Ahmedabad

જન્માષ્ટમીનો મંડપ બાંધવા મુદ્દે અમદાવાદના ઓઢવમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, સવારની બબાલમાં સાંજે ચપ્પુ-દંડા ઉછળ્યા

By GS Team
5 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના ઓઢવમાં જન્માષ્ટમીનો મંડપ બાંધવા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ગઈકાલે સાંજે 7 વાગ્યે થયેલા આ હુમલામાં ચપ્પુ અને લાકડાના દંડાનો ઉપયોગ થયો હતો. બંને પક્ષે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. ઓઢવ પોલીસે અખિલેશ યાદવ અને તુષાર ડાભીની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જન્માષ્ટમીનો મંડપ બાંધવા મુદ્દે અમદાવાદના ઓઢવમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, સવારની બબાલમાં સાંજે ચપ્પુ-દંડા ઉછળ્યા

Ahmedabad Crime news :અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી મહમદ કસાઈની ચાલીમાં જન્માષ્ટમીનો મંડપ બાંધવા મુદ્દે બે જૂથ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામસામી મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટનામાં 25 વર્ષીય અખિલેશ યાદવ અને 23 વર્ષીય તુષાર ડાભી દ્વારા એકબીજાના પરિવાર અને મિત્રો વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પોલીસે 4ની અટકાયત કરી છે. ઘટના મુજબ, સવારે થયેલા સામાન્ય ઝઘડાની અદાવત રાખીને સાંજે 7 વાગ્યાની આસપાસ બંને જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં ચપ્પુ અને લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ધિંગાણામાં એક મહિલાને દંડાથી માર મારતો વિડીયો પણ સામે આવ્યો છે. હુમલામાં ચપ્પુ અને દંડાના ઘા વાગવાથી બંને પક્ષે ઈજાગ્રસ્ત થયેલા લોકોને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ઓઢવમાં આવેલી મહમદ કસાઈની ચાલીમાં ગઈકાલે રાતે જન્માષ્ટમીના મંડપ બાંધવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કરતા ધિંગાણુંથાયુ હતું. જે બાદ 25 વર્ષીય અખિલેશ સંતરામ યાદવે કૃણાલ ઉર્ફે ચિન્ટુ, તુષાર ડાભી, નિખિલ નાડિયા અને મનોજસિંહ ગોહિલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે સવારે મંડપ બાબતે કૃણાલ સાથે ઝઘડો થયા બાદ સાંજે આશરે 7 વાગ્યે તેઓ પોતાના ભાઈ અભિષેક, પિતા સંતરામ યાદવ અને માતા સરોજબેન સાથે કૃણાલને સવારના ઝઘડાનું કારણ પૂછવા ચાલીના નાકે ગયા હતા. ત્યારે કૃણાલ અને તેના સાગરીતોએ ઉશ્કેરાઈને ફરિયાદી અને તેમના પરિવારને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ સામસામી બોલાચાલી અને ઝઘડા દરમિયાન કૃણાલ ઉર્ફે ચિન્ટુએ ચપ્પુના ઘા અખિલેશ માર્યા હતા. આ દરમિયાન તેને બચાવવા પડેલા પિતા અને ભાઈ અભિષેક અને માતા સરોજબેનની ચપ્પુના ઘા મારીને તમામ આરોપીઓ બૂમાબૂમ થતા ભાગી ગયા હતા. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પરિવારને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

તો એ જ ચાલીમાં રહેતા 23 વર્ષીય તુષાર કાન્તીજી ડાભીએ અખિલેશ સંતરામ યાદવ, તેના ભાઈ અભિષેક, પિતા સંતરામ અને માતા સરોજબેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસ ફરિયામાં જણાવ્યું છે કે તેમના માસીના દીકરા કૃણાલ ઉર્ફે ચિન્ટુને સવારના સમયે અખિલેશ સાથે મંડપ મુદ્દે બોલાચાલી થઈ હતી અને આ જ અદાવત રાખીને સાંજે આશરે 7 વાગ્યે અખિલેશ તેના પરિવારના અન્ય ત્રણ સભ્યો સાથે ચાલીમાં ધસી આવ્યો હતો. અખિલેશ અને તેના પરિવારે કૃણાલને સવારના ઝઘડા બાબતે પૂછપરછ કરી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું, જેથી ફરિયાદી તુષાર, તેનો મિત્ર નિખિલ નાડિયા અને મનોજસિંહ ગોહિલ તેને છોડાવવા વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા અખિલેશે તુષારને અને મિત્ર નિખિલના ચપ્પુના ઘા મારી દીધા હતા. આ ઉપરાંત કૃણાલને પણ ચપ્પુ માર્યું હતું. આ ઉપરાંત આરોપી અભિષેક યાદવે લાકડાનો દંડો છોડાવવા પડેલા મનોજસિંહ ગોહિલને માર્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હુમલામાં ચપ્પુ વાગવાથી લોહીલુહાણ થયેલા તુષાર, નિખિલ અને કૃણાલને 108 એમ્બ્યુલન્સ મારફતે શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.