Ahmedabad

અમદાવાદ: ફૂગવાળી બ્રેડ, એક્સપાયર્ડ સોસ અને મકોડા મળ્યા! આશ્રમ રોડની PG સહિત 5 નોન-વેજ દુકાનો સીલ

By GS Team
23 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં AMC ફૂડ વિભાગે નવરંગપુરાના સનરાઇઝ લીવિંગ PGના રસોડામાં ફૂગવાળી બ્રેડ, એક્સપાયરી સોસ અને મકોડા મળતાં સીલ કર્યું. ઉપરાંત, દુધેશ્વર અને શાહીબાગમાં FSSAI લાયસન્સ વિના ચાલતી 5 નોન-વેજ દુકાનો પણ સીલ કરાઈ. સ્વચ્છતા જાળવતા 3 સ્ટ્રીટ ફૂડ વેન્ડરોનું સન્માન કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ફૂગવાળી બ્રેડ, એક્સપાયર્ડ સોસ અને મકોડા મળ્યા! આશ્રમ રોડની PG સહિત 5 નોન-વેજ દુકાનો સીલ

Ahmedabad AMC Food Department Raid: અમદાવાદમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ખાદ્ય એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન નવરંગપુરાના આશ્રમ રોડ પર આવેલા સનરાઇઝ લીવિંગ PGના રસોડામાં અનેક ખામીઓ મળી આવતાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દુધેશ્વર અને શાહીબાગ વિસ્તારમાં એફએસએસએઆઈ રજિસ્ટ્રેશન કે લાઇસન્સ વગર ચાલતી 5 નોન-વેજ દુકાનો સામે પણ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે.

શહેરના આશ્રમ રોડ પર ગુજરાત ટૂરિઝમ અને બાટા શોરૂમ સામે આવેલા સનરાઇઝ લીવિંગ PGમાં દરરોજ આશરે 150થી 200 વ્યવસાયીઓ અને વિદ્યાર્થીઓ જમતા હોવાનું સામે આવ્યું હતું. ફૂડ વિભાગની તપાસ દરમિયાન રસોડામાં કામ કરતા કારીગરોએ કેપ, એપ્રન અને ગ્લોવ્ઝ પહેર્યા ન હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન સ્ટોરેજમાં રાખવામાં આવેલી બ્રેડમાં ફૂગ મળી આવી હતી. સાથે જ તારીખ વીતી ગયેલો સોસ પણ રાખવામાં આવ્યો હતો. રસોડામાં મકોડા જોવા મળ્યા હતા અને હાઇજીન તથા સેનિટેશનના નિયમોનું પણ પાલન થતું ન હોવાનું સામે આવતાં ફૂડ વિભાગે સીલિંગની કાર્યવાહી કરી હતી.

5 નોન-વેજ દુકાનો સામે પણ કાર્યવાહી

દુધેશ્વરના તાવડીપુરા વિસ્તારમાં દરિયાખાન ઘુમ્મટ સામે તેમજ શાહીબાગ પોલીસ કમિશનર કચેરી પાછળ ચાલતી 5 નોન-વેજ દુકાનો સામે પણ ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. આ દુકાનોમાં મોહમ્મદ સગીર નુર મોહમ્મદ કુરેશી, મોહમ્મદ સાદીક નુર મોહમ્મદ કુરેશી, અબ્દુલ રહીમ નુર મોહમ્મદ કુરેશી, અબ્દુલ ખાલીક નુર મોહમ્મદ કુરેશી અને મોહમ્મદ સમીર નુર મોહમ્મદ કુરેશીની દુકાનોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન આ એકમો એફએસએસએઆઈ રજિસ્ટ્રેશન કે લાઇસન્સ વગર ચાલતા હોવાનું તેમજ સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું. આ તમામ દુકાનો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે.

નોન-વેજ દુકાનો માટે FSSAI લાઇસન્સ ફરજિયાત

ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ નોન-વેજનું વેચાણ કરતા તમામ એકમો માટે એફએસએસએઆઈ રજિસ્ટ્રેશન અથવા લાઇસન્સ મેળવવું ફરજિયાત છે. દુકાનમાં પૂરતો પ્રકાશ, વેન્ટિલેશન અને સ્વચ્છતા જાળવવાની સાથે જીવાતોના પ્રવેશને રોકવા માટેની વ્યવસ્થા હોવી જરૂરી છે. માંસ માત્ર અધિકૃત અને મંજૂર સ્લોટરહાઉસ અથવા એફએસએસએઆઈ લાઇસન્સ ધરાવતા સપ્લાયર પાસેથી જ મેળવવાનું હોય છે. તેની ખરીદીના બિલ પણ સાચવવાના હોય છે. રિટેલ મીટ શોપની અંદર પ્રાણીઓની કતલ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

સ્વચ્છતા જાળવનારા 3 સ્ટ્રીટ ફૂડ વેન્ડરોનું સન્માન થશે

બીજી તરફ, શહેરમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ સ્ટ્રીટ ફૂડને પ્રોત્સાહન આપવા કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા 'નાગરિકોના અભિપ્રાય (QR Code) આધારિત શ્રેષ્ઠ સ્ટ્રીટ ફૂડ વેન્ડર સન્માન યોજના' અમલમાં મૂકવામાં આવી છે. ઓગસ્ટ 2026 દરમિયાન નાગરિકો પાસેથી મળેલા કસ્ટમર રેટિંગ અને સ્વચ્છતાના ધોરણોના આધારે 3 સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેમાં રામેશ્વર ભેલ હાઉસ- મણિનગર, ઓમ શિવ પાણીપુરી ભેલ હાઉસ-ગોતા અને ઝંકાર ફાસ્ટ ફૂડ-નરોડાનો સમાવેશ થાય છે. ત્રણેય વિજેતાઓને કોર્પોરેશનની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ફૂડ વેન્ડરોને સ્વચ્છતા જાળવવા અને નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી છે.