દિવાળી ટાણે ફરસાણમાં કેમિકલ ડાઈ મળી, અમદાવાદના દાણીલીમડામાં ગૃહ ઉદ્યોગ સીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Food Safety: તહેવારોમાં અમદાવાદ શહેરમાં ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે. દાણીલીમડામાં ગઈકાલે નકલી ટોમેટો સોસ પકડાયા બાદ આજે ગૃહ ઉદ્યોગના ફરસાણમાં હાનિકારક કેમિકલ ડાઈ મળી આવી હતી. તેમજ એક ને એક તેલમાં વારંવાર ફરસાણ તળી વેચાણ કરાતું હોવાથી મસાલા સિંગ, ઝીણી સેવ, ફરસી પુરી વગેરેનો 1010 કિલો જથ્થો સ્થગિત કરાયો હતો.
એકને એક તેલમાં ફરસાણ તળી વેચાણ કરાતું હતું
દાણીલીમડાના ગુડલક એસ્ટેટમાં આવેલા એ એન ગૃહ ઉદ્યોગમાં આજે મ્યુનિસિપલના ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ગંદકી વચ્ચે ફરસાણ તૈયાર કરાતું હોવાનું સામે આવ્યું હતું. તેમજ ફરસાણમાં નોન પરમિટેડ કલર એટલે હાનિકારક કેમિકલ ડાય વપરાતી હતી. ઉપરાંત એક ને એક તેલ વારંવાર ગરમ કરીને તેમાં ફરસાણ તળવામાં આવતું હતું.
જેથી તેલમાં ટીપીસી એટલે ટોટલ પોલર કમ્પાઉન્ડનું પ્રમાણ વધી ગયું હતું. કારીગરોએ હેરકવર કે એપ્રન પહેર્યા નહોતા. જ્યારે પેકેટ પર યોગ્ય રીતે લેબલિંગ પણ કરવામાં આવતું નહોતું. તેવામાં નિયમોના ભંગ બદલ ગૃહઉદ્યોગ સીલ કરાયો હતો. તેમજ મેંદો, મસાલા સિંગ, ઝીણી સેવા, ફરસી પુરી વગેરેનો 1010 કિલો જથ્થો સ્થગિત કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે સેવ, ગાંઠિયા, બુંદી, પુરી જેવા ફરસાણમાં રંગ નિખારવા આવા સસ્તા કેમિકલ રંગો વપરાતા હોય છે. જે લાંબા ગાળે કિડની, લિવર વગેરે અંગોને નુકસાન પહોંચાડે છે. જ્યારે વારંવાર ગરમ કરીને વપરાતા તેલથી કોલેસ્ટ્રોલ વધવાનું તેમજ હૃદય રોગનું જોખમ રહે છે.




