Ahmedabad

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર મોટી ઠગાઇ, કોન્ટ્રાક્ટરને ચામાં કેફી પીણું પાઈ લાખો રૂપિયા પડાવ્યા

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર મહારાષ્ટ્રના ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર જયપ્રકાશ તિવારી લૂંટનો ભોગ બન્યા. બે અજાણ્યા ગઠિયાઓએ ચામાં કેફી પીણું પીવડાવી બેભાન કરી, સોનાની ચેઈન, મોબાઈલ અને Google Pay દ્વારા ₹77,000 પડાવી લીધા. કોન્ટ્રાક્ટરે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર મોટી ઠગાઇ, કોન્ટ્રાક્ટરને ચામાં કેફી પીણું પાઈ લાખો રૂપિયા પડાવ્યા

Kalupur Railway Station Robbery : અમદાવાદના અતિ વ્યસ્ત એવા કાલુપુર રેલવે સ્ટેશન બહાર વધુ એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રથી કામ અર્થે આવેલા એક ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરને બે અજાણ્યા ગઠિયાઓએ વિશ્વાસમાં લીધા બાદ ચામાં કેફી પીણું પીવડાવી બેભાન કરી દીધા હતા. આ ગઠિયાઓએ કોન્ટ્રાક્ટર પાસેથી સોનાની ચેઈન અને મોંઘો મોબાઈલ ફોન આંચકી લીધો હતો. એટલું જ નહીં, આરોપીઓએ પીડિતના મોબાઈલમાંથી ઓનલાઇન ગૂગલ પે મારફતે કુલ 77 હજાર રૂપિયા પણ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

નોટોના બંડલ બતાવી વિશ્વાસમાં લીધા

મહારાષ્ટ્રના નાલાસોપારા ઇસ્ટ વિસ્તારમાં રહેતા 48 વર્ષીય ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર જયપ્રકાશ તિવારી જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદના હંસપુરા રામદેવપીર મંદિર અને નરોડા ખોડિયાર માતાના મંદિરમાં લાઇટ ફિટિંગનું કામ કરવા આવ્યા હતા. 7 સપ્ટેમ્બરે કામ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના કારીગર ક્રિષ્નાકાંત સાથે પરત મહારાષ્ટ્ર જવા માટે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રેલવે સ્ટેશન બહાર ટિકિટ લીધા બાદ તેમને રાજેશ યાદવ નામના એક શખ્સે આંતર્યા હતા. આ શખ્સે કંપનીએ એક વર્ષનો પગાર ન આપ્યો હોવાથી ઓફિસમાંથી 2 લાખ રૂપિયા લઈને પટના જતો હોવાનું કહી નોટોના બંડલ બતાવી તેમનો વિશ્વાસ સંપાદન કર્યો હતો.

ચા પીવડાવી લૂંટ ચલાવી, કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ત્યારબાદ આ ગઠિયાઓએ કોન્ટ્રાક્ટરને ચા પીવાની લાલચ આપી સાથે લઈ ગયા હતા. ચા પીધાના થોડા જ સમય બાદ જયપ્રકાશ તિવારીને માથું ભારે થવા લાગ્યું હતું અને તેઓ કેફી પદાર્થની અસર હેઠળ આવી ગયા હતા. આ તકનો લાભ ઉઠાવીને રાજેશ યાદવ અને તેના સાગરીતે તેમની સોનાની ચેઈન તેમજ મોબાઈલ લૂંટી લીધો હતો અને ગૂગલ પે મારફતે 77 હજાર રૂપિયા અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરીને ફરાર થઈ ગયા હતા. ભાનમાં આવ્યા બાદ પોતાની સાથે થયેલી છેતરપિંડી અને લૂંટનું ભાન થતા કોન્ટ્રાક્ટરે કાલુપુર પોલીસ સ્ટેશનમાં કાનૂની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને બંને લૂંટારુઓને ઝડપી પાડવા સીસીટીવી (CCTV) ફુટેજના આધારે તપાસ આદરી છે.