દિલ્હી હોનારત બાદ અમદાવાદમાં એક જ દિવસમાં 55 પીજી-હોસ્ટેલની તપાસ કરાઈ, સબ સલામતનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Proactive Checks for Secure Student Living in Ahmedabad: દિલ્હીના સત્ય નિકેતનમાં PG તરીકે વપરાતી પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં 7 લોકોના કરૂણ મોત થયા હતા. આ દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સતર્ક થયું છે. શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ અને નોકરીયાતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે PG, હોસ્ટેલ અને છાત્રાલયોની સ્ટ્રક્ચરલ સેફ્ટી (ઈમારતની મજબૂતાઈ)ની ચકાસણી માટે ખાસ ડ્રાઈવ શરૂ કરાઈ છે. આ અભિયાનના પ્રથમ દિવસે જ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 55 જેટલી ઈમારતોનું ચેકિંગ હાથ ધરાયું હતું, જે તમામ સલામત હોવાનો દાવો પણ કરાયો હોવાના અહેવાલ છે.
પ્રથમ દિવસે 5 ઝોનની 55 ઈમારતોની તપાસ થઈ
કોર્પોરેશનના શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ હેઠળ આ તપાસ કરાઈ છે. પ્રથમ દિવસે શહેરના 5 અલગ-અલગ ઝોનમાં આવેલી 55 જેટલી PG અને હોસ્ટેલની ટેકનિકલ ટીમે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન અધિકારીઓએ ઈમારતોના બાંધકામમાં તિરાડો, પાયાની મજબૂતાઈ અને અન્ય જોખમી પાસાઓની ઝીણવટભરી ચકાસણી કરી હતી.
તમામ 55 ઈમારતો પ્રાથમિક દ્રષ્ટિએ સલામત
પહેલા દિવસની ચકાસણીમાં તપાસ કરાયેલી તમામ 55 ઈમારતમાં પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગંભીર ખામી કે જોખમી સ્થિતિ જોવા મળી નથી, જે રાહતની બાબત છે. આમ છતાં તંત્ર દ્વારા આ કામગીરી અટકાવવાને બદલે શહેરની તમામ PG અને હોસ્ટેલ સુધી વિસ્તૃત કરવાની જાહેરાત કરાઈ છે. આ સાથે જ સંચાલકોને ઈમારતની નિયમિત જાળવણી કરવા અને સ્ટ્રક્ચરલ સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા સૂચના અપાઈ છે.
શહેરની તમામ પીજી અને હોસ્ટેલનું ચેકિંગ કરાશે
કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂર્વ અને પશ્ચિમ સહિત શહેરના તમામ ઝોનમાં ચાલી રહેલી ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ અને પીજીને આ તપાસમાં આવરી લેવાશે. દિલ્હીમાં સર્જાઈ હતી, તેવી દુર્ઘટના અમદાવાદમાં ન સર્જાય તે માટે કોર્પોરેશને તકેદારીના પગલાંરૂપે આ ડ્રાઈવ કરી છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે, જેથી હજારો વિદ્યાર્થીઓ અને નોકરિયાતો સુરક્ષિત વાતાવરણમાં રહી શકે.








