Ahmedabad

નવરાત્રિ પૂર્વે અમદાવાદમાં લોહિયાળ ઘટના, ઓઢવ અને નારોલમાં બે યુવકોની ઘાતકી હત્યા

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં નવરાત્રિ પૂર્વે નારોલ અને ઓઢવમાં 2 યુવકોની હત્યાથી ચકચાર મચી ગઈ છે. નારોલમાં ગેટ બંધ કરવા જેવી નજીવી બાબતે સગીરે સંબંધી સાથે મળી યુવકને છરી મારી મોતને ઘાટ ઉતાર્યો. જ્યારે ઓઢવમાં યુવતીની છેડતીની અદાવતમાં 3 સગીરોએ યુવકને છરી અને દંડાના ઘા ઝીંકી રહેંસી નાખ્યો. પોલીસે ગુનો નોંધી સગીરો સહિત આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિ પૂર્વે અમદાવાદમાં લોહિયાળ ઘટના, ઓઢવ અને નારોલમાં બે યુવકોની ઘાતકી હત્યા

Two Youth Murdered In Narol And Odhav: અમદાવાદમાં નવરાત્રિ પર્વ શરૂ થાય તે પહેલાં જ શહેરના પૂર્વ વિસ્તારમાં શુક્રવારે રાત્રે હત્યાના બે અલગ-અલગ બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. નારોલમાં મકાનનો ગેટ બંધ કરવાની નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં સગીરે સંબંધી સાથે મળી છરી મારી યુવકની હત્યા કરી દીધી હતી. જ્યારે ઓઢવમાં અગાઉ થયેલી યુવતીની છેડતીની અદાવત રાખી ત્રણ સગીરે એક યુવકને રસ્તામાં આંતરી છરી અને દંડાના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. બંને કેસમાં સગીરોની સંડોવણી સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​નારોલમા ગેટ બંધ કરવા બાબતે માથાકૂટ

અમદાવાદના નારોલ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા સુધીર યાદવ શુક્રવારે પોતાના પિતરાઈ ભાઈ-ભાભીને મળવા ગયા હતા. તે સમયે રાધેશ્યામ પાસવાન સાથે ગેટ બંધ કરવા મુદ્દે બોલાચાલી થતાં રાધેશ્યામે ગાળાગાળી કરી હતી. પ્રાથમિક વિવાદ બાદ સુધીર ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ બાદમાં પોતાનું વાહન લેવા સાળા વિજયકાંત સાથે ફરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં રાધેશ્યામ અને તેના સગીર સંબંધી સાથે ફરી ઝઘડો થયો હતો. આ દરમિયાન સગીરે વિજયકાંતની છાતીમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિજયકાંતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નારોલ પોલીસે સગીર સહિત બંને સામે ગુનો નોંધી તેમને રાઉન્ડઅપ કર્યા છે.

​ઓઢવમાં યુવકને ત્રણ સગીરે આંતરીને રહેંસી નાખ્યો

ઓઢવમાં રહેતો અને ડેકોરેશનનું કામ કરતો અજીત કુમાર ઠાકોર શુક્રવારે રાત્રે મિત્રો રમણ અને યુવરાજ સાથે ઢોંસા ખાવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે ટુ-વ્હીલર પર આવેલા ત્રણ સગીરે તેમને અટકાવ્યા હતા. અગાઉ યુવતીની છેડતી મુદ્દે થયેલી તકરારની અદાવત રાખીને સગીરોએ અજીત સાથે ઝઘડો શરૂ કર્યો હતો, અને છરી તેમજ દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે અજીતનું મોત થયું હતું. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મૃતકના ભાઈ રણજીત ઠાકોરની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે ત્રણ સગીરો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.