Ahmedabad

ભાદરવી પૂનમના મેળા માટે અંબાજી જતાં ભક્તોને રાહત: અસારવા-ખેડબ્રહ્મા ટ્રેનને 4 સ્ટેશને સ્ટોપેજ અપાયા, ખેડબ્રહ્માથી મળશે સીધી ST બસ!

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
ભાદરવી પૂનમના મેળાને કારણે શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વિશેષ વ્યવસ્થા કરી છે. અસારવા-ખેડબ્રહ્મા-અસારવા મેળા સ્પેશિયલ ટ્રેનને તલોદ, પ્રાંતિજ, જાદર અને ઈડર સ્ટેશન પર 21 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર સુધી 1-1 મિનિટનું વધારાનું સ્ટોપેજ અપાશે. આ ઉપરાંત, અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ ટ્રેનને 21થી 24 સપ્ટેમ્બર દરમિયાન વોંઘ સ્ટેશન પર પણ વધારાનો હોલ્ટ મળશે. ખેડબ્રહ્માથી અંબાજી માટે સીધી ST બસ સેવા પણ શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાદરવી પૂનમના મેળા માટે અંબાજી જતાં ભક્તોને રાહત: અસારવા-ખેડબ્રહ્મા ટ્રેનને 4 સ્ટેશને સ્ટોપેજ અપાયા, ખેડબ્રહ્માથી મળશે સીધી ST બસ!

Bhadarvi Poonam Fair Asarwa Khedbrahma Special Train Stoppage: ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતાં-આવતા શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવે કનેક્ટિવિટી વધારવા માટે વધારાના સ્ટોપેજની વ્યવસ્થા કરવામાં આવી છે. અસારવા-ખેડબ્રહ્મા-અસારવા મેળા સ્પેશિયલ ટ્રેનને નરોડા, હિંમતનગર અને વડાલી ઉપરાંત તલોદ, પ્રાંતિજ, જાદર અને ઈડર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ ટ્રેનને વોંઘ સ્ટેશન પર પણ વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યો છે.

ભાદરવી પૂનમ મેળા સ્પેશિયલના ચાર સ્ટોપેજ

ટ્રેન નંબર 09405 અસારવા-ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલને 21 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર સુધી તલોદ, પ્રાંતિજ, જાદર અને ઈડર સ્ટેશન પર 1-1 મિનિટનું વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જ્યારે પરત ફરતી ટ્રેન નંબર 09406 ખેડબ્રહ્મા-અસારવા મેળા સ્પેશિયલને પણ આ જ સમયગાળા દરમિયાન સૂચિત ચાર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

નમો ભારત રેપિડ રેલને વોંઘમાં હોલ્ટ

ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલને 21થી 23 સપ્ટેમ્બર દરમિયાન વોંઘ સ્ટેશન પર 21:08/21:09 કલાકે વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જ્યારે ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલને 22થી 24 સપ્ટેમ્બર દરમિયાન વોંઘ સ્ટેશન પર 06:43/06:44 કલાકે હોલ્ટ રહેશે.

ખેડબ્રહ્માથી અંબાજી માટે સીધી એસટી બસ

ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી અંબાજી માટે સીધી એસટી બસ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રેલવે દ્વારા ખેડબ્રહ્મા પહોંચતા શ્રદ્ધાળુઓ સ્ટેશન પરથી સીધી બસ મારફતે અંબાજી પહોંચી શકશે. આ વ્યવસ્થાથી શ્રદ્ધાળુઓને સ્ટેશન બહારથી અન્ય વાહન શોધવાની જરૂર નહીં પડે તેમજ સમય અને વધારાના રીક્ષા ભાડાની બચત થશે.