સાણંદ-બાવળા હાઈવે પર રખડતા ઢોરનો આતંક: પીંપણ નજીક ગાયોના ધણ સાથે બાઈક અથડાતા આશાસ્પદ યુવકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Road Accident In Ahmedabad: રાજ્યના હાઈવે અને માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ રહ્યો છે, જે વધુ એક નિર્દોષ વાહનચાલક માટે જીવલેણ સાબિત થયો છે. અમદાવાદના સાણંદ-બાવળા હાઈવે પર પીંપણ ગામ નજીક ગત 16મી જુલાઈની રાત્રે રોડની વચોવચ અડીંગો જમાવીને બેઠેલી ગાયોના ધણ સાથે બાઈકચાલક યુવાન ધડાકાભેર અથડાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે.
રાત્રિના અંધારામાં ગાયો ન દેખાતા સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત 16મી જુલાઈની રાત્રિના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે સર્જાયો હતો. એક યુવક પોતાના બાઈક પર સાણંદ-બાવળા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પીંપણ ગામ નજીક રસ્તાની વચ્ચે જ ગાયોનું આખું ધણ બેઠેલું હતું. રાત્રિના અંધારાના કારણે બાઈકચાલકને ગાયો ન દેખાતા તેનું બાઈક સીધું ગાયો સાથે જોરદાર રીતે અથડાયું હતું. ગાયો સાથે ભટકાયા બાદ બાઈકચાલક યુવક હવામાં ફંગોળાઈને રોડ પર જોરદાર રીતે પટકાયો હતો. માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે યુવકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે આક્રોશ
આ ઘોર બેદરકારીના કારણે સર્જાયેલી ઘટનાને પગલે સાણંદ-બાવળા રોડ પર દૈનિક મુસાફરી કરતા વાહનચાલકો અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ હાઈવે પર અવારનવાર રખડતા ઢોરના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાય છે. તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કડક પગલાં ન લેવાતા આજે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવવો પડ્યો છે, જેથી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.




