Ahmedabad

VIDEO| અમદાવાદના ચંદ્રનગર બ્રિજ નીચે ભણતરની અનોખી ‘સ્કૂલ’: 350 બાળકોને શિક્ષણ સાથે ડાન્સ, ડ્રોઇંગથી સ્પોર્ટ્સ સુધીની તાલીમ

By GS Team
9 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના ચંદ્રનગર બ્રિજ નીચે છેલ્લા 6 વર્ષથી માનવ સાધના સંસ્થા સ્લમ વિસ્તારના 350 બાળકોને શિક્ષણ આપી રહી છે. અહીં ધોરણ 1થી 9 ના બાળકોને પુસ્તકિયા જ્ઞાન સાથે રમતગમત અને કલા જેવી પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ સાધવામાં આવે છે. સ્થાનિક શિક્ષકો દ્વારા અપાતા પાયાના શિક્ષણથી બાળકો માટે આ સ્થળ શાળા કરતાં પણ વધુ મનપસંદ બન્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમદાવાદના ચંદ્રનગર બ્રિજ નીચે ભણતરની અનોખી ‘સ્કૂલ’: 350 બાળકોને શિક્ષણ સાથે ડાન્સ, ડ્રોઇંગથી સ્પોર્ટ્સ સુધીની તાલીમ

Slum Children Education Under Ahmedabad Bridge: અમદાવાદના અંજલી ચાર રસ્તાથી દાણીલીમડા તરફ જતા ચંદ્રનગર બ્રિજ નીચે છેલ્લા 6 વર્ષથી માનવ સાધના સંસ્થા દ્વારા સ્લમ વિસ્તારના બાળકો માટે એક શિક્ષણ યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. અહીં હાલમાં ધોરણ 1થી 9 ના આશરે 350 જેટલાં બાળકો માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ રમતગમત અને કલા જેવી પ્રવૃત્તિઓ સાથે સર્વાંગી વિકાસ સાધી રહ્યા છે. સ્થાનિક શિક્ષકો દ્વારા બાળકોના લર્નિંગ લેવલ મુજબ અપાતા પાયાના શિક્ષણને કારણે આ સ્થળ બાળકો માટે શાળા કરતાં પણ વધુ મનપસંદ બની ગયું છે.

સ્લમ વિસ્તારના બાળકો અને પરિવારોના જીવનમાં સુધારો લાવવાનો પ્રયાસ

અહીં એજ્યુકેશન કોઓર્ડિનેટર તરીકે કામગીરી કરતાં દિનેશ ડાભાણીએ જણાવ્યું કે, માનવ સાધના સંસ્થાની શરૂઆત મૂળ તો 1989થી થઈ છે, પરંતુ અમારી આ શાખા કોવિડ પછી શરૂ કરવામાં આવી છે. જેને હવે આશરે 6 વર્ષ જેટલો સમય થયો છે. આ સેન્ટર શરૂ કરવાનો મુખ્ય હેતુ અહીંના સ્લમ વિસ્તારના બાળકો, બહેનો, વડીલો અને અન્ય લાભાર્થીઓને શક્ય એટલી મદદ કરવાનો, તેમના જીવનમાં સુધારો લાવવાનો, બાળકોના શિક્ષણ પર કામ કરવાનો અને સમુદાયના વિચારોમાં પરિવર્તન લાવવાનો છે.

સ્લમ વિસ્તારના 350 બાળકો માટે સવારે અને બપોરે અલગ બેચ

અહીંની કોમ્યુનિટી ખૂબ મોટી હોવાથી શરૂઆતથી જ બાળકો મોટી સંખ્યામાં આવે છે. હાલમાં ધોરણ 1થી 9 ના લગભગ 350 બાળકો અહીં ભણવા માટે આવે છે. જેમાં સવારના સમયે ધોરણ 1થી 5ના આશરે 200 બાળકો અને બપોરના સમયે ધોરણ 6થી 9ના આશરે 150 બાળકો આવે છે.

વિવિધ વિષય સાથે બાળકોને ડાન્સ, ડ્રોઇંગ અને સ્પોર્ટ્સ શીખવાડતા શિક્ષકો

અહીં આવતા બાળકોમાંથી 90% બાળકો સામે આવેલી મ્યુનિસિપલ સ્કૂલ 'બેરામપુરા શાળા નંબર 22ના જ છે. બાળકોનું બેઝિક ફાઉન્ડેશન ક્લિયર થાય તે માટે અમે મુખ્યત્વે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશ જેવા વિષયો પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ શિક્ષણની સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે અઠવાડિયામાં 1 દિવસ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવવામાં આવે છે. આ ઉપરાંત આર્ટ ક્લાસમાં ડાન્સ, ડ્રોઇંગ, આર્ટ ઍન્ડ ક્રાફ્ટ તેમજ થીએટર અને ડ્રામાના ક્લાસ ચલાવવામાં આવે છે અને તમામ નાના-મોટા તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે.

ગ્રેજ્યુએટ, PTC અને B.Ed થયેલા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોનું ઘડતર

અહીં ભણાવતા શિક્ષકો મુખ્યત્ત્વે આસપાસની સ્થાનિક કોમ્યુનિટીના જ છે. શિક્ષકોની ભરતીમાં ખાસ ધ્યાન રાખાવામાં આવે છે કે તેઓ બાળકોનો પાયો પાક્કો કરી શકે અને ગ્રેજ્યુએટ થયેલા શિક્ષકોને પ્રાધાન્ય આપવામાં આવે છે. અહીં PTC અને B.Ed થયેલા શિક્ષકો પણ છે. સ્થાનિક શિક્ષકો હોવાને કારણે તેઓ બાળકોને અને તેમની સ્થિતિને વધુ સારી રીતે સમજે છે અને ઓળખે છે, જેથી બાળકોના ભણતર અને વિકાસમાં સરળતા રહે છે.

દરેક બાળકનું લર્નિંગ લેવલ જાણી તૈયાર થાય છે અભ્યાસક્રમ, શિક્ષકોને પણ અપાય છે તાલીમ

બાળકો જ્યારે અહીં આવે છે ત્યારે સૌપ્રથમ તેમની મૂલ્યાંકન કસોટી લઈએ છીએ જેથી તેમનું લર્નિંગ લેવલ જાણી શકાય. અમારી 50 જેટલા શિક્ષકોની એજ્યુકેશન ટીમ આ લેવલને ધ્યાનમાં રાખીને આખું કરિક્યુલમ તૈયાર કરવામાં આવે છે. એ કરીક્યુલમના આધારે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેઓ ભણાવે છે, જેમાં બેઝિક ફાઉન્ડેશન અને શાળાના સિલેબસ બંનેનું ધ્યાન રાખવામાં આવે છે.

બાળકોના શિક્ષણથી વાલીઓ ખુશ, 90% વાલીઓ પેરેન્ટ્સ મીટિંગમાં રહે છે હાજર

બાળકોના વાલીઓ આ કાર્યથી ખૂબ જ ખુશ છે. વર્ષમાં 3 વખત પેરેન્ટ્સ મીટિંગમાં 90% જેટલા વાલીઓ હાજરી આપે છે. વાલીઓ એવું કહે છે કે તેમના બાળકો શાળા કરતાં પણ અહીં વધુ શીખી રહ્યા છે અને તેમને સ્કૂલ કરતાં પણ અહીં આવવું વધુ ગમે છે.