Ahmedabad

2027ની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારના અણસાર! રાહુલ ગાંધીના ખાસ નેતા મેદાનમાં; અનેકના પત્તાં કપાશે

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 માટે કોંગ્રેસ હાઈકમાન્ડે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે. કર્ણાટક-તેલંગાણામાં કોંગ્રેસને વિજય અપાવનાર સુનિલ કાનોગુલુને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે. ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસનું માળખું બદલાશે. ઓગસ્ટના અંત સુધીમાં સંગઠનમાં મોટા ફેરફારો થશે. સક્રિય ચહેરાઓને સ્થાન અપાશે, જ્યારે નિષ્ક્રિય નેતાઓને ઘરભેગા કરાશે. 50 સંભવિત ઉમેદવારોને અત્યારથી જ તૈયારી શરૂ કરવા સૂચના અપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

2027ની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારના અણસાર! રાહુલ ગાંધીના ખાસ નેતા મેદાનમાં; અનેકના પત્તાં કપાશે

Gujarat Assembly Election 2027: આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડે અત્યારથી જ પ્લાનિંગ શરૂ કર્યું છે. કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસને વિજય અપાવનારા માસ્ટર માઇન્ડ અને ઇલેક્શન સ્ટ્રેટેજી મેકર સુનિલ કાનોગુલુને હવે ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપાઈ છે. સુનિલ કાનોગુલુની એન્ટ્રી સાથે જ ગુજરાત કોંગ્રેસ ઇલેક્શન મોડમાં આવી છે. ચૂંટણી જીતવાના ભાગરૂપે જ હાઇકમાન્ડે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખાને નવો ઓપ આપવા તૈયારી કરી છે. ટૂંક જ સમયમાં આખુંય માળખું બદલાશે.

ઈલેક્શન સ્ટ્રેટેજી મેકર સુનિલ કાનુગોલુને ગુજરાતની કમાન સોંપી

એક તરફ, ભાજપે નવા પ્રદેશ પ્રભારીની નિયુક્તિ કરી છે ત્યારે સૂત્રોના મતે, ચાલુ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ઘરખમ ફેરફારો જોવા મળશે. કાર્યકારી અધ્યક્ષથી લઈને તમામ મોરચાના અધ્યક્ષ પદે નવા અને સક્રિય ચહેરાઓની નિમણૂક કરવામાં આવશે. પક્ષમાં માત્ર હોદ્દા ભોગવતા અને નિષ્ક્રિય નેતાઓને ઘરભેગાં કરવાનું નક્કી છે જ્યારે વફાદાર અને સનિષ્ઠ કાર્યકરોને સંગઠનમાં તક આપવામાં આવશે.

આ વખતે કોંગ્રેસ છેલ્લી ઘડીએ ટિકિટ વહેંચવાની ભૂલ કરવા માંગતી નથી. દિલ્હીથી મળતા સંકેતો મુજબ, ૨૦૧૭ અને ૨૦૨૨ની ચૂંટણીના પ્રદર્શનને આધારે પક્ષના મજબૂત એવા 50 સક્ષમ અને સંભવિત ઉમેદવારોને અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવા ખાનગીમાં સૂચના આપી દેવાશે. આ સંભવિત ઉમેદવારોને જીત માટેનો ખાસ રોડમેપ પણ આપી દેવાશે. તે આધારે ચૂંટણીલક્ષી તૈયારી કરવી પડશે. હાઇકમાન્ડ આ બધાય ઉમેદવારો પર વોચ રાખશે.

ચાલુ માસમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના વિપક્ષના નેતાનું નામ ફાઇનલ થશે

ત્રણ મહિના જેટલો સમય વિત્યો છતાંય હજુ અમદાવાદ સહિત અન્ય મહાનગરપાલિકામાં કોંગ્રેસ વિપક્ષના નેતાનું નામ પસંદ કરી શકી નથી. આંતરિક ખેંચતાણને લીધે આ બધુય અટક્યું છે. આ તરફ, અમદાવાદમાં વિપક્ષ નેતા તરીકે નિરવ બક્ષીનું નામ લગભગ નક્કી મનાઈ રહ્યુ છે. અમદાવાદ શહેરના કોંગ્રેસના ધારાસભ્યો પણ આ જ મત ધરાવે છે પરિણામે હવે ઔપચારિકતા જ બાકી રહી છે.