Ahmedabad

અમદાવાદમાં ડમી સ્કૂલ કૌભાંડનો પર્દાફાશ: ઓઢવની નટરાજ સ્કૂલના 11 વર્ગો બંધ, 100% ગ્રાન્ટ કાપવા આદેશ!

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઓઢવની નટરાજ સ્કૂલમાં ગેરરીતિઓ સામે આવતા DEOએ કડક કાર્યવાહી કરી છે. શિક્ષકો પર 50% ખોટી ઓનલાઈન હાજરી પૂરવાનું દબાણ કરાતું હતું. સરપ્રાઈઝ ચેકિંગમાં ડમી કૌભાંડ ખુલતા 11 વર્ગો બંધ કરાયા. શાળાની 100% ગ્રાન્ટ કાપવા અને માન્યતા રદ કરવા રિપોર્ટ મોકલાયો છે. શિક્ષકોને તમામ લાભો ચૂકવવા આદેશ અપાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ડમી સ્કૂલ કૌભાંડનો પર્દાફાશ: ઓઢવની નટરાજ સ્કૂલના 11 વર્ગો બંધ, 100% ગ્રાન્ટ કાપવા આદેશ!

Odhav Natraj School Action : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી નટરાજ સ્કૂલમાં ચાલી રહેલી ગંભીર ગેરરીતિઓ સામે આવતા જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શાળાના સંચાલકો દ્વારા શિક્ષકો પર વિદ્યાર્થીઓની 50 % જેટલી ખોટી ઓનલાઇન હાજરી પૂરવા માટે ભારે દબાણ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત શિક્ષકોના હકદાર સેવાકીય અને આર્થિક લાભો પણ ઇરાદાપૂર્વક રોકી રાખવામાં આવ્યા હતા. આ ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષણાધિકારીની કચેરીએ શાળાને નોટિસ ફટકારી હતી.

સરપ્રાઇઝ ચેકિંગમાં ડમી કૌભાંડ ખુલ્લું પડ્યું

શહેરમાં ડમી શાળાઓના દૂષણને નાથવા તપાસ ટીમે કરેલા આકસ્મિક નિરીક્ષણ દરમિયાન આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીની સત્તાવાર માહિતી મુજબ, છેલ્લા 1 વર્ષમાં અનેક વખત કરાયેલા સરપ્રાઇઝ ચેકિંગમાં સતત વિદ્યાર્થીઓની હાજરી 50 % કરતાં પણ ઓછી જોવા મળી હતી. ચોપડે અને ઓનલાઇન હાજરી વધુ દર્શાવાતી હતી પરંતુ વાસ્તવમાં વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હતા. આ પ્રકારની ગંભીર ગેરરીતિ પકડાતા તાત્કાલિક અસરથી શાળાના 11 વર્ગો બંધ કરવાનો આકરો નિર્ણય લેવાયો છે.

શાળાની 100% ગ્રાન્ટ કાપવા અને માન્યતા રદ કરવા રિપોર્ટ

નટરાજ સ્કૂલ દ્વારા સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરીને શિક્ષકો પાસે ખોટું કામ કરાવવાની સાથે તેમના આર્થિક લાભો પણ અટકાવવામાં આવ્યા હતા. શિક્ષકોના 5 વર્ષના પૂરા પગારના ઓર્ડર હોય કે પછી 9 વર્ષનું ઉચ્ચતર પગાર ધોરણ, સમય મર્યાદા વીતી જવા છતાં સંચાલકોએ બહાના બતાવીને ફાઇલો દબાવી રાખી હતી. તપાસમાં શાળા પ્રથમ દ્રષ્ટિએ દોષિત જણાતા 3 વખત નોટિસ અપાઈ હોવા છતાં સંચાલકોએ ઉદાસીનતા દાખવી હતી. અંતે સંતોષકારક ખુલાસો ન મળતા હવે શાળાની 100 % ગ્રાન્ટ કાપવા અને તેની માન્યતા સંપૂર્ણપણે રદ કરવા માટે ઉચ્ચ કચેરીને વિસ્તૃત રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે.

શિક્ષકોને તમામ લાભો ચૂકવવા તંત્રનો આદેશ

તંત્ર દ્વારા શિક્ષકોના તમામ રોકાયેલા લાભો સત્વરે ચૂકવવા આદેશ આપીને શાળાને કાયમી ધોરણે બંધ કરવા વડી કચેરીને અંતિમ રિપોર્ટ સોંપી દેવાયો છે અને આગામી સમયમાં આકરા પગલાં લેવાઈ શકે છે. જોકે આ સમગ્ર મામલે શાળા સંચાલકોએ કમિશનર ઓફ સ્કૂલમાં પણ રજૂઆત કરી છે, જેનો આખરી નિર્ણય આવવો હજુ બાકી છે.