Ahmedabad

શ્રાવણ માસમાં શિવભક્તો માટે AMTSની વિશેષ બસ સેવા: 100થી વધુ બસો 30 ધાર્મિક સ્થળોના કરાવશે દર્શન, જાણો ચાર્જ

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં શ્રાવણ માસ નિમિત્તે AMTS દ્વારા શિવભક્તો માટે વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન કરાયું છે. 100થી વધુ નોન-એસી બસો દ્વારા શહેરના 30 ધાર્મિક સ્થળોના દર્શન કરાવાશે. AMC હદમાં ₹3,000 અને ઔડા હદમાં ₹5,000 પ્રતિ બસ ચાર્જ રહેશે. બુકિંગ લાલ દરવાજા, સારંગપુર, વાડજ, મણિનગર ટર્મિનસ પરથી થશે. સવારે 8:15 થી સાંજે 4:45 સુધી યાત્રા ચાલશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રાવણ માસમાં શિવભક્તો માટે AMTSની વિશેષ બસ સેવા: 100થી વધુ બસો 30 ધાર્મિક સ્થળોના કરાવશે દર્શન, જાણો ચાર્જ
AI તસવીર

Ahmedabad Shravan Bus Booking: શ્રાવણ માસ શરૂ થતાં જ શિવભક્તો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઇચ્છતા શહેરીજનો માટે AMTS દ્વારા વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ધાર્મિક સ્થળોના દર્શન કરાવવા માટે આ વર્ષે 100થી વધુ નોન-એસી બસો સેવા માટે મૂકવામાં આવશે. યાત્રા દરમિયાન નાગરિકોને તેમના ઘરેથી લઈ જવામાં આવશે અને દર્શન બાદ ફરી તેમના ઘરે પહોંચાડવામાં આવશે.

કેટલો ચાર્જ નક્કી કરવામાં આવ્યો?

ધાર્મિક પ્રવાસ માટે નાગરિકો લાલ દરવાજા, સારંગપુર, વાડજ અને મણિનગર ટર્મિનસ પરથી બુકિંગ કરાવી શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રહેતા નાગરિકો માટે પ્રતિ બસ 3,000 રૂપિયા જ્યારે ઔડા હદ વિસ્તારમાં રહેતા નાગરિકો માટે પ્રતિ બસ 5,000 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. બુકિંગ વખતે પ્રોપર્ટી ટેક્સ બિલ તેમજ ભરેલી રસીદની નકલ રજૂ કરવાની રહેશે.

સવારે યાત્રા શરૂ થશે, સાંજે પૂર્ણ

AMTSની વિશેષ બસ સેવા સવારે 8:15 વાગ્યે શરૂ થશે અને વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરાવ્યા બાદ સાંજે 4:45 વાગ્યે યાત્રા પૂર્ણ થશે. એક બસમાં સામાન્ય રીતે 30 મુસાફરોની બેઠક ક્ષમતા છે, જોકે મહત્તમ 40 મુસાફરોને બેસાડવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. AMTS કમિટીના ચેરમેન પરાગ નાઇકે જણાવ્યું હતું કે, દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન શહેરીજનોને શહેરના વિવિધ મહાદેવ મંદિરો અને ધાર્મિક સ્થળોના દર્શન કરાવવા માટે આ પ્રકારની સેવા શરૂ કરવામાં આવે છે. આ વખતે શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં આવેલા મંદિરો અને ધાર્મિક સ્થળોને રૂટમાં આવરી લેવામાં આવ્યા છે.

ગત વર્ષે 1 લાખ લોકોએ લીધો હતો લાભ

ગત વર્ષે અંદાજે 1 લાખ શહેરીજનોએ AMTSની ધાર્મિક પ્રવાસ સેવાનો લાભ લીધો હતો. વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન માટે 1,000થી વધુ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે શહેરના અલગ-અલગ રૂટ પર 100થી વધુ બસો મૂકવામાં આવી છે.

પૂર્વ-પશ્ચિમના 30 ધાર્મિક સ્થળોના દર્શન

AMTSના શ્રાવણ માસના ધાર્મિક પ્રવાસમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મળીને કુલ 30 જેટલા ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જલારામ મંદિર (પાલડી), હરેકૃષ્ણ મંદિર (ભાડજ), વૈષ્ણોદેવી મંદિર, કોટેશ્વર મહાદેવ (મોટેરા), વિશ્વ ઉમિયા ધામ (જાસપુર), ત્રિમંદિર, કેમ્પ હનુમાન મંદિર, નરોડા બેઠક, સિદ્ધિ વિનાયક મંદિર (મહેમદાબાદ), સોમનાથ મહાદેવ (ગ્યાસપુર), રામજી મંદિર (વસ્ત્રાલ), લાંભા મંદિર, ઇસ્કોન મંદિર, પરમેશ્વર મહાદેવ (બોડકદેવ), સોલા ભાગવત વિદ્યાપીઠ, મહાકાળી મંદિર (દૂધેશ્વર), નીલકંઠ મહાદેવ (અસારવા), ભીડભંજન હનુમાન (બાપુનગર), ચકુડિયા મહાદેવ, જગન્નાથજી મંદિર, સ્વામીનારાયણ મંદિર (નારણઘાટ), માર્કંડેય દેવાલય (રખિયાલ), ગુરુગોવિંદ ધામ, તિરુપતિ બાલાજી, અક્ષર પુરુષોત્તમ મંદિર, અસારવા બેઠક, કર્ણમુક્તેશ્વર મહાદેવ, ભદ્રકાળી મંદિર, તીર્થધામ પ્રેરણાપીઠ (પીરાણા) અને અમરનાથ મહાદેવ (બાપુનગર)નો સમાવેશ થાય છે.