E20ની ગોલમાલ: ભાવ શુદ્ધ પેટ્રોલનો પણ વિતરણમાં ભેળસેળ! ગુજરાતની પ્રજા પાસેથી રૂ.643 કરોડ લૂંટાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

E20 Petrol Controversy: વાહનો માટે એપ્રિલથી દેશભરમાં E-20 પેટ્રોલ ફરજિયાત કરાતા તેના ફાયદા અને ગેરફાયદા વિશેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. E-20ના લીધે ક્યાંક પેટ્રોલની ટાંકીમાં કીડીઓ ચોંટી ગઈ હોવાના તો ક્યાંક ખાલી બોટલમાં E-20 પેટ્રોલ ભરી રાખ્યા બાદ તેનો રંગ બદલાઈ જતો હોવાના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જો કે, માત્ર ઈંધણની ગુણવત્તા જ નહીં, ભાવ બાબતે પણ અનેક સવાલ ઉઠ્યા છે. પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવવાથી લિટર દીઠ તેની કિંમત 6.67થી 8 રૂપિયા જેટલી ઘટી જાય છે. પરંતુ લોકો પાસેથી તો હજી 100 ટકા શુદ્ધ પેટ્રોલના ભાવ વસૂલવામાં આવે છે. છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતની જનતા પાસેથી 643 કરોડ રૂપિયાથી વધુની રકમ ખંખેરી એક પ્રકારે જાણે છેતરપિંડી કરાઈ છે!
ઈથેનોલ ભેળવ્યા બાદ જે પેટ્રોલનો ભાવ રૂ. 93.76 પ્રતિ લિટર થવો જોઈએ, પરંતુ 101.83 રૂપિયાની વસૂલાત
મોંઘા ક્રૂડ ઓઈલ પર નિર્ભરતા ઘટાડવા વાહનો માટે ઈંધણના વાજબી વિકલ્પ શોધી તેના પર પ્રયોગો શરૂ કરી દેવાયા છે. જેને પગલે પહેલી એપ્રિલથી 20 ટકા ઈથેનોલ ભેળવેલું પેટ્રોલ વેચાઈ રહ્યું છે. પરંતુ લોકો પાસેથી હજી 100 ટકા શુદ્ધ પેટ્રોલના જ ભાવ વસૂલાય છે. એક અંદાજ મુજબ એક લિટર ઈથેનોલની સરેરાશ કિંમત 61.5 રૂપિયા છે. જેથી 20 ટકા ઈથેનોલનો ભાવ 12.3 રૂપિયા થાય છે.
બીજી બાજુ એપ્રિલમાં જ્યારે ઈથેનોલ ફરજિયાત કરાયું ત્યારે રાજ્યમાં 100 ટકા શુદ્ધ પેટ્રોલ 94.84 રૂપિયા પ્રતિ લિટર હતું. પરંતુ 20 ટકા એટલે 200 એમએલ ઈથેનોલ ઉમેર્યા બાદ હવે એક લિટર ઈંધણમાં પેટ્રોલની માત્રા 800 એમએલ થઈ ગઈ છે. તેવામાં જૂના ભાવ મુજબ 80 ટકા પેટ્રોલનો ભાવ 75.87 જેટલો થાય છે. જેમાં 12.3 રૂપિયા ઈથેનોલના ભાવ ઉમેરવાથી કિંમત 88.17 રૂપિયાએ પહોંચે છે. પરંતુ તેની સામે પોણા બે મહિના સુધી 94.84 રૂપિયા જ વસૂલાતા હતા! જેથી લોકોએ લિટર પર 6.67 રૂપિયા વધુ ચૂકવવા પડ્યા હતા.
જ્યારે 25મી મેથી પેટ્રોલના ભાવ વધીને 101.83 રૂપિયા થઈ જતા 80 ટકા પેટ્રોલની કિંમત 81.46 રૂપિયા થાય છે. જેમાં ઈથેનોલના 12.3 રૂપિયા ઉમેર્યા બાદ ભાવ 93.76 રૂપિયાએ પહોંચે છે. પરંતુ પેટ્રોલનો ભાવ હજી 101.83 રૂપિયા છે. પરિણામે હાલ જનતા પાસેથી લિટરે 8.07 રૂપિયા વધુ વસૂલાઈ રહ્યા છે.
આમ એપ્રિલથી 25મી મે સુધી પોણા બે મહિના દરમિયાન લોકોએ લિટરે 6.67 રૂપિયા અને હવે સવા મહિનાથી 8 રૂપિયા વધારે ચૂકવી રહ્યા છે. સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં દર મહિને 30 કરોડ લિટર પેટ્રોલ વેચાય છે. આ ગણતરી પ્રમાણે ત્રણ મહિનામાં રાજ્યની પ્રજા પાસેથી 643 કરોડ રૂપિયા વધારાના વસૂલાયા હતા. એટલે E-20 પેટ્રોલ પણ શુદ્ધ પેટ્રોલના ભાવે વેચી એક પ્રકારે છેતરપિંડી કરાઈ હોવાનું લોકો અનુભવી રહ્યા છે. ક્રૂડ ઓઈલનો વપરાશ ઘટાડવા ઈંધણના નવા વિકલ્પો આવે તે સારી બાબત છે. જેથી વિદેશી હૂંડિયામણ બચાવી શકાય છે. પરંતુ તેનો ફાયદો સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે પણ જરૂરી છે.
ચોમાસામાં પેટ્રોલની ટાંકીમાં ભેજ તથા પાણીના સંપર્કથી વાહન બંધ પડવાની શક્યતા
'E-20 પેટ્રોલમાં સહેજ પણ ભેજ કે પાણી ભળશે તો વાહનમાં ગંભીર સમસ્યાઓ ઉભી થઈ શકે છે!' આ પ્રકારની ચેતવણી આપતા બોર્ડ હાલ પેટ્રોલ પંપ બહાર લગાવવાના શરૂ કરી દેવાયા છે. ત્યારે ચોમાસામાં શહેર અને રાજ્યભરના માર્ગો જળમગ્ન હોવાથી પેટ્રોલની ટાંકીમાં પાણી જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. વિજ્ઞાનના નિયમ મુજબ પાણીના સંપર્કમાં આવતા જ ઈથેનોલ છૂટું પડીને ટાંકીમાં નીચે બેસી જશે અને પેટ્રોલ ઉપર જ રહેશે. જેથી એન્જિન શરૂ કરવામાં હાલાકી પડી શકે છે. તેમજ ટાંકીમાં કાટ લાગી શકે છે. ઉપરાંત એન્જિન સુધી વ્યવસ્થિત રીતે પેટ્રોલ ન પહોંચતા ચાલુ વાહનમાં પણ ઝટકા લાગી શકે છે. ખાસ કરીને વર્ષ 2023 પહેલાના વાહનોના એન્જિન E-20 પેટ્રોલ મુજબ ડિઝાઇન કરાયા નથી. પરિણામે તે બગડી જતા લોકોના માથે રિપેરિંગનો તોતિંગ ખર્ચ આવવાની શક્યતા છે.
બ્રાઝિલ, અમેરિકામાં E-10થી E-85 પેટ્રોલનો ઉપયોગ પરંતુ લોકોને શુદ્ધ ઈંધણ ખરીદવાનો પણ અપાતો વિકલ્પ
આજે બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, થાઈલેન્ડ, સ્વીડન, અમેરિકા જેવા દેશોમાં E-10થી લઈને E-85 સુધીના બ્લેન્ડેડ પેટ્રોલ વપરાઈ રહ્યા છે. બ્રાઝિલમાં તો E-100 એટલે સંપૂર્ણપણે ઈથેનોલથી વાહનો દોડી રહ્યા છે. પરંતુ મોટા ભાગના દેશોમાં લોકો તેમના વાહનના પ્રકાર પ્રમાણે કોઈ પણ મિક્સચર સાથેનો પેટ્રોલ ખરીદી શકે છે. જો તેમને ઈથેનોલ ના જોઈતો હોય તો 100 ટકા શુદ્ધ પેટ્રોલ પણ સરળતાથી મળી જાય છે. ત્યારે ભારતમાં પણ વાહનચાલકોને આવો વિકલ્પ મળે તેવી માંગ ઉઠી રહી છે.









