Ahmedabad

ગુજરાતમાં દુષ્કાળના ભણકારા અને જનાક્રોશથી બચવા ભાજપ વહેલી ચૂંટણી યોજવાની તૈયારીમાં

By GS Team
15 Nov 20263 mins read
TukuTouch Logo
ગુજરાતમાં વહેલી વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા પ્રબળ બની છે. વડાપ્રધાનની વારંવારની મુલાકાતો અને ભાજપના આંતરિક સર્વેમાં 'એન્ટિ-ઈન્કમ્બન્સી' સામે આવતા આ નિર્ણય લેવાઈ શકે છે. રાજ્યમાં સંભવિત દુષ્કાળ અને તેની ઉનાળામાં થનારી ગંભીર અસરોથી બચવા, ટૂંકું બજેટ સત્ર બોલાવી વિધાનસભા ભંગ કરીને વહેલી ચૂંટણી જાહેર કરવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં દુષ્કાળના ભણકારા અને જનાક્રોશથી બચવા ભાજપ વહેલી ચૂંટણી યોજવાની તૈયારીમાં
AI IMAGE

Gujarat Assembly Elections : ગુજરાતનાં રાજકારણમાં અત્યારે ચૂંટણીલક્ષી ગરમાવો તેજ બન્યો છે એવામાં, વડાપ્રધાનની ગુજરાતની સતત અને ટૂંકા ગાળાની મુલાકાતોએ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. ગત 30-31 ઓક્ટોબરના પ્રવાસ બાદ હજુ 13-14 નવેમ્બરના રોજ વડાપ્રધાન ગુજરાતમાં હતા અને હવે આગામી તા. 19મીએ તેઓ ફરીથી જામનગરની મુલાકાતે આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે, વડાપ્રધાનના આ ‘મેરેથોન પ્રવાસો’ પાછળ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત સમય (ડિસેમ્બર 2027) કરતાં વહેલી યોજવાની રણનીતિ હોવાના એંધાણ રાજકીય પંડિતોને વર્તાઈ રહ્યા છે.

જનતામાં પ્રચંડ ‘એન્ટિ-ઈન્કમ્બન્સી’ પેદા થયાનો અહેસાસ ખુદ ભાજપના જ ટોચના નેતાઓને આંતરિક સર્વેમાં થઈ ચૂક્યો છે

રાજકીય વિશ્લેષકો અને આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વહેલી ચૂંટણી પાછળનું સૌથી મોટું કારણ રાજ્યમાં તોળાઈ રહેલું દુષ્કાળનું સંકટ છે. લાંબા સમય બાદ રાજ્યમાં નબળા ચોમાસાને કારણે દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આગામી ઉનાળામાં પીવાનાં પાણી, પશુઓ માટે ઘાસચારા અને સિંચાઈની ગંભીર તંગી સર્જાઈ શકે છે. સરકારને ભય છે કે જો ચૂંટણી સમયસર યોજાય, તો ઉનાળામાં દુષ્કાળની કપરી પરિસ્થિતિ અને રાહત કામગીરીની નિષ્ફળતાને કારણે પ્રજાના સીધા રોષનો ભોગ બનવું પડશે. તેથી, દુષ્કાળની અસર જમીન પર વર્તાય તે પહેલાં જ આગામી ટૂંક સમયમાં ટૂંકું બજેટ સત્ર બોલાવી, વિધાનસભા ભંગ કરીને વહેલી ચૂંટણી જાહેર કરી દેવાની દિશામાં ગંભીર મંથન ચાલી રહ્યું હોવાની ચર્ચા ઉઠી રહી છે. આમ પણ, છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન રહ્યું છે, જેના પરિણામે હવે જનતામાં પ્રચંડ ‘એન્ટિ-ઈન્કમ્બન્સી’ લહેર પેદા થઈ હોવાનો અહેસાસ ખુદ ભાજપના જ ટોચના નેતાઓ અને આંતરિક સર્વેમાં થઈ ચૂક્યો છે.

ખેડૂતો સહિતની પ્રજાને મદદની જરૂર છે ત્યારે જ ખુરશી બચાવવાના શાસકોના કથિત ખેલ સામે સવાલ

આ તબક્કે, વિપક્ષ અને જાગૃત નાગરિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે, જ્યારે રાજ્ય દુષ્કાળના ઉંબરે ઊભું છે અને ખેડૂતો-પ્રજાને સરકારની મદદની સૌથી વધુ જરૂર છે, ત્યારે તંત્રને રાહત કામગીરીમાં જોતરવાને બદલે ભાજપ સરકાર પોતાની ખુરશી બચાવવા ‘ચૂંટણી મોડ’ પર આવી ગઈ છે.

સત્તાની વૈતરણી પાર કરવા માટે લોકાર્પણો અને ભાવનાત્મક મુદ્દાઓનો સહારો લેવાની તજવીજ

વડાપ્રધાનની ગુજરાત મુલાકાતો એ વાતની સાક્ષી પૂરે છે કે, જનતાનો રોષ ફાટી નીકળે તે પહેલાં ભાવનાત્મક મુદ્દાઓ અને લોકાર્પણોના સહારે ફરી સત્તાની વૈતરણી પાર પાડી લેવાની પેરવી રચાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે, શાણી જનતા સરકારની આ ચાલને ઓળખીને પોતાના પાયાના પ્રશ્નોનો હિસાબ માગે છે કે કેમ!

સરકારની નીતિઓ અને વહીવટી નિષ્ફળતાઓને કારણે બહોળો વર્ગ નારાજ

  • પાક નિષ્ફળ જવા છતાં પૂરતું વળતર ન મળવું
  • ખાતર-બિયારણની અછત
  • ટેકાના ભાવના પ્રશ્નો અને ખેતીની જમીનો પર ઊભા કરાતા વીજપોલનાં વળતર મુદ્દે ધરતીપુત્રોમાં ભારે આક્રોશ
  • સરકારી કચેરીઓમાં વ્યાપેલો બેફામ ભ્રષ્ટાચાર
  • નબળા બાંધકામો (પુલ અને રસ્તાઓનું ધોવાણ)
  • રાજ્યમાં વધતી જતી ગુંડાગીરી તથા અસામાજિક તત્વોના ત્રાસ સામે સરકાર વામણી પુરવાર થઈ હોવાની લાગણી પ્રજામાં ઘર કરી ગઈ છે
  • સામાન્ય મધ્યમ વર્ગ મોંઘવારીના મારથી પીસાઈ રહ્યો છે
  • શિક્ષિત યુવાનો સરકારી ભરતીના અભાવે હતાશ છે.