અમદાવાદના આનંદનગરમાં દુષ્કર્મ ગુજારનાર આરોપી ગાર્ડ અને સિક્યોરિટી કંપની લાયસન્સ વિહોણા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anandnagar Misdemeanor Case: અમદાવાદના જોધપુર વિસ્તારમાં કચ્છની યુવતી ઉપર દુષ્કર્મ ગુજરાતના સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહની પોલીસમાં નોંધણી કરાવાઈ નહોતી. હવે, આ સિક્યુરિટીને નોકરી આપનાર એ-વન સિક્યુરિટી એજન્સીનું લાયસન્સ પણ પૂર્ણ થયા પછી રિન્યૂ નહીં કરાવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી માલિક રામપ્રકાશ તિવારીની ધરપકડ કરી છે. સોસાયટીઓ, એપાર્ટમેન્ટોમાં નાગરિકોની સુરક્ષાની જવાબદારી ખાનગી સિક્યુરિટી એજન્સીઓ સંભાળે છે તેની પોલીસમાં નોંધણી વ્યવસ્થા અધ્ધરતાલ હોવાનું જણાઈ રહ્યું છે.
લાયસન્સ રિન્યૂ ન કરાવનાર એ-વન સિક્યુરિટી એજન્સીના માલિક રામપ્રકાશ તિવારીની ધરપકડ
રાજ્યભરમાં અભ્યાસ કે વ્યવસાય અર્થે જુદા જુદા શહેરોમાં રહેતી યુવતીઓની સુરક્ષા અંગે સવાલો સર્જનાર અમદાવાદના દુષ્કર્મ કેસમાં આરોપી સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ રાઠોડને કલાકોમાં જ શોધી કઢાયો હતો. આ પછી પણ આરોપીએ ભાગી છૂટવા પોલીસ ઉપર હુમલો કરતાં થયેલા ગોળીબારમાં એક પોલીસમેન ઉપરાંત આરોપી ધર્મસિંહને પગમાં ગોળી વાગી હતી. પોલીસકર્મી અને આરોપી ધર્મસિંહ સારવાર હેઠળ છે.
આરોપી ધર્મસિંહને બુધવારે(12 ઓગસ્ટ) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે તો અદાલતમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવા આનંદનગર પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવશે.
બીજી તરફ, આનંદનગર પોલીસની તપાસમાં એવી વિગતો ખુલી હતી કે, મુળ ઉત્તરપ્રદેશનો સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ રામશંકરસિંહ રાઠોડને એ-વન સિક્યુરિટી એજન્સીના માલિક રામપ્રકાશ હરીશંકર તિવારી(ઉં.વ.50)એ પૂરતા કાયકાદીય કાર્યવાહી કર્યા વગર જ નોકરી ઉપર રાખ્યો હતો. એ-વન સિક્યુરિટી એજન્સીનું લાયસન્સ 5-4-2026ના રોજ પૂર્ણ થઈ ચૂક્યું હતું તે પછી રિન્યૂ કરવામાં આવ્યું નહોતું.
લાયસન્સ રિન્યૂ કરાવ્યા વગર જ સિક્યુરિટી એજન્સી ચલાવવા બદલ એવન સિક્યુરિટી એજન્સીના માલિક, ઉત્તરપ્રદેશના રામપ્રકાશ હરીશંકર તિવારી સામે ગુનો નોંધી આનંદનગર પોલીસે તેની ધરપકડ કરી છે. આનંદનગર પોલીસે 31 જુલાઈના રોજ ગુરખા સૈનિક સિક્યુરિટી સર્વિસ સામે વગર લાયસન્સે એજન્સી ચલાવવા બદલ ગુનો નોંધ્યો હતો. આ સમયે એ-વન સિક્યુરિટી એજન્સીનું લાયસન્સ નહોતું તે બાબત આનંદનગર પોલીસના ધ્યાન બહાર રહી ગઈ કે કેમ? તે અંગે પણ ખાતાકીય તપાસ થઈ શકે છે.
આરોપી ધર્મસિંહ સામે બોડકદેવ પોલીસમાં વધુ એક ગુનો નોંધાયો
બીજી તરફ, દુષ્કર્મ કેસનું પંચનામું ઓનલાઈન ઈ-સાક્ષ્ય એપ્લિકેશનમાં અપલોડ કરતી વખતે તા.9ના રાત્રે 8-10થી 8-55 વાગ્યાના સમયગાળા દરમિયાન આરોપીએ આનંદનગર પી.આઈ.ની રિવોલ્વર ઝૂંટવવા પ્રયાસ કરતાં ફાયરિંગ થયું હતું. આ અંગે બોડકદેવ પોલીસમાં અલગથી ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસ ફાયરિંગમાં પગમાં થયેલી ઈજાની સારવાર પૂર્ણ થયા બાદ આ કેસમાં પણ આરોપી ધર્મસિંહની બોડકદેવ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે.









