અમદાવાદમાં નારોલ-નરોડા હાઇવે પર ખારીકટ કેનાલમાંથી બે દિવસની નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News : અમદાવાદ શહેરના નારોલ-નરોડા નેશનલ હાઈવે નંબર-8 પર એક્સપ્રેસ હાઈવે નજીકથી ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલમાંથી બે દિવસની નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક નાગરિકોએ કેનાલમાં તરતો મૃતદેહ જોતાં તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં બાળકીના શરીર સાથે નાળ જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, બપોરના સમયે કેનાલ પાસે લોકોની નજર પાણીમાં પડેલા નવજાત શિશુ પર પડી હતી. જોતજોતામાં કેનાલ કિનારે લોકોનાં ભારે ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં. ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાંથી આશરે બે દિવસની બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો ત્યારે તેના શરીર પર નાળ જોડાયેલી હતી. આ હકીકત જોતાં બાળકીનો તાજો જ જન્મ થયો હોય અને કોઈ કારણોસર જન્મ બાદ તરત જ તેને કેનાલમાં ફેંકી દઈ ત્યજી દેવાઈ હોવાની પ્રબળ આશંકા છે. જોકે બાળકી જીવિત અવસ્થામાં કેનાલમાં ફેંકાઈ હતી કે તેના મોત બાદ ફેંકવામાં આવી, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે.
નાળ જોડાયેલી હાલતમાં મૃતદેહ મળતાં હોસ્પિટલ ડિલિવરી કે ગેરકાયદે પ્રસુતિની આશંકા. ..
બાળકીના શરીર સાથે હજુ નાળ જોડાયેલી હોવાથી આ પ્રસુતિ 24 થી 48 કલાક પહેલાં જ થઈ હોવાનું સ્પષ્ટ થાય છે. પ્રાથમિક તપાસમાં આશંકા છે કે કોઈ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધા બાદ અથવા તો પાપ છુપાવવા ગેરકાયદે રીતે કરાયેલી ડિલિવરી બાદ નવજાત બાળકીને કેનાલમાં ફેંકી દેવાઈ છે. બાળકી હોવાના કારણે સામાજિક દૂષણ કે દીકરી પ્રત્યેની નકારાત્મક માનસિકતાથી આ કૃત્ય આચરાયું હોવાની દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.




