અમદાવાદમાં નિવૃત્ત બેંક કર્મચારી હનીટ્રેપનો ભોગ બન્યા! 'પાયલે' ₹24 લાખ પડાવ્યા, નકલી પોલીસ ગેંગના 1ની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Honeytrap Case, Fake Police Gang 1 Arrest: અમદાવાદમાં એક નિવૃત્ત બેંક કર્મચારીને ફેસબુક પર પાયલ નામની યુવતીના ફેક એકાઉન્ટથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હનીટ્રેપમાં ફસાવી નાર્કોટિક્સ પોલીસની ખોટી ઓળખ આપીને લાખો રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. ઓક્ટોબર 2025 માં વૃદ્ધ દહેગામ ખાતે યુવતીને મળવા ગયા ત્યારે મોટરસાયકલ પર આવેલા 2 શખસોએ પોલીસ તરીકેની ઓળખ આપી ગુનામાં ફસાવી દેવાનો અને આજીવન કેદનો ડર બતાવી ડિસેમ્બર 2025 અને એપ્રિલ 2026 દરમિયાન અલગ અલગ સમયે કુલ 24 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. ગત 5 ઓક્ટોબરના રોજ આરોપીઓએ ફરીથી વૃદ્ધના ઘરે જઈને 7 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાંથી 1 લાખ રૂપિયા આપી દેવાયા બાદ વૃદ્ધને શંકા જતાં તેમણે આનંદનગર પોલીસનો સંપર્ક કર્યો હતો.
અમદાવાદમાં નિવૃત્ત બેંક કર્મચારી હનીટ્રેપનો ભોગ બન્યા!
સમગ્ર કેસ મામલે ડીસીપી ઝોન 7 અને એલસીબી ઝોન 7 ની ટીમે તાત્કાલિક એક્શન પ્લાન બનાવી સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પકવાન ચાર રસ્તા પાસેથી કાળા થેલામાં 1 લાખ રૂપિયા લઈને પલાયન થયેલા શખસને પકડવા પોલીસે વોચ ગોઠવી કર્ણાવતી બ્રિજ નીચે છુપાયેલા અલ્પેશ કેશવભાઈ સોલંકી(ઉં.વ.39, રહે. બોટાદ) નામના આરોપીને 1 લાખ રોકડા, મોબાઈલ અને બેગ સહિત કુલ 1,05,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
1 લાખ રોકડ સાથે 1ને ઝડપ્યો, બે આરોપી ફરાર
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, પકડાયેલો આરોપી ગેંગમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને તેણે પણ પોલીસની ખોટી ઓળખ આપી હતી. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ બોટાદના કિશન ઉર્ફે કાનો અને કડીના લાલાને પકડી પાડવા આનંદનગર પોલીસે ગુનો નોંધી બાકીના 24 લાખ રૂપિયાની રિકવરી માટે વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
પોલીસના જણાવ્યા મુજબ, ગત 5 ઓક્ટોબરના રોજ વૃદ્ધ નિવૃત્ત બેંક કર્મચારીએ આનંદનગર પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવી હતી કે છેલ્લા 1 વર્ષથી પોલીસની ઓળખ આપીને એક ટોળકી તેમની પાસેથી ગેરવસૂલી કરી રહી છે. જેમાં ઓક્ટોબર 2025માં ફેસબુક પર પાયલ નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા વૃદ્ધ સ્વીકારીને તેઓ તેને દહેગામ મળવા ગયા હતા. ત્યાં વૃદ્ધ ગાડીમાં બેઠા અને થોડે દૂર ગયા ત્યાં જ મોટરસાઇકલ પર બે શખસો આવ્યા હતા અને પોતાને નાર્કોટિક્સ પોલીસ બતાવીને યુવતી ગુનામાં ફસાયેલી છે અને તમે પણ ફસાઈ જશો એવો ડર બતાવી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું.
₹24 લાખ પડાવ્યા
આ પછી ગેંગના શખસોએ ડિસેમ્બર 2025 અને એપ્રિલ 2026માં પણ વૃદ્ધને ડર બતાવીને કુલ 24 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ગત 5 ઓક્ટોબર, 2026ના રોજ ફરીથી આરોપીઓ ઘર પાસે આવ્યા હતા અને 7 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાંથી વૃદ્ધે 1 લાખ રૂપિયા આપ્યા હતા. આ માહિતી મળતા જ એલસીબી ઝોન 7ની ટીમે વોચ ગોઠવીને અલ્પેશ સોલંકી નામના આરોપીની ધરપકડ કરી હતી અને વૃદ્ધ પાસેથી લીધેલા 1 લાખ રૂપિયા રિકવર કરી લીધા હતા.
પોલીસ અનુસાર, ઝડપાયેલો આરોપી અલ્પેશ સોલંકી મૂળ બોટાદનો રહેવાસી છે અને તે આ ગેંગમાં ડ્રાઇવર તરીકે ગાડી ચલાવતો હતો તથા તેણે પણ પોલીસની ખોટી ઓળખ આપી હતી. આ કેસમાં પાયલ નામની યુવતીનું ફેક આઈડી બનાવવામાં આવ્યું હતું અને ગાડીમાં માત્ર 10થી 15 સેકન્ડ માટે એક યુવતી બેઠી હતી, પરંતુ પોલીસનો ડર બતાવીને વારંવાર 4 વખત તોડ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં અલ્પેશ સિવાય બોટાદનો કિશન ઉર્ફે કાનો અને કડી મહેસાણાનો લાલો નામના બીજા બે આરોપીઓ ફરાર છે.
સમગ્ર કેસ મામલે આનંદનગર પોલીસે એક્સટોર્શન અને સરકારી કર્મચારીની ખોટી ઓળખ આપવા બદલ આરોપી સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી અને વૃદ્ધ પાસેથી પડાયેલા લાખો રૂપિયાનું શું કરવામાં આવ્યું, તેની આગળની તપાસ હાથ ધરી છે.




