Ahmedabad

અમદાવાદમાં ફૂટપાથ બેસી જવાની ફરિયાદો ઉઠતાં હવે પેવરબ્લોક નીચે રેતી-માટીને બદલે કોંક્રિટનો બેઝ નખાશે, AMC રોડ કમિટીનો ઠરાવ

By GS Team
3 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ફૂટપાથના પેવરબ્લોક લગાવવાની પદ્ધતિમાં ફેરફાર થશે. રોડ કમિટીએ રેતી-માટીને બદલે કોંક્રિટ-સિમેન્ટનો બેઝ બનાવવાનો ઠરાવ કર્યો છે. પેવરબ્લોક ઉખડી જવા અને ફૂટપાથ બેસી જવાની ફરિયાદો વધતા આ નિર્ણય લેવાયો છે, જેથી ફૂટપાથ વધુ મજબૂત બને. વરસાદી પાણી માટે અન્ય વિકલ્પોનો ઉપયોગ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ફૂટપાથ બેસી જવાની ફરિયાદો ઉઠતાં હવે પેવરબ્લોક નીચે રેતી-માટીને બદલે કોંક્રિટનો બેઝ નખાશે, AMC રોડ કમિટીનો ઠરાવ

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ફૂટપાથના પેવરબ્લોક લગાવવાની પદ્ધતિમાં હવે ફેરફાર કરવામાં આવશે. પેવરબ્લોક નીચે રેતી-માટીનો બેઝ બનાવવાને બદલે કોંક્રિટ-સિમેન્ટનો બેઝ તૈયાર કરવાનો રોડ કમિટીએ ઠરાવ કર્યો છે. અગાઉ પેવરબ્લોકને મજબૂતાઈ મળે તે માટે નીચે પ્લાસ્ટર કરવામાં આવતું હતું, પરંતુ વરસાદી પાણી જમીનમાં ઉતરે તે હેતુથી બાદમાં રેતી-માટીનો બેઝ શરૂ કરવામાં આવ્યો હતો. હવે અનેક સ્થળે પેવરબ્લોક ઉખડી જવા અને ફૂટપાથ બેસી જવાની ફરિયાદો સામે આવતા ફરીથી કોંક્રિટ બેઝ તરફ વળવાનો નિર્ણય લેવાયો છે.

ફૂટપાથની મજબૂતી માટે પેવરબ્લોક નીચે કોંક્રિટનો બેઝ નખાશે

રોડ કમિટી ચેરમેનના જણાવ્યા મુજબ, શહેરમાં પહેલાં ફૂટપાથ પર પથ્થર લગાવવામાં આવતા હતા. ત્યારબાદ પથ્થરની જગ્યાએ પેવરબ્લોકનો ઉપયોગ શરૂ થયો. પેવરબ્લોક લગાવવાની કામગીરીમાં પણ સમયાંતરે પદ્ધતિ બદલાતી રહી છે. એક સમયે પેવરબ્લોક નીચે પ્લાસ્ટર કરવામાં આવતું હતું. તેનો હેતુ પેવરબ્લોક ઉખડી ન જાય અને ફૂટપાથ બેસી ન જાય તે હતો. ત્યારબાદ વરસાદી પાણી જમીનમાં ઉતરી શકે તે માટે પેવરબ્લોક નીચે પ્લાસ્ટર કરવાનું બંધ કરીને રેતી-માટીનો બેઝ બનાવવાની પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જોકે, હાલના સમયમાં અનેક વિસ્તારોમાં પેવરબ્લોક ઉખડી જવા તથા ફૂટપાથ બેસી જવાની ફરિયાદો વધી છે. તેના કારણે આરએમસી કર્યા પછી જ પેવર નખાશે.

ફૂટપાથના સમારકામ પાછળ ફરી ખર્ચનો બોજ

ફૂટપાથ બનાવવા પાછળ કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પેવરબ્લોક બેસી જાય કે ઉખડી જાય ત્યારે તેને ફરી સરખા કરવા માટે વધારાનો ખર્ચ કરવો પડે છે. પરિણામે કોર્પોરેશનની તિજોરી પર ફરી નાણાકીય ભારણ આવે છે. બીજી તરફ, બેસી ગયેલી કે ઉબડખાબડ ફૂટપાથ પર રાહદારીઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રોડ કમિટીએ તમામ ઝોન અને પ્રોજેક્ટના રોડ પર ફૂટપાથના પેવરબ્લોક નીચે રેતી-માટીના બેઝના બદલે કોંક્રિટ-સિમેન્ટનો બેઝ બનાવવાનો ઠરાવ કર્યો છે.

વરસાદી પાણી માટે અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવાની દલીલ

રોડ કમિટી ચેરમેનના જણાવ્યા મુજબ, રેતી-માટીનો બેઝ બનાવવાનો મુખ્ય હેતુ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનો હતો. જોકે, ચોમાસા દરમિયાન અમુક દિવસોમાં જ વરસાદ પડતો હોય છે અને બાકીના દિવસો તથા મહિનાઓમાં વરસાદ હોતો નથી. વરસાદી પાણીના નિકાલ અને તેને જમીનમાં ઉતારવા માટે કોર્પોરેશન પાસે અન્ય વિકલ્પો ઉપલબ્ધ હોવાથી ફૂટપાથની મજબૂતીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગેરતપુર રેલવે ઓવરબ્રિજની દરખાસ્તમાં વધુ સ્પષ્ટતા માગી

બીજી તરફ દક્ષિણ ઝોનમાં અમદાવાદ-વડોદરા રેલવે લાઇન પર ગેરતપુર અને બારેજડી વચ્ચે આવેલા રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત પણ રોડ કમિટીમાં આવી હતી. જોકે, દરખાસ્તમાં ખર્ચ અને અન્ય વિગતો અંગે વધુ સ્પષ્ટતાની જરૂરિયાત જણાતા રોડ કમિટી ચેરમેને તેને હાલ બાકી રાખી છે. ગેરતપુર ક્રોસિંગ પર રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે રેલવે તંત્ર, કોર્પોરેશન અને ઔડા વચ્ચે અગાઉ બેઠકો યોજાઈ હતી. બ્રિજના નિર્માણ માટે અંદાજે રૂપિયા 103થી 104 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. મૂળ આયોજન મુજબ રેલવે દ્વારા કુલ ખર્ચના 25 ટકા એટલે કે રૂપિયા 27.67 કરોડ જેટલો ખર્ચ ભોગવવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. બાકીના 75 ટકા ખર્ચ કોર્પોરેશન અને ઔડાએ ઉઠાવવાનો થાય છે. એટલે કોર્પોરેશનના હિસ્સે રૂપિયા 76 કરોડથી વધુનો ખર્ચ આવી શકે છે.

રાજ્ય સરકારની 50 ટકા ગ્રાન્ટની આશા

ગેરતપુર બ્રિજનો ખર્ચ મોટો હોવાથી કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવાની આશા રાખવામાં આવી રહી છે. જો રાજ્ય સરકાર તરફથી 50 ટકા ગ્રાન્ટ મળે તો બાકીની 50 ટકા રકમમાંથી 25 ટકા કોર્પોરેશન અને 25 ટકા ઔડાએ ભોગવવાની થાય. રોડ કમિટી ચેરમેનના જણાવ્યા મુજબ, ગેરતપુર રેલવે ઓવરબ્રિજની દરખાસ્તમાં તેમને વધુ વિગતો અને સ્પષ્ટતાની જરૂરિયાત જણાઈ હોવાથી દરખાસ્ત હાલ બાકી રાખવામાં આવી છે. જરૂરી વિગતો સ્પષ્ટ થયા બાદ જ તેના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મકરબા બ્રિજના અનુભવ બાદ ગેરતપુરમાં સાવચેતી

મકરબા રેલવે ઓવરબ્રિજના આયોજન અને અમલીકરણ દરમિયાન વાહનચાલકો તથા સ્થાનિક રહીશોને પડી રહેલી મુશ્કેલીઓના અનુભવને જોતા ગેરતપુર બ્રિજના મામલે કોર્પોરેશન વધુ સાવચેતીથી આગળ વધે તેવી સ્થિતિ છે. ગેરતપુર બ્રિજના ખર્ચમાં રેલવે, રાજ્ય સરકાર, કોર્પોરેશન અને ઔડાનો હિસ્સો કેટલો રહેશે તથા ગ્રાન્ટની વ્યવસ્થા કેવી રીતે થશે તે અંગે સ્પષ્ટતા થયા બાદ જ દરખાસ્ત આગળ વધે તેવી સ્થિતિ છે.