Ahmedabad

75 વર્ષ પહેલા પણ સંસદમાં ખાંડનો હિસાબ મંડાયો' તો! સરકાર બધી સરખી, જવાબ તો આપવા જ પડ્યા હતા

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
ખાંડના ભાવ અને જથ્થાનો 75 વર્ષ જૂનો વિવાદ વર્તમાન સમય સાથે સમાનતા ધરાવે છે. 1951માં લોકસભામાં ખાંડની અછત, ભાવ નિયંત્રણ અને ખાંડસરી અંગે ચર્ચા થઈ હતી. ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગ્રાહકો ઊંચા ભાવે પણ ખાંડસરી પસંદ કરતા. સરકારે ખાંડસરીનો ભાવ 29 રૂપિયા/મણ નક્કી કર્યો, જ્યારે ઉત્પાદન ખર્ચ 36 રૂપિયા હતો. આ નીતિથી 15 વર્ષમાં 2 લાખ ખાંડસરી એકમો બંધ થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

75 વર્ષ પહેલા પણ સંસદમાં ખાંડનો હિસાબ મંડાયો' તો! સરકાર બધી સરખી, જવાબ તો આપવા જ પડ્યા હતા

Sugar Price Debate: ખાંડના જથ્થા, ભાવ અને હિસાબને લઈને આજે વિવાદના ચકડોળમાં ફસાયેલા મુદ્દાને 75 વર્ષ પાછળ લઈ જઈએ તો ખાંડની કહાણીમાં આશ્ચર્યજનક સામ્ય જોવા મળે છે. આઝાદી બાદ 1951ની લોકસભાની ચર્ચામાં પણ ખાંડની અછત, ઉત્પાદન, આયાત, ભાવ નિયંત્રણ અને ખાંડસરીના ભાવ અંગે સરકારને સવાલોના જવાબ આપવા પડ્યા હતા. સંસદમાં સુગર ઈન્ક્વાયરી કમિટિ અને ખાંડ-ખાંડસરીની તપાસનો મુદ્દો પણ ચર્ચાયો હતો.

ગુજરાત-સૌરાષ્ટ્રને ખાંડસરી એટલી પસંદ હતી કે લોકો વધુ ભાવ પણ આપી દેતાં

ગુજરાત અને સૌરાષ્ટ્રનો ઉલ્લેખ આ ચર્ચામાં નોંધપાત્ર રહ્યો હતો. સંસદીય ચર્ચામાં જણાવાયું હતું કે ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ક્રિસ્ટલ ખાંડ કરતાં ખાંડસરી એટલે કે દેશી ખાંડ ચોક્કસપણે વધુ પસંદ કરવામાં આવતી હતી અને ગ્રાહકો તેના માટે વધુ ભાવ ચૂકવવા તૈયાર હતા. એટલે 75 વર્ષ પહેલાં પણ સરકારી નિયંત્રણથી ઉપર ગ્રાહકની પોતાની પસંદગી અસ્તિત્વમાં હતી.

20260902-6a972cf7d571d37217616-02092026_RAJ-6.jpg

ખાંડસરીના ઉત્પાદન ખર્ચ 36 રૂપિયા સામે સરકારે વેચાણ ભાવ 29 રૂપિયા પ્રતિ મણ નક્કી કર્યો

ટેરિફ બોર્ડના હિસાબ મુજબ લગભગ સમાન શેરડીના ભાવ પર ક્રિસ્ટલ ખાંડના ઉત્પાદનનો ખર્ચ 16 રૂપિયા પ્રતિ મણ હતો, જ્યારે ખાંડસરીનો ખર્ચ 10 ટકા નફો ગણતાં આશરે 20 રૂપિયા પ્રતિ મણ થતો હતો. એટલે ખાંડસરીનો આર્થિક ભાવ ક્રિસ્ટલ કરતાં ૨૫ ટકા ઊંચો ગણાયો હતો. પરંતુ સરકારની ભાવ નીતિમાં આ વાસ્તવિકતાનો પ્રશ્ન ઊભો થયો. ચર્ચામાં જણાવાયું હતું કે ખાંડસરીનો સીલિંગ ભાવ 29 રૂપિયા પ્રતિ મણ નક્કી કરાયો હતો, જ્યારે ટેરિફ બોર્ડના હિસાબ મુજબ તેનો ઉત્પાદન ખર્ચ 36 રૂપિયાથી 37 રૂપિયા હતો.

15 વર્ષમાં બે લાખ એકમોને તાળાં લાગ્યા'તા

ખાંડસરી ઉદ્યોગના પ્રતિનિધિઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી ત્યારે તેમને એવો જવાબ મળ્યો કે ક્રિસ્ટલ ખાંડ વધુ સારી પ્રોડક્ટ હોવાથી ખાંડસરીને તેના કરતાં ઊંચો ભાવ આપી શકાય નહીં. તેના વિરોધમાં ટેરિફ બોર્ડના ખર્ચના આંકડાઓનો હવાલો આપવામાં આવ્યો હતો. એ સમય સંસદમાં સરકારના ભાવથી ખાંડસરીનું ઉત્પાદન કરવું મુશ્કેલ હોવાનો આક્રોશ વ્યક્ત કરાયો હતો કે 15 વર્ષમાં ખાંડસરીના બે લાખ એકમોને તાળાં લાગી ગયા છે.

1951ની લોકસભા ચર્ચામાં રજૂ થયેલા આંકડા મુજબ, 1932-33માં 2.75 લાખ ટન રહેલું ખાંડસરીનું ઉત્પાદન 1947-48માં ઘટીને માત્ર 75 હજાર ટન રહ્યું હતું. એટલે કે 15 વર્ષમાં ઉત્પાદનમાં 72.7%નો કડાકો આવ્યો હતો. વર્તમાન ખાંડ વિવાદ સમયે 75 વર્ષ જૂની તત્કાલિન સરકારની નીતિ-રીતિ સામે ફરી સવાલ ઊભો થાય છે.