VIDEO: 'મલેરિયા મુક્ત અમદાવાદ'ના દાવા વચ્ચે LG હૉસ્પિટલમાં જ મચ્છરોનો ત્રાસ! ગંદી બેડશીટ અને ગંદકીથી દર્દીઓ ત્રાહિમામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad LG Hospital Mosquito Menace: અમદાવાદમાં મચ્છરજન્ય રોગો સામે 'મલેરિયા મુક્ત અમદાવાદ' સહિતની ઝુંબેશ અને મચ્છર નિયંત્રણની કામગીરી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) સંચાલિત એલજી હૉસ્પિટલમાં જ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યું છે. હૉસ્પિટલના જૂના બિલ્ડિંગના ગાયનેકોલોજી વૉર્ડ સહિત અન્ય બે વૉર્ડમાં રાત્રિના સમયે ગંદકી, મચ્છરો અને ગંદી બેડશીટ જોવા મળી છે. સારવાર માટે આવતા દર્દીઓ અને ખાસ કરીને મહિલાઓના વૉર્ડમાં આવી સ્થિતિ જોતાં હૉસ્પિટલની સ્વચ્છતા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
'મલેરિયા મુક્ત અમદાવાદ'ની ઝુંબેશ વચ્ચે એલજી હૉસ્પિટલમાં જ મચ્છરોનો ઉપદ્રવ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ ટી. સોનીએ એલજી હૉસ્પિટલની રાત્રિના સમયે અચાનક મુલાકાત લીધી હતી. આ દરમિયાન જૂની એલજી હૉસ્પિટલના ગાયનેકોલોજી વૉર્ડ ઉપરાંત અન્ય બે વૉર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ અને અસ્વચ્છતા જોવા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વૉર્ડમાં ગંદી બેડશીટ હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
તેમના જણાવ્યા મુજબ, દર્દીઓ સારવાર માટે હૉસ્પિટલમાં આવે છે ત્યારે હૉસ્પિટલના વૉર્ડમાં જ મચ્છરોનો ત્રાસ હોય તે ગંભીર બાબત છે. ખાસ કરીને ગાયનેકોલોજી વૉર્ડમાં સારવાર લઈ રહેલી મહિલાઓને સ્વચ્છ અને મચ્છરમુક્ત વાતાવરણ મળવું જોઈએ તેવી માગ કરવામાં આવી છે.
કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ જણાવ્યું કે, કોર્પોરેશન શહેરમાં સ્વચ્છતા અને મચ્છર નિયંત્રણની વાત કરે છે, પરંતુ કોર્પોરેશન સંચાલિત હૉસ્પિટલમાં જ જો ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ હોય તો જવાબદાર અધિકારીઓ અને સફાઈ એજન્સી સામે જવાબદારી નક્કી કરવી જોઈએ. તેમણે હૉસ્પિટલમાં નિયમિત સફાઈ, સ્વચ્છ બેડશીટ અને મચ્છર નિયંત્રણ માટે નિયમિત પેસ્ટ કંટ્રોલ અને ફોગિંગની વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાની માગ કરી છે.
બાજુમાં બની રહેલી બિલ્ડિંગના કારણે મચ્છરોનું ઉપદ્રવ: સુપ્રિટેન્ડેન્ટ
બીજી તરફ LG હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, હૉસ્પિટલમાં દરરોજ સફાઈ કરવામાં આવે છે અને વૉર્ડની બહાર ફોગિંગ પણ કરવામાં આવે છે. હૉસ્પિટલની બાજુમાં નવા બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી ત્યાંથી મચ્છરોનો ઉપદ્રવ થતો હોવાનું હૉસ્પિટલ તંત્રનું કહેવું છે. વૉર્ડ પાસે કચરાપેટી રાખવામાં આવી છે, પરંતુ કેટલાક લોકો તેનો ઉપયોગ કરવાને બદલે બહાર કચરો ફેંકે છે. આ કચરો પણ મચ્છરોના ઉપદ્રવનું એક કારણ બની શકે છે.
અન્ય કન્સ્ટ્રક્શન સાઇટ સામે કાર્યવાહી થાય તો અહીં શું?
મચ્છરોના બ્રીડિંગ કે અસ્વચ્છતા બદલ અન્ય બાંધકામ સાઇટો અને એકમો સામે કોર્પોરેશન દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે કોર્પોરેશનની પોતાની હૉસ્પિટલની બાજુમાં ચાલી રહેલા બાંધકામને કારણે મચ્છરોનો ઉપદ્રવ થતો હોવાનું હૉસ્પિટલ તંત્ર જ કહી રહ્યું હોય તો આ સાઇટ સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે સવાલ હવે ચર્ચામાં છે.




