Ahmedabad

અમદાવાદમાં સાયબર ઠગ ટોળકીનો આતંક: ગેસ બિલ, ટ્રાફિક મેમો અને ફેસબુક રીલના બહાને ત્રણ લોકોના 21.88 લાખ સાફ

By GS Team
20 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં સાયબર ગઠિયાઓની ટોળકી સક્રિય બની છે. અજાણી લિંક, સોશિયલ મીડિયા અને બનાવટી APK ફાઇલ મોકલી ફોનનો એક્સેસ મેળવી બેંક ખાતા સાફ કરી રહી છે. વાસણા, નારણપુરા અને ઘાટલોડિયાના 3 નાગરિકો સાથે 21.89 લાખની છેતરપિંડી આચરી છે. ગેસ બિલ અપડેટ, ટ્રાફિક ચલણ અને ફેસબુક રીલના બહાને આ છેતરપિંડી થઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં સાયબર ઠગ ટોળકીનો આતંક: ગેસ બિલ, ટ્રાફિક મેમો અને ફેસબુક રીલના બહાને ત્રણ લોકોના 21.88 લાખ સાફ

Ahmedabad Cyber Fraud: અમદાવાદ શહેરમાં અજાણી લિંક, સોશિયલ મીડિયા અને બનાવટી APK ફાઇલ મોકલી મોબાઇલ ફોનનો એક્સેસ મેળવી બેન્ક ખાતાં સાફ કરી જતી સાયબર ગઠિયાઓની ટોળકી સક્રિય થઈ છે. આ શાતિર ટોળકીએ વાસણા, નારણપુરા અને ઘાટલોડિયા વિસ્તારના ત્રણ નાગરિકોને પોતાના શિકાર બનાવી કુલ 21.89 લાખ રૂપિયાની માતબર રકમની છેતરપિંડી આચરી છે.

વાસણાના વેપારીને ગેસ બિલ અપડેટના બહાને સંપર્ક કરી ફોનનો એક્સેસ મેળવી 10.12 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જ્યારે નારણપુરાની મહિલાને ટ્રાફિક ચલણ અને ગેસ બિલના નામે ઝાળમાં ફસાવી 5.02 લાખ રૂપિયા તથા ઘાટલોડિયાના આધેડના ફોનમાં ફેસબુક રીલ જોતી વખતે અજાણી ફાઇલ ડાઉનલોડ કરાવી ફોનપેમાં 'AutoPay' ઓન કરી 6.74 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ત્રણેય ભોગ બનનારાઓએ સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કર્યા બાદ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

​ગેસના નામે મેસેજ મોકલી વેપારીના ખાતામાંથી 10.12 લાખ ઉપાડી લીધા

વાસણા જીવરાજ મહેતા હોસ્પિટલ સામે સારંસ એમ્બિયન્સમાં રહેતા અને મહાવીર કોર્પોરેશન નામે મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરતા જિગ્નેશ શાહ ગત આઠમી સપ્ટેમ્બરના રોજ બપોરે ઘરે હાજર હતા. તે વખતે તેના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં પ્રોફાઇલ પિક્ચરમાં ગેસ કંપનીનો લોગો રાખવામાં આવ્યો હતો. મેસેજમાં અગાઉનું બિલ બાકી હોવાથી રાત્રે કનેક્શન કપાઈ જવાની નોટિસ આપી એમ.બી. સિંઘ નામના અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું હતું.

જિગ્નેશભાઈએ ગુગલ પે મારફતે 1851 રૂપિયાનું બિલ ભરી સામેવાળા નંબર પર જાણ કરી હતી. બાદમાં સામેથી બિલ અપડેટ કરવા માટે લિંક મોકલાઈ હતી, જોકે જિગ્નેશભાઈએ લિંક ઓપન કરી નહોતી. તેમ છતાં ગઠિયાઓએ કોઈપણ રીતે તેમના ફોનનો એક્સેસ મેળવી લીધો હતો. થોડી જ વારમાં તેમના એક્સિસ બેંકના ખાતામાંથી 5-5 લાખ રૂપિયાના બે અને અન્ય ખાતામાંથી રકમ મળી કુલ 10.12 રૂપિયા લાખ ડેબિટ થઈ ગયા હતા.

​ટ્રાફિક ચલણ અને ગેસ બિલ અપડેટની લિંકથી મહિલા સાથે 5.02 લાખ રૂપિયાનું ફ્રોડ

નારણપુરા શાસ્ત્રીનગર ખાતે સેલેસ્ટીયા એપાર્ટમેન્ટમાં રહેતા 46 વર્ષીય રાજવીબહેન ગણાત્રા 12મી સપ્ટેમ્બરના રોજ ઘરે હાજર હતા. આ દરમિયાન તેના પતિના મોબાઇલ પર ગેસ કનેક્શન કપાઈ જવાની નોટિસનો મેસેજ આવ્યો હતો. તેમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં 10 રૂપિયાનું પેમેન્ટ કરી બિલ અપડેટ કરવા લિંક મોકલાઈ હતી. આ પ્રક્રિયા પૂરી ન થતાં અન્ય એક અજાણ્યા નંબર પરથી ટ્રાફિક વાયોલેશન અને 1 હજાર રૂપિયાના ચલણ અંગેનો મેસેજ લિંક સાથે આવ્યો હતો.

રાજવીબહેને તે લિંક ખોલતાં જ ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી. આ ફાઇલ ડાઉનલોડ થતાં જ સાયબર ગઠિયાઓએ ફોનનો એક્સેસ મેળવી લઈ રાજવીબહેનના એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કના ક્રેડિટ કાર્ડ તથા ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના ખાતામાંથી કુલ 6 ટ્રાન્ઝેક્શન મારફતે 5.02 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

​ફેસબુક રીલ વખતે APK ડાઉનલોડ થઈ, ફોનપે AutoPay થી રૂ. 6.74 લાખ સાફ

ઘાટલોડિયા કે.કે. નગર રોડ પર આવેલી મધુવૃંદ સોસાયટીમાં રહેતા અને માર્કેટિંગનું કામ કરતા મહેશ પટેલના 84 વર્ષીય પિતા આઠમી સપ્ટેમ્બરના રોજ મોબાઇલ ફોનમાં ફેસબુક રીલ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક એક શંકાસ્પદ એપીકે ફાઇલ ડાઉનલોડ થઈ જતાં ફોન હેંગ થઈ ગયો હતો. તેના ભાઈએ આવીને ફાઇલ ડિલીટ કરી ફોન રીસ્ટાર્ટ કર્યો હતો. જોકે, બીજા દિવસે નવમી સપ્ટેમ્બરના રોજ મહેશ ઓફિસેથી ઘરે પરત ફરતા હતા ત્યારે બેન્ક એકાઉન્ટમાંથી નાણાં કપાવાના ઉપરાઉપરી મેસેજ આવવા લાગ્યા હતા.

મિત્રની સલાહથી તપાસ કરતાં તેમના ફોનપેમાં હેકર્સ દ્વારા 'AutoPay' મોડ ઓન કરી દેવાયો હોવાનું ધ્યાને આવ્યું હતું. ગઠિયાઓએ બેન્ક ખાતામાંથી કુલ 12 ટ્રાન્ઝેક્શન મારફતે 6.74 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.