Ahmedabad

WhatsApp પર ડિજિટલ કંકોત્રી ખોલતાં જ બેન્ક એકાઉન્ટ સફાચટ: અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા રૂ.15.45 લાખ!

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના મણિનગરમાં 64 વર્ષીય વૃદ્ધ સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. પરિચિતના વોટ્સએપ પરથી આવેલી લગ્નની ડિજિટલ કંકોત્રીની APK ફાઇલ ડાઉનલોડ કરતા તેમના બેંક ખાતામાંથી 15.45 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. ઠગોએ 26 UPI ટ્રાન્ઝેક્શન દ્વારા નાણાં તફડાવ્યા હતા. સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

WhatsApp પર ડિજિટલ કંકોત્રી ખોલતાં જ બેન્ક એકાઉન્ટ સફાચટ: અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા રૂ.15.45 લાખ!

Ahmedabad Cyber Crime: વોટ્સએપ પર લગ્નની ડિજિટલ કંકોત્રીના નામે સાયબર છેતરપિંડીનો નવો ટ્રેન્ડ સામે આવ્યો છે, જેમાં અમદાવાદના મણિનગરના વૃદ્ધ સાયબર ઠગોનો શિકાર બન્યા છે. પરિચિતના વોટ્સએપ નંબર પરથી આવેલી એક લિંક (APK ફાઇલ) ડાઉનલોડ કરવા માત્રથી વૃદ્ધના બેન્ક ખાતામાંથી 15.45 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા છે. આ ઘટના સંદર્ભે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

લગ્નની કંકોત્રીના નામે APK ફાઇલ મોકલી

સાયબર ગઠિયાઓ લોકોને જાળમાં ફસાવવા અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. અગાઉ RTO મેમો કે ગેસ બિલના નામે બોગસ લિંક તથા APK ફાઇલો મોકલીને ઠગાઈ કરવામાં આવતી હતી, જ્યારે હવે વેડિંગ ઇન્વિટેશન એટલે કે ડિજિટલ કંકોત્રીના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધના વોટ્સએપ પર એક પરિચિત વ્યક્તિના નંબર પરથી લગ્નની કંકોત્રીના નામે APK ફાઇલ આવી હતી. વૃદ્ધે આ ફાઇલ ડાઉનલોડ કરીને ક્લિક કરી હતી, પરંતુ શંકા જતાં તરત જ બંધ કરી દીધી હતી. જોકે, ત્યાં સુધીમાં મોબાઈલમાં વાઇરસ ઇન્સ્ટોલ થઈ ચૂક્યો હતો અને ઠગોએ મોબાઈલનું એક્સેસ મેળવી લીધું હતું.

આ ઘટનાના એક મહિના બાદ વૃદ્ધ જ્યારે ધ્રાંગધ્રા ગયા હતા, ત્યારે તેના મોબાઈલ પર અચાનક અનેક OTP આવવા લાગ્યા હતા. આથી શંકા જતાં તેમણે પત્નીને બેન્કમાં જઈ પાસબુકમાં એન્ટ્રી કરાવવા જણાવ્યું હતું. જોકે, બેન્કમાં હડતાળ હોવાના કારણે સળંગ બે દિવસ સુધી પાસબુકમાં પ્રિન્ટ થઈ શકી નહોતી. હડતાળ પૂરી થયા બાદ પાસબુકની એન્ટ્રી કરાવતા સામે આવ્યું હતું કે, સાયબર ગઠિયાઓએ 26 જેટલા અલગ-અલગ UPI ટ્રાન્ઝેક્શન મારફતે 15.45 લાખ રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા છે.

પરિચિતનો ફોન અગાઉથી હેક થઈ ગયો હતો

પીડિત વૃદ્ધે કંકોત્રી મોકલનાર પરિચિત વ્યક્તિનો સંપર્ક કરતા માલૂમ પડ્યું હતું કે, તે પરિચિતનો ફોન અગાઉથી હેક થઈ ગયો હતો અને હેકર્સે તેમના તમામ સંપર્કોને આવી વાઇરસયુક્ત APK ફાઇલ મોકલીને શિકાર બનાવ્યા હતા. બનાવ અંગે વૃદ્ધે સાયબર ક્રાઇમ પોલીસ મથકે અજાણ્યા ગઠિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.