Ahmedabad

અમદાવાદના સી.જી. રોડ પર પોલીસ લખેલી પ્લેટવાળી કારનો અકસ્માત, ટુ-વ્હીલર સવાર દંપતીને અડફેટે લેતા હોબાળાનો વીડિયો વાઈરલ

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સી.જી. રોડ પર મોડી રાત્રે પોલીસ પ્લેટવાળી કારે ટુ-વ્હીલર પર જતા દંપતીને ટક્કર મારી. સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ કારમાંથી પોલીસ યુનિફોર્મ મળતા હોબાળો થયો. લોકોએ કારચાલક નશામાં હોવાનો આક્ષેપ કર્યો. બી-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, પણ દંપતીએ ફરિયાદ નોંધાવી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના સી.જી. રોડ પર પોલીસ લખેલી પ્લેટવાળી કારનો અકસ્માત,  ટુ-વ્હીલર સવાર દંપતીને અડફેટે લેતા હોબાળાનો વીડિયો વાઈરલ

Police Car Hits Couple On Ahmedabad's CG Road Video Out : અમદાવાદના સી.જી. રોડ પર મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં પોલીસની પ્લેટ રાખેલી એક કારે ટુ-વ્હીલર પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અકસ્માત બાદ એકઠી થયેલી ભીડે કારની તપાસ કરતા અંદરથી પોલીસની વર્ધી અને આગળના ભાગે પોલીસની પ્લેટ મળી આવતા હોબાળો થયો હતો.

બનાવની વિગત મુજબ, વળાંક લેતી વખતે કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હતાં, અને દંપતી રસ્તા પર પટકાયું હતું. અકસ્માત સર્જનાર કારમાં સવાર લોકોને આસપાસના લોકોએ ઉભા રાખીને બહાર કાઢ્યા હતા. ઘટનાસ્થળે ભેગા થયેલા લોકોએ કાર ચાલક દારૂના નશામાં હોવાના આક્ષેપો કરીને હોબાળો કર્યો હતો.

આ સમગ્ર મામલે બી-ડિવિઝન પોલીસના પીઆઇ આર. એસ. પટેલે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, ભોગ બનનાર દંપતી દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

અકસ્માત પીડિતે શું કહ્યું?

ઘટના બાદ પોલીસ બંને પક્ષકારોને બી ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં પીડિતે જણાવ્યું હતું કે, 'અમારે બંને પક્ષોને અંદરો-અંદર રાજીખુશીથી સમાધાન થઈ ગયું છે, જેથી હાલ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવા માંગતા નથી. દુર્ઘટના સમયે પોલીસ કર્મચારી રકજક કરતા હોવાથી તેઓ દારૂ પીધેલા હોવાનું લાગતા પોલીસ કંટ્રોલરૂમમાં એ પ્રકારે જાણ કરી હતી. પરંતુ પોલીસ સ્ટેશન ખાતે સામાવાળા યોગેન્દ્રએ કોઈ નશો કરેલો ન હોવાનું જણાયું હતું.'

પોલીસ કર્મચારીને રૂ.4500નો મેમો ફટકારાયો

સમગ્ર મામલે બી ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરી મુજબ નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસ કર્મચારીની પોતાની માલિકી ગાડીમાં નંબર પ્લેટ, ઇન્સ્યોરન્સ અને પીયુસી ન હોવાથી MV ACT હેઠળ વાહન કબજે કરીને રૂ.4500નો RTO મેમો આપવામાં આવ્યો હતો.