Ahmedabad

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ અને સરખેજ પોલીસના દરોડા, સસ્તી દારૂની બોટલોમાં ભરીને પ્રીમિયમ બ્રાન્ડના નામે વેચનાર શખ્સ ઝડપાયો

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સરખેજ પોલીસે સમીર ખાન ઉર્ફે એસ.કે. બાપુ (ઉં.વ. 27) ને સરખેજમાંથી ઝડપી પાડ્યો છે. તે છેલ્લા 4 મહિનાથી સસ્તા દારૂને પ્રીમિયમ બોટલોમાં ભરી, નકલી બુચ-લેબલ લગાવી 5 થી 10 ગણા ભાવે વેચતો હતો. પોલીસે 1.53 લાખના દારૂ સહિત 2.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. DCB એ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ અને સરખેજ પોલીસના દરોડા, સસ્તી દારૂની બોટલોમાં ભરીને પ્રીમિયમ બ્રાન્ડના નામે વેચનાર શખ્સ ઝડપાયો

Ahmedabad DCB Liquor Racket : અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (DCB) અને સરખેજ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક એવા શખ્સની ધરપકડ કરી છે જે સસ્તો દારૂ ખાલી પ્રીમિયમ બ્રાન્ડેડ બોટલોમાં ભરીને તેને અસલી કિંમત કરતાં 5 થી 10 ગણા ઊંચા ભાવે ગ્રાહકોને વેચતો હતો. આ આરોપીની ઓળખ સમીર ખાન ઉર્ફે એસ.કે. બાપુ (ઉં.વ. 27) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 4 મહિનાથી આ ગેરકાયદેસર કારોબાર બેરોકટોક ચલાવી રહ્યો હતો.

નકલી બુચ અને લેબલ લગાવી અસલી જેવી બનાવટ

આરોપી સમીર ખાન પ્રીમિયમ બ્રાન્ડની ખાલી બોટલો અલગ-અલગ જગ્યાએથી મેળવીને પોતાના સરખેજ સ્થિત ઘરે લાવતો હતો. ત્યારબાદ તે કોઈ વોન્ટેડ શખ્સ પાસેથી સસ્તો દારૂ મેળવીને તેને આ ખાલી પ્રીમિયમ બોટલોમાં ભરતો હતો. બોટલ અસલી લાગે તે માટે મૂળ બ્રાન્ડ જેવા જ બુચ અને લેબલ ફીવિક્વિકની મદદથી ચોંટાડીને તેને પરફેક્ટ સીલ કરી દેતો હતો. જેથી ગ્રાહકો સરળતાથી છેતરાઈ જાય.

લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત કરાયો

પોલીસે દરોડા દરમિયાન કુલ 174 સીલબંધ વિદેશી દારૂની બોટલો (કિંમત 1.53 લાખ રૂપિયા), 96 બીયર કેન, 29 ખાલી પ્રીમિયમ બ્રાન્ડેડ બોટલો, 63 બ્રાન્ડેડ બુચ અને 53 લેબલ કબજે કર્યા છે. આ ઉપરાંત 4 ફેવિક્વિકની ટ્યુબ અને 1 મોબાઈલ ફોન મળીને કુલ 2.53 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અગાઉ પણ આ આરોપી વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

DCB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ શરૂ

આ ગંભીર મામલે DCB પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ આ કેસમાં સસ્તો દારૂ પૂરો પાડનાર મુખ્ય સપ્લાયર કોણ હતો અને ખાલી બોટલો તથા લેબલો ક્યાંથી લાવવામાં આવતા હતા તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.