Ahmedabad

ભાવનગર: બેંકની સર્વર સિસ્ટમની ખામીનો લાભ ઉઠાવી 7.34 કરોડનું ફ્રોડ કરનાર વધુ 3 આરોપીની ધરપકડ

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક કૌભાંડમાં સ્ટેટ સાયબર ક્રાઈમે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. બેંકની સર્વર સિસ્ટમમાં ઘૂસી, ખોટું બેલેન્સ દર્શાવી 7.34 કરોડ રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાયા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓ ઝડપાયા છે. અનિલ અગ્રાવત, ભૂમિલ પટેલ અને વિકાસ ચૌધરીએ મુખ્ય આરોપીઓને મદદ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર: બેંકની સર્વર સિસ્ટમની ખામીનો લાભ ઉઠાવી 7.34 કરોડનું ફ્રોડ કરનાર વધુ 3 આરોપીની ધરપકડ

Server Hacking Bank Scam: ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની સર્વર સિસ્ટમની ખામીનો લાભ ઉઠાવી, સર્વર એક્સેસ કરીને બેંક એકાઉન્ટ્સમાં ખોટી રકમ દર્શાવ્યા બાદ રૂપિયા 7.34 કરોડની રકમ બારોબાર અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવાના કૌભાંડમાં સ્ટેટ સાયબર ક્રાઇમે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.

આઇટી સિસ્ટમ સાથે ચેડાં કરી કરોડોનું બોગસ બેલેન્સ દર્શાવ્યું

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની આઇટી સિસ્ટમમાં રહેલી ખામીનો ફાયદો ઉઠાવીને કેટલાંક સાયબર ગુનેગારોએ બેંકની સર્વર સિસ્ટમ, ડેટા સિસ્ટમ અને કોર બેંકિંગ સિસ્ટમમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ 4 ચોક્કસ બેંક એકાઉન્ટ્સના ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં ચેડાં કરીને તેમાં રૂપિયા 7.34 કરોડનું બોગસ બેલેન્સ ઊભું કરવામાં આવ્યું હતું અને બાદમાંતે રકમને અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવાઈ હતી.

પકડાયેલા નવા આરોપીઓની ભૂમિકા

આ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો નોંધીને વિશેષ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અગાઉ 7 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ વધુ તપાસ દરમિયાન બીજા 3 આરોપીઓ અનિલ અગ્રાવત (રહે. શ્યામ પેલેસ, કોસાદ, સુરત), ભૂમિલ પટેલ (રહે. રામજી મંદિર પાસે, વાસદ) અને વિકાસ ચૌધરી (રહે. ચોમુ, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે.

મુખ્ય આરોપીઓએ જે 4 બેંક એકાઉન્ટ્સમાં ચેડાં કર્યા હતા, તે પૈકીનું એક ખાતું અનિલ અગ્રાવતનું હતું અને તેણે તે ભાડે આપ્યું હતું. જ્યારે ભૂમિલ મ્યૂલ એકાઉન્ટના યુઝરનેમ અને પાસવર્ડ તૈયાર કરીને સિસ્ટમમાં અન્ય લોકોને મોકલતો હતો. આ રૂપિયા 7.34 કરોડની રકમ કુલ 135 મ્યૂલ બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. હાલ આ કેસમાં અન્ય શકમંદોની પણ પૂછપરછ ચાલી રહી છે.