AMC એ ટાર્ગેટ પૂરો કરવા 4 લાખ ઝાડવા એસ્ટેટ અને પાર્કિંગ પ્લોટમાં વાવી દીધા, ભવિષ્યમાં કાપવાની નોબત આવશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Tree Plantation: અમદાવાદ શહેરમાં ચોમાસામાં દર વર્ષે 10 લાખ વૃક્ષોના વધારા સાથે આ વખતે મ્યુનિસિપલ દ્વારા 50 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. જે આજે 126 દિવસમાં પૂર્ણ થયો હોવાનો દાવો કરાયો છે. જોકે આ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલએ એસ્ટેટના રિઝર્વ અને પાર્કિંગના પ્લોટમાં પણ ચાર લાખ વૃક્ષો વાવી દીધા છે. જેને ભવિષ્યમાં ગમે ત્યારે કાપવાની નોબત આવશે. ત્યારે આ મામલે બગીચા ખાતાની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. અલબત્ત હાલમાં આ વૃક્ષો બાઉન્ડ્રી પ્લાન્ટેશનના નામે વવાયા છે. પરંતુ જ્યારે પ્લોટ વેચાય ત્યારે આ વૃક્ષો ચોક્કસ કપાઈ જશે.
અમદાવાદ શહેરમાં મિશન ફાઈવ મિલિયન ટ્રી અંતર્ગત 126 દિવસમાં 50 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર સંપન્ન
અમદાવાદ શહેરમાં દર વર્ષે વૃક્ષારોપણના નામે મોટું ધૂપપલ ચાલી રહ્યું છે. કારણ કે ખુદ બગીચા ખાતાના જ પૂર્વ અધિકારીઓ સ્વીકારી ચૂક્યા છે કે, વાવેતર કરાયેલા વૃક્ષો પૈકી 55થી 60 ટકા વૃક્ષો માવજતના અભાવે બળી જાય છે. ત્યારે ભલે ઓછી સંખ્યામાં વૃક્ષો વવાય, પણ વાવેલા વૃક્ષો સંપૂર્ણ ઊગે તેવું આયોજન કરવાના બદલે મ્યુનિસિપલના અધિકારીઓ દર વર્ષે આંકડો વધાર્યે જાય છે. આ વખતે ચોમાસા સંદર્ભે ગત પાંચ જૂનથી શહેરમાં મિશન ફાઈવ મિલિયન ટ્રીનો પ્રારંભ કરાયો છે. જે આઠમી ઓક્ટોબરે પૂર્ણ થયો છે.
મ્યુનિસિપલના બગીચા ખાતા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર શહેરમાં સૌથી વધારે વૃક્ષો ગાર્ડન માટેના રિઝર્વ પ્લોટ, સરકારી પ્લોટ, હાલના ઓક્સિજન પાર્ક સહિતના બગીચાઓમાં રોપવામાં આવ્યા છે. બીજી તરફ સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો દક્ષિણ ઝોનમાં સૌથી વધારે 11.50 લાખ અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા માત્ર 41 હજાર વૃક્ષોનું જ વાવેતર કરાયું છે.

દરોજના સરેરાશ 40 હજાર વૃક્ષો વવાયા!
મિશન ફાઈવ મિલિયન ટ્રી અભિયાન હેઠળ 126 દિવસમાં 50 લાખ વૃક્ષો વાવી દેવાયા છે. આ ગણતરી મુજબ દરરોજના સરેરાશ 40 હજાર વૃક્ષોનું વાવેતર થાય! આટલી મોટી સંખ્યામાં થયેલું વૃક્ષારોપણ સામાન્ય શહેરીજનોને ક્યાંય નજરે પડતું નથી.

ભાડજમાં મુખ્યમંત્રીના હસ્તે ગૌચરના પ્લોટમાં વૃક્ષારોપણ! બે ઝાડ વચ્ચે એક મીટર જગ્યા પણ નહીં
અમદાવાદના ભાડજ વિસ્તારમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીના હસ્તે મ્યુનિ.એ ગૌચરના પ્લોટમાં વૃક્ષારોપણ કરાવી દીધું છે. ગૌચરના આ પ્લોટમાં વૃક્ષો ઊગી નીકળ્યા બાદ પશુઓ ક્યાં ચરવા જશે? તે સવાલ છે. બીજી તરફ અહી 85 હજાર ચો.મી. જગ્યામાં 1.01 લાખ વૃક્ષો વાવી દેવાયા છે. એટલે કે એક ઝાડ માટે 1 ચો.મી. જગ્યા પણ નથી. જેમાં વૃક્ષો કેવી રીતે મોટા થશે, તે મ્યુનિસિપલનો બગીચા વિભાગ જ જાણે!




