ડેટા સેન્ટર્સને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ, 'સિંગલ વિન્ડો સિસ્ટમ' થી પ્રોજેક્ટ મંજૂરી, નવી પોલિસી જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Data Center Policy 2026-29: વિશ્વમાં અંદાજે 12 હજાર ડેટા સેન્ટર્સ છે અને તેમાંથી 70 ટકા અમેરિકા-ચીનમાં છે. એટલું જ નહીં, વિશ્વના કુલ ડેટામાં ભારતનો હિસ્સો વૈશ્વિક ડેટા સેન્ટરમાં માત્ર 3 ટકા છે. હવે દેશ અને ગુજરાતને અગ્રણી હાઈપર્સ્કેલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ડેટા સેન્ટર વિકસિત કરવા માટે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ 2026-29’ જાહેર કરવામાં આવી છે.
ધોલેરામાં ડેટા સેન્ટર હશે તો વિશિષ્ટ સહાય
વૈશ્વિક સ્તરે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે રોકાણ આકર્ષવાના હેતુથી ઘડવામાં આવેલી આ પોલિસીના મુખ્ય લક્ષ્યાંકોમાં 7.5 ગીગાવોટ ડેટા સેન્ટર ક્ષમતા વિકસાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ધોલેરામાં સ્થાપિત પ્રોજેક્ટ માટે 10 વર્ષ સુધી 2.5 ટકા મૂડી સહાય અપાશે. એટલું જ નહીં સ્ટેમ્પ ડ્યુટી-નોંધણી ફીમાંથી 100 ટકા મુક્તિ, પ્લાન્ટ મશીનરી-બિલ્ડિંગ-ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેશન સેવા પર 100 ટકા સુધીની એસજીએસટીની ભરપાઈ કરવામાં આવશે.
રાજ્ય સરકારના જણાવ્યાનુસાર, ગુજરાતને કુલ 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરના પ્રસ્તાવો મળ્યા છે. જેમાંથી 8 ગીગાવોટ સુધીની ક્ષમતા વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ માત્ર ડેટા સ્ટોરેજ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આ સમગ્ર દેશ અને દુનિયા માટે એક સંપૂર્ણ એઆઈ ઈકોસિસ્ટમ તૈયાર કરવાનો એક ભાગ છે. માત્ર ધોલેરામાં જ પોલિસીની ક્ષમતા કરતાં બમણી ડિમાન્ડ છે. જેના કારણે ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી બનશે. ડેટા સેન્ટર સ્થાપવાની સાથે આગામી સમયમાં ધોલેરાને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનું હેડક્વાર્ટર બનાવાશે. ડેટા સેન્ટરમાં વીજળી અને પાણીની જરૂરિયાત મહત્તમ હોય છે. આ પોલિસી હેઠળ ડેટા સેન્ટરોમાં વપરાતી કુલ ઊર્જામાંથી 51 ટકા ઊર્જા ફરજિયાતપણે ગ્રીન એનજી જ વાપરવી પડશે. આ ઉપરાંત ખેડૂતો કે અન્ય ઉદ્યોગોના ભોગે નહીં, પરંતુ દરિયાના પાણીને મીઠું કરવા માટેના ડીસેલીનેશન પ્લાન્ટ પર ભાર મૂકીને પાણી પુરવઠો આપવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 6 લાખ કરોડનું રોકાણ મળવાનો અંદાજ
મુખ્ય સચિવ મનોજકુમાર દાસે ડેટા સેન્ટર પોલિસીને ગેમ ચેન્જર ગણાવતા જણાવ્યું કે, 'ડેટા સેન્ટર્સ માટે જરૂરી પુષ્કળ માત્રામાં પાણી અને વીજળીની જરૂરિયાત પૂરી કરવા ગુજરાત સજ્જ છે, કારણ કે રાજ્ય પાસે વિશાળ દરિયાકાંઠો અને સૌર-પવન ઉર્જા જેવા રિન્યુએબલ એનજીના પૂરતા સ્ત્રોત ઉપલબ્ધ છે. આ નવી પોલિસી દ્વારા ગુજરાતમાં અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું માતબર રોકાણ આવવાની અને મોટા પાયે રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે, જે વર્લ્ડ બેન્કની વ્યાખ્યા મુજબ ગુજરાતને હાઈ-મિડલ ઈકોનોમી તરીકે વધુ મજબૂત બનાવશે.'
ડેટા સેન્ટર એટલે શું? તેનું મુખ્ય કામ શું હોય છે?
સરળ શબ્દોમાં કહેવામાં આવે તો ડેટા સેન્ટર એટલે હજારો શક્તિશાળી કમ્પ્યુટર્સનું સુરક્ષિત-અત્યાધુનિક મકાન, જ્યાં ડિજિટલ માહિતીનો સંગ્રહ થાય છે. ડેટા સેન્ટરના મુખ્ય કામમાં ફોટા-વીડિયો-દસ્તાવેજ જેવી ડિજિટલ માહિતીનો સંગ્રહ કરવો, વેબસાઈટ-એપ ચલાવવી, ક્લાઉડ સેવા, ચેટ જીપીટી જેવા એઆઈ મોડેલને ટ્રેઈન્ડ કરવું -ચલાવવું, યુપીઆઈ-એટીએમ-નેટ બેન્કિંગ-ડિજિટલ પેમેન્ટ સુરક્ષિત રીતે ચલાવવાનો સમાવેશ થાય છે. આ ડેટા સેન્ટરમાં હજારો સર્વર્સ, હાઈ સ્પીડ ઈન્ટરનેટ નેટવર્ક, વિશાળ ડેટા સ્ટોરેજ સિસ્ટમ, 24 કલાક ચાલતી કૂલિંગ સિસ્ટમ હોય છે.
ડેટા સેન્ટર પોલિસીની મુખ્ય વિશિષ્ટતાઓ
•વીજ દર સહાય: ડેટા સેન્ટરો માટે આગામી 20 વર્ષ સુધી પ્રતિ યુનિટ 1 રૂપિયાની વીજ દર સહાય આપવામાં આવશે.
•સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ: જમીનની ખરીદી અને લીઝ પર 100 ટકા સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે.
•વીજ ડ્યુટી રિઈમ્બર્સમેન્ટ: વીજ ડ્યુટીમાં 20 વર્ષ સુધી 100 ટકા રિઈમ્બર્સમેન્ટની જોગવાઈ કરવામાં આવી છે.
•વ્યાજ સહાય: ડેટા સેન્ટર સેટઅપ માટે 10 વર્ષ સુધી 4 ટકા વ્યાજ સહાય ની જાહેરાત કરાઈ છે.
•ધોલેરા માટે ખાસ સબસિડી: વૈશ્વિક સ્તરે વિકસી રહેલા ધોલેરા વિસ્તારમાં ડેટા સેન્ટર સ્થાપવા માટે વધારાની 2.5 ટકા કેપિટલ સબસિડી આપવામાં આવશે.
•ગ્રીન એનર્જી ફરજિયાત: પર્યાવરણની જાળવણી માટે દરેક ડેટા સેન્ટર પ્રોજેક્ટમાં ઓછામાં ઓછી ૫૧ ટકા ગ્રીન એનર્જી (રીન્યુએબલ એનર્જી) નો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે.
•આવશ્યક સેવા તરીકે માન્યતા: ડેટા સેન્ટરની કામગીરીને રાજ્યમાં ‘આવશ્યક સેવા’ તરીકે માન્યતા અપાશે, જેથી તેની કામગીરી અવિરત ચાલી શકે.
•સિંગલ વિન્ડો સિસ્ટમ: પ્રોજેક્ટ્સને ઝડપી મંજૂરી મળે તે માટે સિંગલ વિન્ડો સુવિધા અને એસજીએસટી રિઈમ્બર્સમેન્ટ સહિતના અનેક પ્રોત્સાહનો મળશે.









