અમદાવાદ: ટ્રાન્સસ્ટેડિયા ક્લબનો 20.69 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવામાં વિલંબ, AMCની લીગલ ટીમ સામે સવાલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Property Tax: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની હદમાં આવેલી ટ્રાન્સસ્ટેડિયા/એકા ક્લબ પર હાલ 20.69 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાનું સામે આવ્યું છે. કાયદાકીય વિવાદના કારણે આ રકમની વસૂલાત અટવાયેલી છે. કરોડો રૂપિયાના ટેક્સની વસૂલાત વર્ષોથી કોર્ટમાં ચાલી રહેલા કેસના કારણે અટકી પડતાં કોર્પોરેશનની લીગલ ટીમની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
કોંગ્રેસના મહામંત્રીનો લીગલ ટીમ પર પ્રહાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ ખુલાસો કરતાં કહ્યું કે-'કોર્પોરેશન દ્વારા દર વર્ષે કાયદાકીય કામગીરી અને વકીલો પાછળ મોટી રકમ ખર્ચવામાં આવે છે. પોતાની લીગલ ટીમ હોવા છતાં કરોડો રૂપિયાના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત સાથે સંકળાયેલા કેસનો લાંબા સમયથી અંતિમ નિકાલ આવ્યો નથી'. કેસના ઝડપી નિકાલ માટે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે પણ તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા.


સામાન્ય નાગરિક અને મોટા એકમો વચ્ચે ભેદભાવનો આક્ષેપ
તેમણે વધુમાં જણાવ્યું કે, સામાન્ય નાગરિકનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય ત્યારે કોર્પોરેશન દ્વારા નોટિસ, વ્યાજ અને મિલકત સીલ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આવા મોટા એકમો પાસેથી કરોડો રૂપિયાના ટેક્સની વસૂલાત માટે પણ સમાન કાયદાકીય કડકાઈ રાખવી જોઈએ. આ સાથે જ તેમણે કોર્પોરેશનની લીગલ ટીમ પાછળ દર વર્ષે કેટલો ખર્ચ થાય છે તેની વિગતો પણ જાહેર કરવાની માગ કરી છે.
હાઇકોર્ટના સ્ટેના કારણે વસૂલાત અટકી હોવાની AMCની સ્પષ્ટતા
કોર્પોરેશનના ટેક્સ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, હાલમાં હાઇકોર્ટ દ્વારા આ કેસમાં સ્ટે આપવામાં આવ્યો છે. જોકે ટેક્સ વિભાગ દ્વારા દર વર્ષે નિયમિત ટેક્સ બિલની સાથે નોટિસ પણ મોકલવામાં આવે છે. હાઇકોર્ટમાં કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ વ્યાજ સહિતની તમામ બાકી રકમની વસૂલાત કરવામાં આવશે.




