Ahmedabad

અમદાવાદમાં 60 વર્ષના વૃદ્ધ 4.78 લાખના ચરસ સાથે ઝડપાયા, જમ્મુથી મુંબઈ ડિલીવરી કરવા જતા હતા

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ડ્રગ્સ સિન્ડિકેટ ફરી સક્રિય થતાં, ક્રાઈમ બ્રાન્ચે નરોડા હાઈવે પરથી 60 વર્ષીય મુંબઈના વૃદ્ધને ઝડપ્યો છે. તેની પાસેથી 4.78 લાખ રૂપિયાનું 1.915 કિલો ચરસ ઝડપાયું છે. આરોપી જમ્મુથી આ જથ્થો લાવી મુંબઈ ડિલિવરી કરવા જઈ રહ્યો હતો. પોલીસે 4.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મુંબઈ અને જમ્મુના 2 શખ્સો સહિત 3 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં 60 વર્ષના વૃદ્ધ 4.78 લાખના ચરસ સાથે ઝડપાયા, જમ્મુથી મુંબઈ ડિલીવરી કરવા જતા હતા

Ahmedabad Drug Bust: અમદાવાદમાં કમિશન માટે વૃદ્ધોનો કેરિયર તરીકે ઉપયોગ કરતી ડ્રગ્સ સિન્ડિકેટ ફરી સક્રિય થઈ હોય તેવો બનાવ સામે આવ્યો છે. નરોડા, નાના ચિલોડાથી ગેલેક્ષી તરફ જતા જાહેર હાઇવે પર શીતળાનગરના નાકા પાસેથી મુંબઈના 60 વર્ષીય વૃદ્ધને 4.78 લાખ રૂપિયાની કિંમતના 1.915 કિલોગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી જમ્મુથી આ ચરસનો જથ્થો લાવી મુંબઈ ડિલિવરી આપવા જઈ રહ્યો હતો. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે ચરસ, મોબાઇલ અને રોકડ સહિત કુલ 4.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મુંબઈ અને જમ્મુના બે શખસો સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
​
જમ્મુથી ચરસનો જથ્થો લાવી મુંબઈ ડિલિવરી કરવાનો હતો

ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, મુંબઈનો સુશીલ વર્મા નામનો શખસ ચરસનો જથ્થો લઈને શીતળાનગર ત્રણ રસ્તા પાસેથી પસાર થવાનો છે. આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતાં 60 વર્ષના સુશીલ વર્માને કોર્ડન કરી તેની બેગની તલાશી લેતાં ખાખી સેલોટેપથી પેક કરેલા પાર્સલમાંથી 40 નંગ ગોળાકાર અને નાના-મોટા લુગદી જેવા કાળા રંગના ટુકડા મળી આવ્યા હતા. જે ટેસ્ટિંગ કરતાં પદાર્થ ચરસ હોવાનું સ્પષ્ટ થયું હતું. વજનકાંટા પર ખરાઈ કરતાં 1.915 કિલોગ્રામ નેટ ચરસ નીકળ્યું હતું. જેથી પોલીસે ચરસ જપ્ત કરી સુશીલ ની ધરપકડ કરી છે.

પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે મુંબઈ ખાતે રહેતા વૈભવ નામના શખસે તેને બાંદ્રાથી જમ્મુની ટ્રેન ટિકિટ કરાવી આપી મોકલ્યો હતો. જમ્મુ બસ સ્ટેશન ખાતે એક અજાણ્યો વ્યક્તિ તેને આ પાર્સલ આપી ગયો હતો, જે તેણે મુંબઈ પહોંચાડવાનું હતું. જેથી પોલીસે આ બંને સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે, સાથે જ એક વખત ડ્રગ્સ પહોંચાડવાના વૃદ્ધને કેટલા રૂપિયા મળતા હતા સાથે જ અગાઉ આવી રીતે કેટલા ફેરા માર્યા છે તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.