Ahmedabad

VIDEO| AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: કોલેજ કેન્ટીન અને ખાણીપીણીના 7 એકમો સીલ, 8 નામી સ્કૂલોમાં સઘન ચેકિંગ

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં AMCના ફૂડ વિભાગે મેગા ડ્રાઇવ યોજી. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ખોરાક મળે તે હેતુથી 8 સ્કૂલ-કોલેજોની કેન્ટીનોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાયું. ચેકિંગ દરમિયાન ગંભીર બેદરકારી, FSSAI લાયસન્સનો અભાવ અને અસ્વચ્છતાને કારણે 7 એકમોને સીલ કરાયા. લોટમાં જીવાત, ઘી-પનીરમાં ભેળસેળ અને ગંદકી જેવી ખામીઓ મળી આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: કોલેજ કેન્ટીન અને ખાણીપીણીના 7 એકમો સીલ, 8 નામી સ્કૂલોમાં સઘન ચેકિંગ

AMC Food Department Mega Drive In Ahmedabad: અમદાવાદના નાગરિકો, ખાસ કરીને શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન ગંભીર બેદરકારી, અસ્વચ્છતા અને FSSAI લાયસન્સના અભાવે કુલ 7 એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે, જ્યારે શહેરની 8 જાણીતી સ્કૂલ-કોલેજોની કેન્ટીનોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે.

7 જાણીતા એકમો સીલ: લોટમાં જીવાત, ઘી-પનીરમાં ભેળસેળ અને ગંદકી

AMCના ફૂડ વિભાગ દ્વારા તપાસ દરમિયાન ગંભીર ખામીઓ અને જીવાતવાળો ખોરાક મળી આવતા 7 એકમોને સીલ કરવામાં આવ્યા છે.

  • R.K.R. Caterers મહાત્મા ગાંધી ફિઝીયોથેરાપી કોલેજ હોસ્ટેલ કેન્ટીન, સૈજપુર બોઘામાં: FSSAI લાયસન્સનો અભાવ, અત્યંત ગંદકી, ખોરાકમાં કીડીઓ અને ધનેરા જેવી જીવાત મળી આવી. તેમજ મેડિકલ અને પેસ્ટ કંટ્રોલ રિપોર્ટ પણ ગાયબ હતા.
  • MAD OVER GRILLS (કાંકરીયા, મણિનગર): સ્ટોર રૂમના પીપમાં રાખેલા મેંદામાં જીવતી જીવાત મળી આવી.
  • સંતોષ ઘી ભંડાર (માધુપુરા): અગાઉ લેવાયેલા ‘માધવ’ દેશી ઘીના નમૂનામાં વનસ્પતિ તેલ/ચરબીની ભેળસેળ મળી આવતાં સીલ કરાયું.
  • રાજેશ દૂધ ઘર (કુબેરનગર): અગાઉ લીધેલ મિડીયમ ફેટ પનીરનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ/અપ્રમાણિત જાહેર થતાં કાર્યવાહી.
  • સબરુ ચાઇનીઝ મુગલાઇ એન્ડ તવા ફ્રાય (મકરબા રોડ, સરખેજ): પુષ્કળ ગંદકી, શિડ્યુલ 4 ની શરતોનો ભંગ, અને કારીગરો દ્વારા ગ્લોવ્ઝ/કેપ વગર જ રાંધવામાં આવતું હોવાનું ખુલ્યું.
  • સમ્રાટ બેકરી (બહેરામપુરા): લાયસન્સ વગર ધંધો, પેકેજીંગ અને લેબલીંગના નિયમોનું ઉલ્લંઘન તથા અત્યંત અનહાઇજેનિક પરિસ્થિતિ.
  • ભૈરવનાથ ભોજનાલય (રખિયાલ રોડ): લો ફેટ પનીરનો નમૂનો અપ્રમાણિત જાહેર થવા બદલ સીલ મરાયું.

8 નામી સ્કૂલ-કોલેજોની કેન્ટીનમાં સઘન ચેકિંગ

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ વિભાગે શહેરની નામાંકિત શાળાઓ અને કોલેજોમાં પણ દરોડા પાડ્યા હતા. જેમાં 8 સ્કૂલ-કોલેજોની કેન્ટીનો તપાસવામાં આવી હતી.

  • સત્વ સ્કૂલ કેન્ટીન (સિંધુભવન રોડ)
  • SGVP સ્કૂલ કેન્ટીન (વૈષ્ણોદેવી સર્કલ, ગોતા)
  • સોમ લલીત સ્કૂલ કેન્ટીન (નવરંગપુરા)
  • વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ કેન્ટીન (કાંકરીયા, મણિનગર)
  • નારાયણ બિઝનેસ સ્કૂલ કેન્ટીન (સરખેજ)
  • DAV ઇન્ટરનેશનલ સ્કૂલ કેન્ટીન (મકરબા)
  • આનંદ નિકેતન સ્કૂલ કેન્ટીન (સરખેજ)
  • એલ.જે. કેમ્પસ સ્કૂલ કેન્ટીન (સરખેજ)

તંત્રની કડક ચેતવણી

આરોગ્ય વિભાગ દ્વારા તમામ ખાદ્ય ધંધાકીય એકમો અને કેન્ટીન સંચાલકોને કડક નોટિસ આપવામાં આવી છે કે FSSAI લાયસન્સ વગર કે નિયમોનું પાલન કર્યા વિના વેપાર કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ સીલિંગ સહિતની આકરી સીધી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.