Ahmedabad

ડોગ સ્પા, બ્રાઇડલ ડ્રેસ અને હોસ્ટેલ: વર્ષે 30 હજાર કરોડ રૂપિયાનું 'પેટ કેર'નું બજાર, શ્વાનનો પણ વીમો લેવાય છે

By GS Team
26 Aug 20263 mins read
TukuTouch Logo
ભારતમાં 26 ઓગસ્ટે 'રાષ્ટ્રીય શ્વાન દિવસ' ઉજવાય છે, ત્યારે શ્વાન પાળવાનો ક્રેઝ વધ્યો છે. હવે લોકો પેટ ઓનર્સને બદલે પેટ પેરેન્ટ કહેવડાવવાનું પસંદ કરે છે. અમદાવાદ સહિત મહાનગરોમાં પેટ ફ્રેન્ડલી કેફે, હોટેલ અને રેસ્ટોરન્ટનું ચલણ વધ્યું છે. શ્વાન માટે હેલ્થ ઇન્સ્યોરન્સ, ફેશનેબલ કપડાં, ડે-કેર અને સ્પા ટ્રીટમેન્ટનો ખર્ચ પણ વધ્યો છે. ભારતમાં 2024માં પેટ કેર બજાર 30 હજાર કરોડનું હતું, જે 2032 સુધીમાં 2.1 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડોગ સ્પા, બ્રાઇડલ ડ્રેસ અને હોસ્ટેલ: વર્ષે 30 હજાર કરોડ રૂપિયાનું 'પેટ કેર'નું બજાર, શ્વાનનો પણ વીમો લેવાય છે
IMAGE - ENVATO

India pet care market: એક સમય હતો જ્યારે માત્ર ઘરની રખેવાળી કરવા કે બાળકો અને વડીલોને સાથ આપવા માટે શ્વાન પાળવામાં આવતા હતા. પરંતુ બદલાતા સમય સાથે માનવી અને શ્વાન વચ્ચેનો સંબંધ પણ બદલાયો છે. 26 ઓગસ્ટના રોજ દેશભરમાં 'રાષ્ટ્રીય શ્વાન દિવસ' (National Dog Day) ઉજવવામાં આવે છે. હવે લોકો 'પેટ ઓનર્સ'ને બદલે 'પેટ પેરેન્ટ' કહેવડાવવાનું વધુ પસંદ કરે છે.

પાલતુ શ્વાન માટે ખાસ ભોજન, ફેશનેબલ કપડાં, રમકડાં અને શેમ્પૂથી લઈને હેલ્થ ઈન્સ્યોરન્સ સુધીની સેવાઓનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં વર્ષ 2024માં પેટ કેર બજાર 30 હજાર કરોડ રૂપિયાનું હતું, જે વધીને વર્ષ 2032 સુધીમાં 2.1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનું નિષ્ણાતોનું અનુમાન છે. કોવિડ મહામારીમાં એકલતા અને જીવનશૈલીના બદલાવને કારણે મહાનગરોમાં પેટ ફ્રેન્ડલી કેફે, હોટેલ, રેસ્ટોરન્ટ અને સોસાયટીઓનું ચલણ પણ વધ્યું છે.

શ્વાન માટે ઈન્સ્યોરન્સ કવચ અને મજબૂત પ્રોટેક્શન

જેવી રીતે ગાય-ભેંસ કે વાહનો અને હેલ્થ માટે ઈન્સ્યોરન્સ લેવાય છે, તેવી જ રીતે હવે પાલતુ શ્વાનને પણ વીમાનું સુરક્ષા કવચ આપવામાં આવી રહ્યું છે. શ્વાનની જાતિ, પ્રકાર, વજન અને ઊંચાઈ ધ્યાનમાં રાખીને વાર્ષિક 2,800થી 10,000 રૂપિયા સુધીનું પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. આ વીમામાં શ્વાનનું અકાળે મૃત્યુ, ગંભીર બીમારીની સારવાર, નોર્મલ OPD ખર્ચ અને થર્ડ પાર્ટી લાયાબિલિટી (અન્યને નુકસાન પહોંચાડવા પર વળતર)નો સમાવેશ થાય છે.

ઋતુ અને પ્રસંગ પ્રમાણે બદલાતો શ્વાનનો ફેશનેબલ વોર્ડરોબ

માણસોની જેમ હવે શ્વાનના વોર્ડરોબ પણ ઋતુ અને પ્રસંગ અનુસાર બદલાય છે. બજારમાં શ્વાન માટે કેઝ્યુઅલ વિયર, ટી-શર્ટ, સ્વેટ શર્ટ અને હૂડી ઉપલબ્ધ છે. શિયાળામાં સ્વેટર, ચોમાસામાં રેઈનકોટ અને પો પ્રોટેક્શન ગ્લોવ્ઝ-શૂઝનું મોટું બજાર ઊભું થયું છે. એટલું જ નહીં, લગ્ન પ્રસંગે દંપતી (બ્રાઈડ અને ગ્રૂમ) પોતાના ફરબેબી માટે પોતાના જેવા જ સરખાં કપડાં ખાસ ડિઝાઈન કરાવે છે.

ફરબેબી માટે ડે-કેર, હોસ્ટેલ અને સ્પેશિયલ સ્પા ટ્રીટમેન્ટ

જ્યારે પેટ પેરેન્ટ્સ કોઈ જગ્યાએ ટ્રાવેલ કરતા હોય અને શ્વાનને સાથે ન લઈ જઈ શકે, ત્યારે તેઓ તેને ડે-કેર અથવા હોસ્ટેલમાં મૂકે છે. આ સુવિધા માટે દૈનિક 500થી 1,500 રૂપિયાનો ચાર્જ ચૂકવાય છે. અમદાવાદમાં જ આવા 30થી વધુ સેન્ટરો કાર્યરત છે. આ ઉપરાંત શ્વાનની સ્કિન અને વાળની સંભાળ માટે 'ડોગ સ્પા'નો ક્રેઝ પણ વધ્યો છે, જ્યાં ફુલ બોડી સ્પા, હેર ટ્રીમિંગ, ગ્રૂમિંગ અને નેઈલ ટ્રીમિંગ જેવી સેવાઓ માટે 800થી 2,500 રૂપિયા ખર્ચવામાં આવે છે. અમદાવાદમાં હાલ 100થી વધુ ડોગ સ્પા ચાલી રહ્યા છે.

માણસ જેટલો જ શ્વાનનો માસિક ખોરાક ખર્ચ અને અમદાવાદમાં નોંધણી

સામાન્ય રીતે એક વ્યક્તિનો માસિક જમવાનો ખર્ચ 3,500થી 4,000 રૂપિયા હોય છે, જ્યારે એક પુખ્ત વયના શ્વાનનો માસિક ખોરાક ખર્ચ પણ 3,000થી 3,500 રૂપિયા થાય છે. 10 કિલો ડોગ ફૂડના પેકેટની કિંમત 2,500 રૂપિયા આસપાસ હોય છે અને એક શ્વાન મહિને 10થી 11 કિલો ફૂડ ખાઈ જાય છે, જેમાં બિસ્કિટ, ટ્રીટ્સ અને સપ્લીમેન્ટ્સનો ખર્ચ અલગ રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 19,775 પાલતુ શ્વાનની સત્તાવાર નોંધણી થઈ છે, જોકે શહેરમાં અંદાજે 30,000 જેટલા પેટ ડોગ્સ છે. શહેરમાં લેબ્રાડોર રીટ્રીવર, જર્મન શેફર્ડ, શિત્ઝુ, ગોલ્ડન રીટ્રીવર, પોમેરેનીયન, બીગલ અને સાયબેરીયન હસ્કી જેવી બ્રીડ સૌથી વધુ લોકપ્રિય છે.