ગુજરાતમાં 8 હજારથી વધુ હાઉસિંગ સોસાયટીના ટેરેસ હક બિલ્ડરો પાસે, લાખો રહીશો સોલારથી વંચિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Builder Terrace Rights: દેશભરમાં રૂફટોપ સોલારને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો કરોડો રૂપિયાની સબસિડી આપી રહી છે. 'પીએમ સૂર્ય ઘર' જેવી યોજનાઓ દ્વારા સામાન્ય નાગરિકને વીજળીના બિલમાં રાહત આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ ગુજરાતની 8000થી વધુ ફ્લેટ સ્કીમો અને એપાર્ટમેન્ટ સોસાયટીઓ માટે સૌથી મોટો અવરોધ સરકાર નહીં, પરંતુ પોતાની જ ઈમારતની ટેરેસ બની ગઈ છે.
રાજ્ય સરકારના 2012 પછીના સોસાયટીની સામાન્ય મિલકતના નિયમોને અનેક બિલ્ડરો ઘોળીને પી ગયા
રાજ્યના અનેક પ્રોજેક્ટોમાં બિલ્ડરોએ બાંધકામ દરમિયાન ટેરેસના હક્કો પોતાની પાસે જ રાખ્યા હોવાનું વેચાણ દસ્તાવેજોમાં જોવા મળે છે. કેટલીક જગ્યાએ ટેરેસનો ઉપયોગ પેન્ટહાઉસ, મોબાઈલ ટાવર, જાહેરાતો અથવા અન્ય વ્યાવસાયિક હેતુઓ માટે કરવામાં આવે છે. પરિણામે ફ્લેટધારકો પાસે ટેરેસનો ઉપયોગ કરવાનો વ્યવહારુ અધિકાર રહેતો નથી અને સોસાયટી કોમન રૂફટોપ સોલાર પ્લાન્ટ લગાવી શકતી નથી.
રિયલ એસ્ટેટ અને સોલાર ક્ષેત્રના નિષ્ણાતોના અંદાજ મુજબ ગુજરાતમાં અંદાજે 15,000થી 20,000 જેટલી એપાર્ટમેન્ટ અને ફ્લેટ આધારિત હાઉસિંગ સોસાયટીઓ પાસે છે. તેમાંની હજારો સોસાયટીઓમાં રૂફટોપ સોલાર સ્થાપિત કરવાની તકનીકી ક્ષમતા છે. જો કે અંદાજે 400થી 1,000 જેટલી સોસાયટીઓમાં ટેરેસના હક્કો, માલિકી અથવા ઉપયોગને લઈને ઊભા થયેલા વિવાદો સોલાર પ્રોજેક્ટ માટે અવરોધરૂપ બની રહ્યા હોઈ શકે છે. આ આંકડા સત્તાવાર નથી, પરંતુ ક્ષેત્રના જાણકારોના અંદાજ પર આધારિત છે.
એક મધ્યમ કદની હાઉસિંગ સોસાયટીમાં 30થી 50 કિલોવોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપિત થાય તો લિફ્ટ, પાણીની મોટર, કોમન લાઈટિંગ, સિક્યુરિટી કેબિન અને અન્ય કોમન સુવિધાઓના વીજ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં માસિક મેન્ટેનન્સ ચાર્જ પણ ઓછો થઈ શકે છે.
જો ટેરેસ હક્કોના વિવાદોનો ઉકેલ આવે તો રાજ્યમાં અંદાજે 12થી 50 મેગાવોટ જેટલી વધારાની રૂફટોપ સોલાર ક્ષમતાનો વિકાસ શક્ય બની શકે. આ માત્ર ઊર્જા ઉત્પાદનનો પ્રશ્ન નથી, પરંતુ રહેવાસીઓના આર્થિક હિત સાથે પણ સીધો સંબંધ ધરાવે છે. ફ્લેટ ખરીદનાર માટે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ટેરેસ કોમન એરિયા છે કે બિલ્ડરની માલિકીની મિલકત? અનેક ખરીદદારો ફ્લેટ લેતી વખતે આ મુદ્દા પર પૂરતું ધ્યાન આપતા નથી. વર્ષો પછી જ્યારે સોસાયટી રૂફટોપ સોલાર, રેઈનવોટર હાર્વેસ્ટિંગ અથવા અન્ય કોમન સુવિધા સ્થાપિત કરવા ઈચ્છે છે ત્યારે દસ્તાવેજો સામે આવી વિવાદ ઊભો થાય છે. કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે ફ્લેટ ખરીદતા પહેલાં વેચાણ દસ્તાવેજ, મંજૂર નકશા અને કોમન એરિયાની વ્યાખ્યા ધ્યાનથી તપાસવી જોઈએ.









