ભાજપના અભિયાન સામે અમદાવાદમાં કોંગ્રેસની 'સંવિધાન રક્ષા માર્ચ', દિગ્ગજ નેતાઓનો જમાવડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Congress Samvidhan Raksha March : અમદાવાદમાં ભાજપના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાનના જવાબમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે ‘સંવિધાન રક્ષા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જોડાવા માટે રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકરો બસો ભરીને પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન પહોંચ્યા છે. કાર્યકરોએ ‘સંવિધાનનું સન્માન, કોંગ્રેસનું અભિયાન’ના પોસ્ટર સાથે ‘વોટ ચોર ગદ્દી છોડો’ના નારા લગાવ્યા હતા.
રાજીવ ગાંધી ભવન ખાતે જાહેરસભા બાદ માર્ચ
સંવિધાન રક્ષા માર્ચ પહેલાં રાજીવ ગાંધી ભવન ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ અહીંથી માર્ચ શરૂ થઈને પાલડી ચાર રસ્તા સુધી જશે. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદીપસિંહ સૂરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખો, સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ જોડાવા પહોંચ્યા છે.
‘મતનો અધિકાર બચાવવા માર્ચ યોજાઈ રહી છે’
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, તડકો હોવા છતાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. આ માર્ચ કોઈ ચૂંટણી કે રાજકીય કાર્યક્રમ માટે નહીં, પરંતુ લોકોના મતના અધિકાર અને બંધારણની રક્ષા માટે યોજવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની સ્થાપના સત્તા મેળવવા માટે થઈ નહોતી. આઝાદી બાદ જ્યારે પણ બંધારણીય અધિકારો પર હુમલો થયો કે લોકશાહીનું હનન કરવાનો પ્રયાસ થયો, ત્યારે કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે. લોકશાહી ખતમ કરીને મુઠ્ઠીભર લોકોના શાસનનો પ્રયાસ થશે ત્યાં સુધી કોંગ્રેસ બંધારણ બચાવવા લડત ચાલુ રાખશે.
સોશિયલ મીડિયા પર લખનાર સામે કાર્યવાહીનો આક્ષેપ
અમિત ચાવડાએ ગુજરાતમાં ભાજપના નેતાઓ સામે સોશિયલ મીડિયા પર લખનાર અથવા ઇન્ટરવ્યૂ આપનાર લોકો સામે પોલીસ કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે બંધારણે લોકોને બોલવાની અને લખવાની આઝાદી આપી છે, પરંતુ લોકોના અધિકારો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
SIR પ્રક્રિયા અને ચૂંટણી કમિશનરનો મુદ્દો ઉઠાવશે કોંગ્રેસ
કોંગ્રેસ દ્વારા માર્ચ દરમિયાન SIR પ્રક્રિયામાં અનેક લોકોનાં નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યાં હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવવામાં આવશે. આ મુદ્દે પક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ પણ કરવામાં આવશે. અમિત ચાવડાએ ‘વોટ બચાવો, દેશ બચાવો’ના નારા સાથે કોંગ્રેસના કાર્યકરો ગામેગામ પહોંચશે તેમ જણાવ્યું હતું. દરેક ગામમાં વોટ રક્ષકની નિમણૂક કરીને એક પણ વ્યક્તિનો મતાધિકાર ન છીનવાય તે માટે જમીન પર કામગીરી કરવાની વાત પણ તેમણે કરી હતી.




