Ahmedabad

ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ: આવા નેતાઓને ઘર ભેગા કરાશે, Gen-Zને આકર્ષવા પ્રયાસ

By GS Team
23 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત કોંગ્રેસે 2027 વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને યુવામય બનાવવા કમર કસી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બેઠક કરી નવા માળખાને આખરી ઓપ આપ્યો. નિષ્ક્રિય જૂના ચહેરાઓને બદલે 'ઝેન-જી' અને જમીની સ્તરના યુવા કાર્યકરોને તક મળશે. ઓગસ્ટના અંત સુધીમાં નવા માળખાની સત્તાવાર જાહેરાત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ: આવા નેતાઓને ઘર ભેગા કરાશે, Gen-Zને આકર્ષવા પ્રયાસ

Gujarat Congress: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ને આડે હજુ સમય છે, પરંતુ કોંગ્રેસે અત્યારથી જ સંગઠનને આક્રમક અને યુવામય બનાવવા માટે કમર કસી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા સંગઠન માળખાને દિલ્હી દરબારમાં આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પ્રદેશ માળખામાં નિષ્ક્રિય રહેલા જૂના ચહેરાઓની ધરભેગા કરવાનું નિશ્ચિત છે, જ્યારે ગુજરાત કોંગ્રેસને નવું જોમ આપવા માટે Gen-Z અને જમીની સ્તરના યુવા કાર્યકરોને તક આપવાનું નક્કી થયું છે.

જૂના ચહેરા ધરભેગા, યુવાવર્ગ સાથે સંવાદ સાધનારાને તક, અમિત ચાવડા દિલ્હી દોડ્યા

પ્રદેશ માળખાને મંજૂરી અપાવવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી દિલ્હી ખાતે હાઈકમાન્ડના શરણે પહોંચ્યા છે. દિલ્હીમાં રાષ્ટ્રીય નેતાગીરી સાથે મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો, જેમાં આગામી ચૂંટણીના રોડમેપ અને પ્રદેશ સંગઠનની પુનઃરચના અંગે ચર્ચા થઈ હતી. પ્રદેશ નેતાગીરીએ કોંગ્રેસના માળખાની યાદી મંજૂરી માટે હાઈકમાન્ડને સોંપી છે.

સૂત્રોના મતે, હાઈકમાન્ડની લીલી ઝંડી મળ્યા બાદ ચાલુ ઓગસ્ટ માસના અંત સુધીમાં ગુજરાત કૉંગ્રેસના નવા માળખાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. પક્ષના ચૂંટણી રણનીતિજ્ઞ સુનીલ કાનુગોલુના આંતરિક સર્વેક્ષણ અને વ્યૂહરચનાને આધારે માળખું તૈયાર કરાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતમાં ભૂતકાળમાં થયેલા સામાજિક અને શૈક્ષણિક આંદોલનોમાંથી ઉભરી આવેલા અને પક્ષ પ્રત્યે વફાદાર રહેલા યુવાનોને આ વખતે સંગઠનમાં મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવી શકે છે. સોશિયલ મીડિયા, ટેકનોલોજી અને આજના યુવા વર્ગ સાથે સીધો સંવાદ સાધી શકે તેવા યુવા નેતાઓને પ્રદેશ કક્ષાએ મોટી જવાબદારીઓ મળશે.

નવા સંગઠનની અટકળો વાયુવેગે પ્રસરતા જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષના કયા જૂના દિગ્ગજોના પત્તા કપાશે અને કયા યુવા ચહેરાઓને લોટરી લાગશે, તે મુદ્દે અત્યારથી જ કાર્યકરો અને રાજકીય વિશ્લેષકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કૉંગ્રેસનું યુવા કાર્ડ કેટલું અસરકારક સાબિત થાય તે તો સમય જ કહેશે.