VIDEO| અમદાવાદ: દિલજીત દોસાંજના કોન્સર્ટ અગાઉ વિવાદ, કાર્યક્રમ પહેલા ફરિયાદ મળતા મોટેરા પોલીસે ચંદીગઢના પ્રોફેસરનું નોંધ્યું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chandigarh Professor Statement On Diljit Dosanjh Ahmedabad Concert: અમદાવાદમાં યોજાનારા જાણીતા ગાયક દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટ અગાઉ ગીતોના વિષયવસ્તુ અને બાળકોની સુરક્ષાને લઈને વિવાદ ઊભો થયો છે. આ મામલે ચંદીગઢના પ્રોફેસર પંડિતરાવ ધરેનવરે ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર(DCPO) સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને મોટેરા પોલીસ દ્વારા ફરિયાદી પ્રોફેસરનું સત્તાવાર નિવેદન નોંધવામાં આવ્યું છે.
ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસરની રજૂઆત બાદ મોટેરા પોલીસને તપાસ
ફરિયાદી પ્રોફેસર પંડિતરાવ ધરેનવરના જણાવ્યા અનુસાર, કોન્સર્ટમાં ગવાતા કેટલાક ગીતો અને સ્ટેજ પરના દેખાવ બાળકોના માનસ પર વિપરીત અસર કરી શકે તેમ હોવાથી તેમણે ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસરને રજૂઆત કરી હતી. આ ફરિયાદ મળ્યા બાદ ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસરે સમગ્ર મામલે અમદાવાદ પોલીસ કમિશનરને અવગત કર્યા હતા. ત્યારબાદ પોલીસ કમિશનરે આ પ્રકરણની તપાસની જવાબદારી મોટેરા પોલીસ સ્ટેશનને સોંપી છે, જેના અનુસંધાને મોટેરા પોલીસે તેમનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
4 ગીતો અને બુલેટ બેલ્ટ પર પ્રતિબંધની માગ
પ્રોફેસર ધરેનવરે પોતાની રજૂઆતમાં દારૂ પર આધારિત દિલજીતના 4 ચોક્કસ ગીતો કોન્સર્ટમાં ન ગાવા તેમજ હથિયારને પ્રોત્સાહન આપતો જણાતો બુલેટ બેલ્ટ સ્ટેજ પર ન પહેરવા બાબતે વાંધો ઉઠાવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, "આ અંગે મેં પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી દીધી છે. તેમ છતાં જો કોન્સર્ટ દરમિયાન આ ગીતો ગાવામાં આવશે અને બુલેટ બેલ્ટ પહેરવામાં આવશે, તો હું આ મામલે હાઈકોર્ટના દ્વાર ખટખટાવીશ."
અન્ય રાજ્યોના આદેશનો હવાલો અને આયોજકોની પ્રતિક્રિયા પર નજર
ફરિયાદીએ પોતાની રજૂઆતમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના અગાઉના આદેશોનો હવાલો આપીને આ પ્રકારના ગીતો જાહેર કાર્યક્રમોમાં ન ગાવાની માગ કરી છે. આ ઉપરાંત, કોન્સર્ટમાં નાના બાળકોની હાજરીને ધ્યાનમાં રાખીને અત્યંત ઊંચા અવાજ (સાઉન્ડ) અને તેજ લેસર લાઈટિંગથી બાળકોના કાન અને આંખોને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી, સાઉન્ડ અને લાઈટિંગ બંને નિર્ધારિત મર્યાદામાં રાખવાની માગ કરવામાં આવી છે.
આયોજકો કે કલાકાર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા નહીં
જોકે, ગુજરાતમાં હાલ આ ગીતો પર કોઈ પ્રતિબંધાત્મક કોર્ટ આદેશ નથી અને અમદાવાદના કોન્સર્ટમાં આ ગીતો ગવાશે કે કેમ અથવા ગીતોના શબ્દોમાં ફેરફાર કરાશે કે કેમ, તે અંગે હજુ સુધી આયોજકો કે કલાકાર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે મોટેરા પોલીસની તપાસ અને કોન્સર્ટમાં નિયમોના પાલન અંગે કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેશે.




