અમદાવાદમાં મીઠાઈ-માવામાં ભેળસેળ રોકવા 22 એકમોમાં દરોડા, કાજુ કતરીમાં ચાંદીના વરખના બદલે અન્ય ધાતુ, બે એકમ સીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fake Silver Foil Sweets: અમદાવાદમાં તહેવારોની સિઝન પહેલાં મીઠાઈમાં થતી ભેળસેળ રોકવા AMCના ફૂડ વિભાગે 22 એકમો પર દરોડા કર્યા છે. આ તપાસ દરમિયાન કાજુ કતરીના નમૂનામાં ચાંદીના વરખની જગ્યાએ અન્ય ધાતુનો વરખ હોવાનું સામે આવતાં તેના સપ્લાયર સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ અન્ય એક એકમમાં FSSAI લાયસન્સ ન હોવા અને અસ્વચ્છતા જણાતા તેને પણ સીલ કરી દેવાયું છે.

સ્થળ પર જ રેપિડ ટેસ્ટિંગ બાદ બાપુનગરનું એકમ સીલ કરાયું
AMCના ફૂડ વિભાગની ટીમે રેપિડ ટેસ્ટિંગ કિટથી કાજુ કતરીના નમૂનાની સ્થળ પર પ્રાથમિક તપાસ કરી હતી. તેમાં ચાંદીના વરખની જગ્યાએ અન્ય ધાતુનો વરખ હોવાનું જણાતાં વધુ તપાસ હાથ ધરાઈ હતી. આ કાજુ કતરીનો જથ્થો બાપુનગરના શ્રી કનૈયાલાલ માવાવાળાના ત્યાંથી સપ્લાય થતો હોવાનું સામે આવતાં જાહેર આરોગ્યના હિતમાં તે એકમને સીલ કરવામાં આવ્યું છે.

વાડજ ગામમાં લાયસન્સ વગર ચાલતું અસ્વચ્છ ગોડાઉન ઝપટે ચડ્યું
બીજી તરફ, વાડજગામ-દરિયાપુર વિસ્તારમાં આવેલા શ્રી બાલાજી માવાવાળાના ગોડાઉનમાં તપાસ દરમિયાન FSSAIનું લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ગોડાઉનમાં સ્વચ્છતાનો પણ ભારે અભાવ જોવા મળ્યો હતો. જેના પગલે ફૂડ વિભાગે આ ગોડાઉન સામે પણ સીલિંગની ત્વરિત કાર્યવાહી કરી હતી.

લેબોરેટરી રિપોર્ટના આધારે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે
તહેવારો દરમિયાન મીઠાઈની માંગ વધતી હોવાથી AMC દ્વારા ચાંદીના વરખ, નોન-ફૂડ ગ્રેડ કલર, ખોયા-માવામાં સ્ટાર્ચ, ‘Pure Ghee’ના નામે વેચાતી મીઠાઈમાં વનસ્પતિ તેલ તથા કેસરની અસલિયતની સ્થળ પર ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પનીર અને ચીઝમાં પણ સ્ટાર્ચની ભેળસેળ અંગે પ્રાથમિક તપાસ ચાલી રહી છે.
ફૂડ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 22 ખાદ્ય એકમોમાં રેપિડ ટેસ્ટ કિટથી તપાસ કરવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રાથમિક તપાસ છે. શંકાસ્પદ નમૂનાઓને અધિકૃત લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને તેના પરિણામના આધારે આગળની કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

FSSAI અને GPMC ઍક્ટ હેઠળ નિયમોભંગ કરનારા સામે પગલાં લેવાશે
AMC દ્વારા આગામી દિવસોમાં શહેરના તમામ ખાદ્ય ધંધાકીય એકમોની સઘન તપાસ હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે. FSSAI લાયસન્સ વગર ધંધો કરતાં અથવા સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરતાં વેપારીઓ સામે FSSAI અને GPMC Act હેઠળ કડક પગલાં ભરવામાં આવશે.




