્ન કાયદેસર બનતા નથી, જો 'સપ્તપદી' (સાત ફેરા) જેવી પરંપરાગત વિધિઓ ન થઈ હોય. UKમાં રહેતા ભારતીય પુરુષની અરજી પર આ નિર્ણય આવ્યો, જ્યાં અમદાવાદની મહિલાએ છેતરપિંડીથી લગ્નનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. હાઈકોર્ટે લગ્નને પવિત્ર બંધન ગણાવી, યુવાનોને ગંભીરતાથી લેવા જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: સપ્તપદી વગરના લગ્ન કાયદેસર રીતે અમાન્ય, જાણો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની દૂરોગામી અસરો
AI તસવીર

Gujarat High Court on Hindu Marriage: આજના આધુનિક યુગમાં ઘણીવાર લગ્નને માત્ર એક કાનૂની કરાર અથવા તો નાચવા-ગાવા અને ખાવા-પીવાનો ધામધૂમથી ઉજવાતો ઉત્સવ માની લેવામાં આવે છે. પરંતુ, ગુજરાત હાઈકોર્ટે એક એવો ઐતિહાસિક અને ચોંકાવનારો ચુકાદો આપ્યો છે, જેણે લગ્નની વ્યાખ્યા અને તેની પવિત્રતાને ફરી એકવાર કાયદાકીય મહોર મારી છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં યુવાનોને સલાહ આપી છે કે લગ્ન કોઈ નાની બાબત નથી; તે એક ગંભીર, પવિત્ર અને આજીવન બંધન છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો લગ્નમાં પરંપરાગત વિધિઓ, ખાસ કરીને 'સપ્તપદી' (સાત ફેરા), ન થયા હોય તો માત્ર લગ્નનું પ્રમાણપત્ર (Marriage Certificate) મેળવી લેવાથી લગ્ન કાયદેસર બની જતા નથી.

ગુજરાત હાઈકોર્ટે કયા કેસમાં આ ચુકાદો આપ્યો?
આ સમગ્ર મામલો બ્રિટન (UK) માં રહેતા એક ભારતીય પુરુષની અપીલ સાથે જોડાયેલો છે. આ પુરુષનો આરોપ હતો કે અમદાવાદની એક મહિલાએ તેને નોકરી અપાવવાના બહાને છેતરીને કેટલાક દસ્તાવેજો પર સહીઓ કરાવી લીધી હતી અને ખોટી રીતે લગ્નનું પ્રમાણપત્ર મેળવી લીધું હતું. આ પુરુષને ખ્યાલ પણ નહોતો કે તેના લગ્ન થઈ ગયા છે! તેને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તે મહિલા તેના માતા-પિતા પાસે મેરેજ સર્ટિફિકેટ લઈને પહોંચી ગઈ અને પોતાને તેની કાયદેસરની પત્ની ગણાવવા લાગી.

gujarat high court (2).png


પુરુષે કોર્ટને જણાવ્યું કે તેમની વચ્ચે લગ્નની કોઈ જ વિધિ થઈ નથી અને તેઓ ક્યારેય પતિ-પત્ની તરીકે સાથે રહ્યા પણ નથી. આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ફેમિલી કોર્ટમાં મહિલાએ પોતે પણ સ્વીકારી લીધું કે તેમની વચ્ચે કોઈ ધાર્મિક વિધિ થઈ નથી. આમ છતાં, ફેમિલી કોર્ટે માત્ર સરકારી સર્ટિફિકેટને આધાર માનીને પુરુષની અરજી ફગાવી દીધી અને આખા કેસની લાંબી સુનાવણી (Trial) કરવાનો આદેશ આપ્યો. આ અન્યાયી નિર્ણય સામે પુરુષે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

હાઈકોર્ટે લગ્નને અમાન્ય રાખતા કયા મહત્ત્વના મુદ્દા જણાવ્યા?
જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની ગુજરાત હાઈકોર્ટની બેન્ચે ફેમિલી કોર્ટના આદેશને બાજુ પર મૂકીને 4 અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દા રજૂ કર્યા.

  • ફક્ત મેરેજ સર્ટિફિકેટથી લગ્ન નથી થતાં: અદાલતે સ્પષ્ટ કર્યું કે મેરેજ સર્ટિફિકેટ એ માત્ર અગાઉ થઈ ગયેલા લગ્નનો લેખિત રેકોર્ડ કે પુરાવો છે. જો વાસ્તવમાં લગ્ન થયા જ ન હોય, તો માત્ર એક કાગળનો ટુકડો તેને કાયદેસર બનાવી શકે નહીં.
  • સાત પ્રતિજ્ઞાઓ (સપ્તપદી) ફરજિયાત: કોર્ટે કાયદાની જોગવાઈઓ ટાંકીને કહ્યું કે હિન્દુ રીતિ-રિવાજ મુજબ સાતમો ફેરો પૂરો થયા પછી જ લગ્ન સંપૂર્ણ અને કાનૂની રીતે બંધનકર્તા બને છે.
  • ફેમિલી કોર્ટની ભૂલ: જ્યારે બંને પક્ષો સ્વીકારે છે કે કોઈ લગ્ન થયા જ નથી, ત્યારે માત્ર સર્ટિફિકેટના આધારે કેસ ખેંચવો તે ફેમિલી કોર્ટની મોટી ભૂલ હતી. લગ્નનો મૂળ પાયો જ ગેરહાજર હતો.
  • લગ્નનું સામાજિક-ધાર્મિક મહત્ત્વ: કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે હિન્દુ લગ્ન એ માત્ર કોઈ કાનૂની ઔપચારિકતા નથી, પરંતુ સનાતન પરંપરાના પવિત્ર સંસ્કાર છે. યુવાનોએ તેને હળવાશથી ન લેવું જોઈએ.

હિન્દુ લગ્ન અધિનિયમ 1955 (Hindu Marriage Act) શું કહે છે?
આ ચુકાદાના મૂળને સમજવા માટે હિન્દુ લગ્ન કાયદાની બે મુખ્ય કલમો સમજવી જરૂરી છે.

  • કલમ 7 (લગ્નની પવિત્ર વિધિઓ): આ કલમ મુજબ હિન્દુ લગ્ન ચોક્કસ રીતિ-રિવાજો અને ધાર્મિક વિધિઓથી જ સંપન્ન થઈ શકે. કલમ 7(2) માં સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં સપ્તપદીની પ્રથા હોય ત્યાં સાતમું પગલું (ફેરો) પૂર્ણ થતાં જ લગ્ન કાનૂની રીતે માન્ય ગણાશે.
  • કલમ 8 (લગ્નની નોંધણી): આ કલમ માત્ર લગ્નની સરકારી નોંધણીની પ્રક્રિયા દર્શાવે છે. કોર્ટના મતે, આ નોંધણીનો અર્થ એ નથી કે તે કોઈ ગેરકાયદે કે ન થયેલા લગ્નને કાયદેસરતા બક્ષે.
  • સુપ્રીમ કોર્ટનો સંદર્ભ: હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત કેસ 'રત્નમ્મા અને અન્ય વિરુદ્ધ સુજાથમ્મા અને અન્ય'નો હવાલો આપ્યો હતો, જેમાં પણ ઠરાવાયું હતું કે માત્ર મેરેજ રજીસ્ટ્રેશન એ લગ્ન થયા હોવાનો આખરી પુરાવો નથી.

'રત્નમ્મા અને અન્ય વિરુદ્ધ સુજાથમ્મા અને અન્ય' શું હતો?
કર્ણાટકની રહેવાસી સુજાથમ્માએ દાવો કર્યો હતો કે તેણે 7 માર્ચ, 1986ના રોજ હનુમંતપ્પા સાથે લગ્ન કર્યા હતા, તેથી તેના મૃત્યુ પછી તેની પિતૃસંપત્તિમાં તેને હક મળે. પરંતુ હનુમંતપ્પાના પરિવારે આ લગ્નની માન્યતા પડકારી હતી. સુજાથમ્માએ લગ્નના પુરાવા તરીકે એક રજિસ્ટર્ડ મેરેજ એગ્રીમેન્ટ અને કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે કહ્યું હતું કે માત્ર મેરેજ એગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન લગ્ન સાબિત કરવા માટે પૂરતું નથી. જો લગ્ન કોઈ વિશેષ પ્રચલિત રિવાજ (custom) હેઠળ થયા હોવાનો દાવો કરવામાં આવે, તો તે રિવાજનું અસ્તિત્વ અને તે મુજબ લગ્ન થયા હોવાના મજબૂત પુરાવા રજૂ કરવા જરૂરી છે. આ કેસમાં સુજાથમ્મા લગ્નની જરૂરી વિધિઓ અથવા માન્ય પ્રચલિત રિવાજ સાબિત કરી શકી નહોતી. તેથી કોર્ટે તેના લગ્નને કાયદેસર રીતે સાબિત થયેલા માન્યા નહીં અને પરિણામે તેને હનુમંતપ્પાની સંપત્તિમાં વારસાનો અધિકાર મળ્યો નહીં. આ કેસમાં રત્નમ્મા હનુમંતપ્પાની ભાભી હતી અને કેસમાં પ્રતિવાદી તરીકે સામેલ હતી.

શું આ નિર્ણયથી 'કોર્ટ મેરેજ' અમાન્ય થઈ જશે?
ગુજરાત હાઇકોર્ટના તાજેતરના નિર્ણયને લઈને સામાન્ય લોકોમાં અસમંજસ ન ફેલાવી જોઈએ. આ ચુકાદાની કોર્ટ મેરેજ પર કોઈ જ નકારાત્મક અસર નહીં થાય.
બે અલગ-અલગ કાયદા: ભારતમાં લગ્ન માટે અલગ-અલગ કાયદા છે. જ્યારે કોઈ વ્યક્તિ હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરે છે, ત્યારે તેને 'હિન્દુ મેરેજ એક્ટ, 1955' લાગુ પડે છે. પરંતુ જ્યારે કોઈ ધાર્મિક વિધિ વગર સીધા કોર્ટમાં રજિસ્ટ્રાર સમક્ષ લગ્ન કરે છે, ત્યારે તેને 'સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954' લાગુ પડે છે.
કોર્ટ મેરેજમાં નિયમો અલગ છે: સ્પેશિયલ મેરેજ એક્ટ (કોર્ટ મેરેજ) હેઠળ લગ્ન કરવા માટે કોઈ પૂજા, મંત્રોચ્ચાર કે સાત ફેરા (સપ્તપદી) કરવાની જરૂર હોતી જ નથી. તેનો નિયમ માત્ર એટલો જ છે કે લગ્ન કરનારે રજિસ્ટ્રાર ઓફિસમાં 30 દિવસ પહેલાં એક નોટિસ (અરજી) આપવી પડે છે. ત્યારબાદ આપેલા દિવસે વકીલ અને સાક્ષીઓની હાજરીમાં માત્ર સરકારી કાગળો પર સહીઓ કરવાની હોય છે. આ સહીઓ થતાં જ લગ્ન કાયદેસર થઈ જાય છે.


હાઈકોર્ટનો ચુકાદો કોને લાગુ પડે છે?: હાઈકોર્ટનો આ ચુકાદો માત્ર એવા લોકો માટે છે જેમણે એવો દાવો કર્યો હોય કે અમે 'હિન્દુ રીતિ-રિવાજ' મુજબ લગ્ન કર્યા છે અને માત્ર સર્ટિફિકેટ કઢાવી લીધું છે. જો વાસ્તવમાં સાત ફેરા ન થયા હોય, તો તેવા હિન્દુ લગ્ન અમાન્ય ગણાશે.

સામાન્ય જનતા અને સમાજ પર આ નિર્ણયની શું અસરો થશે?
ગુજરાત હાઈકોર્ટના આ સીમાચિહ્નરૂપ ચુકાદાની સમાજ પર 5 મોટી અસરો જોવા મળશે:

  1. માત્ર સર્ટિફિકેટ પૂરતું નથી: ભવિષ્યમાં જો કોઈ હિન્દુ વિધિથી લગ્નનો દાવો કરે છે, તો તેની પાસે લગ્નની ધાર્મિક વિધિઓ અને સાત ફેરા થયા હોવાનો પુરાવો હોવો જરૂરી બનશે.
  2. નકલી અને છેતરપિંડીના લગ્નો પર રોક: વિદેશ જવા માટે, નોકરી માટે કે મિલકત હડપ કરવા માટે માત્ર કાગળ પર સહીઓ કરીને નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવી લેવાના કૌભાંડો પર આનાથી મોટો પ્રતિબંધ આવશે.
  3. પુરાવાનો બોજ: કાનૂની વિવાદો વખતે અદાલતમાં માત્ર મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાથી કેસ જીતી શકાશે નહીં; લગ્નના ફોટોગ્રાફ્સ, વીડિયો કે સાક્ષીઓ જેવા વિધિના પુરાવા પણ મહત્ત્વના બનશે.
  4. જૂના લગ્નો સુરક્ષિત: આ નિર્ણયથી એવા પરંપરાગત લગ્નોને કોઈ આંચ નહિ આવે જે રીતિ-રિવાજ મુજબ થયા છે. આ ચુકાદો માત્ર એવા છેતરપિંડીના કિસ્સાઓ માટે છે જ્યાં વિધિ થઈ જ નથી અને માત્ર સર્ટિફિકેટ કઢાવી લેવાયું છે.
  5. બાળકો અને મિલકતના અધિકારો: જો કોઈ લગ્ન વિધિ વગરના હોવાને કારણે 'રદબાતલ' જાહેર થાય, તો ભવિષ્યમાં બાળકની કસ્ટડી, ભરણપોષણ અને વારસા હકની કાનૂની ગૂંચવણો વધી શકે છે.

ગુજરાત હાઈકોર્ટનો આ નિર્ણય કાયદાની સાથે-સાથે સામાજિક વ્યવસ્થાને મજબૂત કરનારો છે, જે લગ્ન જેવા પવિત્ર બંધનને મજાક બનતા અટકાવશે.