Ahmedabad

સુરતનું અનોખું ભવાની વડ મંદિર, વર્ષમાં માત્ર આઠમના દિવસે જ માતાજીની આંગીનું મુખ રામપુરા તરફ ફરે છે, જાણો વર્ષો જૂની પરંપરા

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતના કોટ વિસ્તારમાં આવેલા ભવાની વડના ભવાની માતાના મંદિરે નવરાત્રિની આઠમે વિશેષ પૂજા-અર્ચના અને યજ્ઞ યોજાયા. અહીં વર્ષભર માતાજીની આંગીનું મુખ ભાગળ તરફ રહે છે, પરંતુ આઠમના દિવસે તેને રામપુરા તરફ ફેરવવામાં આવે છે. લોકવાયકા મુજબ, સુરતને ભીષણ આગથી બચાવવા માતાજીએ જે દિશામાં મુખ કર્યું હતું, તે દિશામાં આંગીનું મુખ રાખવાની પરંપરા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતનું અનોખું ભવાની વડ મંદિર, વર્ષમાં માત્ર આઠમના દિવસે જ માતાજીની આંગીનું મુખ રામપુરા તરફ ફરે છે, જાણો વર્ષો જૂની પરંપરા

Surat Bhavani Vad Temple: નવરાત્રિની આઠમના દિવસે સુરતના પૌરાણિક અને નવા મંદિરોમાં માતાજીની વિશેષ પૂજા-અર્ચના સાથે યજ્ઞ યોજાય છે, પરંતુ કોટ વિસ્તારના ભવાની વડ ખાતે આવેલી ભવાની માતાના મંદિરનું મહત્ત્વ આ દિવસે વિશેષ બની જાય છે. અહીં વર્ષભર માતાજીની આંગીનું મુખ ભાગળ તરફ રહે છે, જ્યારે આઠમના દિવસે તેને રામપુરા તરફ ફેરવવામાં આવે છે.

સુરતનું અનોખું ભવાની વડ મંદિર

સુરતને ભીષણ આગથી બચાવવા માટે માતાજીએ જે દિશામાં મુખ કર્યું હતું, તે દિશા તરફ આંગીનું મુખ રાખવાની પરંપરા હોવાનું સ્થાનિક લોકો માને છે. સુરતના રક્ષક તરીકે પૂજાતા ભવાની માતા સાથે જોડાયેલી આ લોકવાયકા આજે પણ શહેરની ધાર્મિક આસ્થા અને વર્ષો જૂની પરંપરાને જીવંત રાખે છે. આ પરંપરાને નિહાળવા અને માતાજીના દર્શન કરવા આઠમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવાની વડ ખાતે ઉમટે છે.

મંદિરના પૂજારીએ શું કહ્યું?

મંદિરના પૂજારી રોશન ગૌસ્વામીના જણાવ્યા અનુસાર, વર્ષો પહેલાં માતાજીની આંગીનું ચિત્ર ધરાવતા પુસ્તકના આધારે પાંચ કિલો ચાંદીમાંથી આંગી બનાવવામાં આવી હતી. આ આંગીની આજે પણ પૂજા કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં આંગીનું મુખ ભાગળ તરફ રાખવામાં આવે છે, જ્યારે આઠમના દિવસે તેને રામપુરા તરફ ફેરવવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને આઠમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો આંગીના દર્શન માટે આવે છે.

image.png

સ્થાનિક લોકવાયકા મુજબ, વર્ષો પહેલાં સુરતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં શહેરનો મોટો વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો. આગ ભવાની વડ તરફ આગળ વધી રહી હતી ત્યારે ભક્તોએ માતાજીને પ્રાર્થના કરી હતી.

માન્યતા મુજબ, માતાજીએ આશીર્વાદ આપતા આગ આગળ વધતી અટકી હતી. તે સમયે માતાજીનું મુખ અને હાથ રામપુરા તરફ હોવાની લોકવાયકા છે. આઠમના દિવસે બનેલી આ ઘટના સાથે આંગીનું મુખ રામપુરા તરફ ફેરવવાની પરંપરા જોડાયેલી હોવાનું સ્થાનિક લોકો માને છે. આ જ માન્યતાને પગલે દર વર્ષે આઠમના દિવસે આંગીનું મુખ ફેરવવામાં આવે છે.

ભવાની વડના મંદિર ઉપરાંત કોટ વિસ્તારના આશરે 450 વર્ષ જૂના અંબાજી માતાના મંદિર, અંબિકાના કેતન મંદિર, મહાકાળી મંદિર સહિત શહેરનાં વિવિધ માતાજીનાં મંદિરોમાં પણ આઠમના દિવસે વિશેષ પૂજા-અર્ચના અને યજ્ઞ યોજાયા હતા. વહેલી સવારથી જ મંદિરોમાં દર્શનાર્થીઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી. નવરાત્રિની આઠમના દિવસે માતાજીની આરાધના, યજ્ઞ અને પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.