Ahmedabad

એડવર્ટાઇઝિંગ એજન્સીઓ પર અધિકારીઓ મહેરબાન: 3 વર્ષ સુધી હોડિંગ્સની લાયસન્સ ફી એક સરખી રાખતા વિવાદ

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં AMCના હોર્ડિંગ્સ લાયસન્સ ફીની હરાજીથી 6.18 કરોડની આવક થશે. જો કે, 3 વર્ષના કોન્ટ્રાક્ટમાં ત્રણેય વર્ષ માટે એકસરખી લાયસન્સ ફી રાખવાના નિર્ણયથી વિવાદ સર્જાયો છે. સામાન્ય રીતે કોર્પોરેશન દર વર્ષે 5 થી 10 ટકા ફી વધારો કરે છે, પરંતુ હોર્ડિંગ્સમાં આવું ન થતાં અધિકારીઓ જાહેરાત એજન્સીઓ પર મહેરબાન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એડવર્ટાઇઝિંગ એજન્સીઓ પર અધિકારીઓ મહેરબાન: 3 વર્ષ સુધી હોડિંગ્સની લાયસન્સ ફી એક સરખી રાખતા વિવાદ

Ahmedabad AMC Hoarding License Fee Controversy: અમદાવાદમાં કોર્પોરેશનની માલિકીની વિવિધ જગ્યાઓ પર હોડિંગ્સ લગાવવા માટેની હરાજીમાંથી તંત્રને 3.41 કરોડ રૂપિયાની તળીયાની કિંમત સામે 6.18 કરોડ રૂપિયાની આવક થવા જઈ રહી છે. જોકે, આ હરાજી સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયેલી એસ્ટેટ વિભાગની દરખાસ્તને લઈને હવે વિવાદ ઊભો થયો છે. હોડિંગ્સના 3 વર્ષના કોન્ટ્રાક્ટમાં ત્રણેય વર્ષ માટે એકસરખી લાયસન્સ ફી રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. જેના કારણે સવાલ ઉઠી રહ્યો છે કે, એડવર્ટાઇઝિંગ એજન્સીઓ પર અધિકારીઓ મહેરબાન કેમ?

એડવર્ટાઇઝિંગ એજન્સીઓ પર અધિકારીઓ મહેરબાન

કોર્પોરેશન સામાન્ય રીતે પોતાની જગ્યા પાર્કિંગ, પીપીપી મોડલ પરના સ્વિમિંગ પૂલ કે જિમ્નેશિયમ માટે ભાડે આપતી વખતે દર વર્ષે 5થી 10 ટકાના વધારા સાથે દરખાસ્ત તૈયાર કરે છે. એટલે કોન્ટ્રાક્ટના બીજા અને ત્રીજા વર્ષે કોર્પોરેશનની આવકમાં વધારો થાય તેવી જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ હોડિંગ્સ માટેની આ દરખાસ્તમાં ત્રણેય વર્ષ માટે એકસરખી લાયસન્સ ફી રાખવામાં આવી છે. આથી ચર્ચા એ છે કે, પાર્કિંગની જગ્યા માટે દર વર્ષે આવક વધારવાનો નિયમ રાખવામાં આવે છે તો હોડિંગ્સ માટે જ ત્રણ વર્ષ સુધી ફી એકસરખી રાખવાની જરૂર કેમ પડી?

78માંથી 20 સાઇટ માટે કોઈએ બીડ ન ભરી

વિવિધ વિસ્તારોમાં અગાઉના 3 વર્ષના કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં કોર્પોરેશન દ્વારા આશરે 78 હોડિંગ્સ સાઇટ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. તેમાંથી આશરે 45 સાઇટ માટે એક કરતાં વધુ ટેન્ડરરોએ રસ દાખવ્યો હતો. જ્યારે 9 સાઇટ પર સિંગલ ટેન્ડર આવ્યું હતું. જોકે આ 9 સાઇટ માટે મળેલી બિડ કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા દર કરતાં વધુ હોવાથી સિંગલ ટેન્ડર હોવા છતાં તેને ગ્રાહ્ય રાખવાનો નિર્ણય કરાયો છે. 2 સાઇટ પર નક્કી કરાયેલા દર કરતાં ઓછી બિડ આવતાં તેને સ્વીકારવામાં આવી નથી, જ્યારે 20 સાઇટ માટે રિટેન્ડર કરવાનો નિર્ણય લેવાયો છે. પૂર્વ ઝોનની એક સાઇટ રોડ પહોળો થવાનો હોવાથી તેને ટેન્ડરમાંથી દૂર કરવામાં આવી છે.

આ પણ વાંચો: દિલ્હી હોનારત બાદ અમદાવાદમાં એક જ દિવસમાં 55 પીજી-હોસ્ટેલની તપાસ કરાઈ, સબ સલામતનો દાવો

લાયસન્સ ફીની વસૂલાત સામે પણ અગાઉથી સવાલ

મહત્ત્વનું છે કે, અનેક હોડિંગ્સ સંચાલકો દ્વારા કોર્પોરેશનને લાયસન્સ ફી ચૂકવવામાં આનાકાની કરવામાં આવે છે. હાઇકોર્ટ દ્વારા લાયસન્સ ફીની વસૂલાત અંગે અગાઉ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હોવા છતાં અનેક લાયસન્સ ધારકો પાસેથી ફીની વસૂલાતનો મુદ્દો યથાવત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે જ ત્રણ વર્ષ સુધી ફીમાં કોઈ વધારો નહીં કરવાની જોગવાઈ સામે સવાલો ઉઠી રહ્યા છે. કોર્પોરેશનની માલિકીની ફૂટપાથ, રિઝર્વેશન પ્લોટ, મસ્ટર સ્ટેશનની ખુલ્લી જગ્યા સહિતની જાહેર જગ્યાઓનો ઉપયોગ કરીને એડવર્ટાઇઝિંગ એજન્સીઓ આવક મેળવે છે ત્યારે કોર્પોરેશનની આવક દર વર્ષે વધે તેવી જોગવાઈ કેમ કરવામાં આવી નથી તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.