Ahmedabad

કર્ણમુક્તેશ્વર મહાદેવની દાન પેટી ખોલીને રોકડ ગણવા આદેશ, ભદ્ર સિટી સિવિલ કોર્ટનો હુકમ

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઐતિહાસિક કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરના 2001ના સિવિલ કેસમાં એડિશનલ સેશન્સ જજ એ.એન. વોરાએ દાનપેટી ખોલવા આદેશ કર્યો છે. કોર્ટે બંને પક્ષોની સંમતિથી 2 એડવોકેટને કોર્ટ કમિશનર તરીકે નિમ્યા છે. તેઓ તમામ પક્ષકારોની હાજરીમાં દાનપેટી ખોલી રોકડ ગણી કોર્ટના નાઝીર સમક્ષ જમા કરાવશે. ચાવી હાલ કોર્ટના નાઝીર પાસે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કર્ણમુક્તેશ્વર મહાદેવની દાન પેટી ખોલીને રોકડ ગણવા આદેશ, ભદ્ર સિટી સિવિલ કોર્ટનો હુકમ

Ahmedabad Karnamukteshwar Mahadev Temple: અમદાવાદના શહેરના ઐતિહાસિક કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરના વર્ષો જૂના સિવિલ દાવામાં સિવિલ કોર્ટના એડિશનલ સેશન્સ જજ એ. એન. વોરાએ મંદિરની દાનપેટી ખોલવા અંગેનો આદેશ કર્યો છે. કોર્ટ દ્વારા બંને પક્ષકારોની સંમતિથી બે એડવોકેટ્સની કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કોર્ટ કમિશનરો તમામ પક્ષકારોની હાજરીમાં મંદિરની દાનપેટી ખોલી રોકડ રકમની ગણતરી કરશે અને કોર્ટનો વધુ હુકમ ન થાય ત્યાં સુધી તે તમામ રકમ કોર્ટના નાઝીર સમક્ષ જમા કરાવશે.

કોર્ટ કમિશનરની હાજરીમાં રોકડ રકમ ગણી તમામ નાણાં કોર્ટના નાઝીર સમક્ષ જમા કરાવવા પણ નિર્દેશ

ચકચારભર્યા આ કેસની વિગતો મુજબ, કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના આંતરિક વિવાદમાં સિટી સિવિલ કોર્ટ સમક્ષ વર્ષ 2001ના રોજ દાવો દાખલ થયો હતો. જે દાવામાં પ્રતિવાદી તરીકે કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર, ચેરિટી કમિશનર ઓફ ગુજરાત રાજ્ય સહિતના પક્ષકારોને દર્શાવવામાં આવ્યા હતા.

આ દાવામાં પ્રતિવાદી કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના વકીલ દ્વારા અદાલતમાં એક અરજી આપી જણાવાર્યું હતું કે, મંદિરમાં દાતાઓના દાન અને નાણાંકીય ભંડોળના કારણે દાનપેટી ભરાઈ ગઈ છે અને તેથી તેને ખોલવાની પરવાનગી આપવામાં આવે. આ કામગીરી માટે બે નિષ્પક્ષ અને તટસ્થ વકીલોની કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરવા પણ પક્ષકારો તરફથી સંમતિ દર્શાવવામાં આવી હતી.

તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે રજિસ્ટ્રારને બંને એડવોકેટ્સની કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરવા હુકમ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે દાનપેટી ખોલવાની તારીખ અને સમય અંગે તમામ પક્ષકારોને અગાઉથી જાણ કરવાની રહેશે. દાનપેટીની ચાવી હાલ કોર્ટના નાઝીરના કબ્જામાં હોવાથી રજિસ્ટ્રારે તે ચાવી મેળવી કોર્ટ કમિશનરોને સોંપવાની રહેશે.