ગુજરાતમાં PTC/D.EI.Ed એડમિશનમાં મોટું કૌભાંડ? 70 અમાન્ય કોલેજોને વિદ્યાર્થીઓ ફાળવી દેવાયા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PTC Admission Row in Gujarat: હજુ શૈક્ષણિક સુધારણા માટે દિલ્હીના જંતરમંતર પર જેન-ઝી આંદોલનની આગ ઠંડી પડી નથી, ત્યારે ગુજરાતમાં એક મોટું શૈક્ષણિક કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યમાં સરકારી શિક્ષક બનવાનું સપનુ જોઈ રહેલા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થચિહ્ન ઊભો થયો છે. વર્ષ 2024માં રાજ્ય સરકારે વર્ષ 2033 સુધીમાં 97,227 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ જે PTC (D.El.Ed) કોર્સ બંધ થવાના આરે પહોંચી ગયો હતો, તેમાં યુવાનોનો ધસારો અચાનક વધી ગયો હતો. પરંતુ, આ ક્રેઝનો ગેરલાભ ઉઠાવીને શિક્ષણ વિભાગ અને કેટલીક કૉલેજોની સાંઠગાંઠથી એક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
70 પીટીસી કૉલેજમાં વિદ્યાર્થીઓની પહેલા વર્ષની પરીક્ષા પણ લેવાઈ ગઈ અને માર્કશીટ પણ વહેંચી દીધી
નિયમો કોરાણે મૂકીને માન્યતા રદ (વિથડ્રો) થઈ ચૂકેલી 70 જેટલી પીટીસી કૉલેજોને ગેરકાયદે રીતે વિદ્યાર્થીઓ ફાળવી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં, આ વિદ્યાર્થીઓની પહેલા વર્ષની પરીક્ષા પણ લેવાઈ ગઈ છે અને તેમને માર્કશીટ પણ વહેંચી દેવામાં આવી છે.
આ આખી ગોબાચારીની શરૂઆત શૈક્ષણિક વર્ષ 2025-26ની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન થઈ હતી. ટીચર્સ એજ્યુકેશન કૉલેજોને મંજૂરી આપતી કેન્દ્રીય સંસ્થા એનસીટીઈ (નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન) દ્વારા તમામ કૉલેજો માટે PAR (પરફોર્મન્સ એપ્રિઝલ રિપોર્ટ) જમા કરાવવો ફરજિયાત કરાયો હતો. જે કૉલેજોએ આ રિપોર્ટ જમા ન કર્યો, તેમને કોઈ પણ નોટિસ આપ્યા વિના જ પોર્ટલ પર 'વિથડ્રો' (રદ) જાહેર કરી દેવાઈ હતી.
આ નિર્ણય સામે કૉલેજોના જૂથો ગુજરાત હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા. હાઈકોર્ટે વચગાળાનો આદેશ આપીને અરજદાર કૉલેજોને વર્ષ 2025-26 માટે વિદ્યાર્થીઓ ફાળવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, આ કોર્ટ આદેશની આડમાં વર્ષ 2011થી 2014 દરમિયાન જે જે સંસ્થાઓની માન્યતા રદ થઈ ચૂકી હતી, તેવી 70 જેટલી કૉલેજોએ પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને વિદ્યાર્થીઓ મેળવી લીધા હતા.
આ સમગ્ર પ્રક્રિયામાં મોટું નાણાકીય કૌભાંડ થયું હોવાના મજબૂત પુરાવા પણ સામે આવ્યા છે. કેટલીક કૉલેજો અને આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓએ મિલીભગત કરીને એનસીટીઈના ડિજિટલ પોર્ટલ પરથી પોતાનો 'રદ' કરવાનો ઓર્ડર જ ગાયબ કરી દીધો હતો. તેની જગ્યાએ જૂનો મંજૂરી ઓર્ડર જ દેખાય તેવી ગોઠવણ કરવામાં આવી હતી. એનસીટીઈના નિયમ મુજબ માન્યતા પુનઃ પ્રાપ્ત કરવા માટે બેઠકની મિનિટ્સ (મીટિંગ મિનિટ્સ) પોર્ટલ પર જાહેર કરવી ફરજિયાત હોય છે, પરંતુ આ 70 કૉલેજો માટે આવી કોઈ બેઠક નોંધ ઉપલબ્ધ જ નથી.
પ્રાથમિક શિક્ષણ વિભાગે હાઈકોર્ટના આદેશ બાદ કૉલેજો પાસે લેખિત બાંહેધરી લીધી હતી કે જો કોઈ ગેરરીતિ જણાશે તો તેમની સામે કાયદાકીય પગલાં લેવાશે, પરંતુ વાસ્તવિકતામાં અધિકારીઓએ આંખ આડા કાન કરીને આવી બિન-અધિકૃત સંસ્થાઓને વિદ્યાર્થીઓ ફાળવવાનું ચાલુ જ રાખ્યું. જો આ ખામી માત્ર 1 કે 2 કૉલેજ પૂરતી હોત તો તેને માનવીય ભૂલ ગણી શકાય, પણ 70 જેટલી રદ થયેલી કૉલેજોને વિદ્યાર્થીઓ આપી દેવા એ સ્પષ્ટપણે મોટું કૌભાંડ સૂચવે છે.
સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, આજે ભલે રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા લઈને પહેલા વર્ષનું રિઝલ્ટ આપી દીધું હોય, પરંતુ આવનારા સમયમાં જ્યારે 97,227 શિક્ષકોની ભરતી વખતે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને જો આ ડિગ્રી અમાન્ય ઠરશે, તો વિદ્યાર્થીઓના બગાડેલા સમય અને ભવિષ્ય માટે કોણ જવાબદાર રહેશે?









