Ahmedabad

અમદાવાદ રેલવે ડિવિઝનમાં ભ્રષ્ટાચાર!, ઓડિયો પુરાવા છતાં લાંચિયા અધિકારીને બચાવવા માઇનર ચાર્જશીટ આપી લીપાપોતી

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના કોમર્શિયલ વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. અસારવા રેલવે સ્ટેશન પર ગેરકાયદે ઉઘરાણી અને લાંચના કેસમાં ઓડિયો-કોલ ડિટેઇલ્સના પુરાવા છતાં, ચીફ પાર્સલ સુપરવાઇઝરને બચાવવા માઇનર ચાર્જશીટ આપી લીપાપોતી કરાઈ. મધ્યપ્રદેશના મોહમ્મદ ઇલિયાસ ખાને DRM સમક્ષ ફરિયાદ કરી હતી કે, નિયમિતપણે ગેરકાયદે નાણાંની માંગણી કરાતી હતી. આથી, રેલવે પ્રશાસનની પારદર્શિતા સામે સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ રેલવે ડિવિઝનમાં ભ્રષ્ટાચાર!, ઓડિયો પુરાવા છતાં લાંચિયા અધિકારીને બચાવવા માઇનર ચાર્જશીટ આપી લીપાપોતી
AI તસવીર

Western Railway Corruption Allegations: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના કોમર્શિયલ વિભાગમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ઉચ્ચ અધિકારીઓની સીધી મિલીભગત અને છત્રછાયા હેઠળ લાંચિયા કર્મચારીઓ સામે કડક પગલાં ભરવાને બદલે તેમને છાવરવામાં આવી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. અસારવા રેલવે સ્ટેશન પર ગેરકાયદે ઉઘરાણી અને લાંચના ચકચારી કેસમાં ઓડિયો પુરાવા તેમજ કોલ ડિટેઇલ્સ હોવા છતાં, નિવૃત્તિ નજીક આવતા જ આરોપી ચીફ પાર્સલ સુપરવાઇઝર (CPS)ને બચાવવા માટે માઇનર ચાર્જશીટ આપી સમગ્ર પ્રકરણ પર લીપાપોતી કરવામાં આવી હોવાના દાવા થઈ રહ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

મધ્યપ્રદેશના નીમચના રહેવાસી અને કુરિયર કાર્ગો એજન્સી સાથે સંકળાયેલા મોહમ્મદ ઇલિયાસ ખાને ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદ અનુસાર, અસારવા-કોટા એક્સપ્રેસના લીઝ એસએલઆર (SLR) કોચમાં માલ લોડિંગ દરમિયાન મુખ્ય પાર્સલ સુપરવાઇઝર દ્વારા નિયમોનું પાલન કરાવવાની અને વજન કરવાની ધમકી આપીને નિયમિતપણે ગેરકાયદે નાણાંની માંગણી કરવામાં આવતી હતી. આ સતત માનસિક ત્રાસ અને શોષણથી કંટાળીને આખરે અરજદારને નોકરી છોડવાની ફરજ પડી હતી. પીડિતે ફરિયાદ સાથે લાંચની માંગણીના ઓડિયો રેકોર્ડિંગ અને કોલ ડિટેઇલ્સ સહિતના નક્કર પુરાવા પણ રેલવે તંત્રને સુપરત કર્યા હતા.

તંત્રની શંકાસ્પદ ભૂમિકા

આ ગંભીર મામલે ફરિયાદને પગલે કર્મચારીને અગાઉ 38 દિવસ માટે સસ્પેન્ડ કરીને સંતોષ માનવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 વર્ષ સુધી આ ફાઇલ ઉચ્ચ અધિકારીઓના ટેબલ નીચે દબાવી રાખવામાં આવી હતી. હવે જ્યારે કર્મચારી આગામી થોડા મહિનામાં નિવૃત્ત થવાનો છે, ત્યારે અચાનક તંત્ર સક્રિય થયું છે અને કડક કાનૂની જોગવાઈ હોવા છતાં માત્ર નામ પૂરતી માઇનર પેનલ્ટી ચાર્જશીટ પકડાવી દેવામાં આવી છે. આ ભ્રષ્ટાચારના કેસમાં જાણે અધિકારીઓની મિલીભગત હોય તે રીતે આરોપીને બચાવવા માટે જાણીજોઈને કેસને નબળો પાડવામાં આવી રહ્યો છે.

બીજી તરફ, કોમર્શિયલ વિભાગમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા કે કાયદાનું પાલન કરાવવા માંગતા પ્રામાણિક કર્મચારીઓની આંતરિક બદલીઓ કરી દેવાય છે; જ્યારે ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા કર્મીઓને મહત્વના પદો પર રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું રેલવે કર્મચારી વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. જો માત્ર સુપરવાઇઝર કક્ષાના કર્મચારી સામે આવા પુરાવા હોવા છતાં લીપાપોતી થતી હોય, તો આ ગેરકાયદે વસૂલીના તાર કોમર્શિયલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી જોડાયેલા હોવાની શક્યતા નકારી શકાતી નથી. સમગ્ર પ્રકરણને દબાવી દેવાના વહીવટી તંત્રના આ પગલાથી રેલવે પ્રશાસનની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.