Ahmedabad

બેકરી આઇટમ ખાતા પહેલાં ચેતજો: અસ્વચ્છતા અને જીવડા દોડતા મળતાં અમદાવાદની બે જાણીતી બેકરીઓ સીલ કરાઈ

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ફૂડ વિભાગે તહેવારો પૂર્વે અસ્વચ્છ બેકરીઓ સામે લાલ આંખ કરી છે. દક્ષિણ ઝોનમાં નારોલ-લાંભાની મુસ્કાન બેકરી અને બહેરામપુરાની પ્રિન્સ બેકરીમાં સ્વચ્છતાના અભાવ અને ફૂડ લાઇસન્સ ન હોવાથી બંને યુનિટ સીલ કરાયા. પ્રિન્સ બેકરીના મેંદામાંથી જીવડાં પણ મળ્યા હતા. 11 ઓગસ્ટે એશિયન બેકરીમાંથી 5700 કિલો જથ્થો જપ્ત થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

બેકરી આઇટમ ખાતા પહેલાં ચેતજો: અસ્વચ્છતા અને જીવડા દોડતા મળતાં અમદાવાદની બે જાણીતી બેકરીઓ સીલ કરાઈ

Ahmedabad Food Department Unhygienic Bakery Action: તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે બેકરીઓ સામે તપાસ અને દંડનીય કાર્યવાહી તેજ કરી છે. દક્ષિણ ઝોનમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન નારોલ-લાંભાની મુસ્કાન બેકરી અને બહેરામપુરાની પ્રિન્સ બેકરીમાં ખાદ્ય પદાર્થોના ઉત્પાદન દરમિયાન સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતાં બંને યુનિટ સીલ કરવામાં આવ્યા છે. પ્રિન્સ બેકરીમાં તપાસ દરમિયાન મેંદામાંથી જીવડા પણ મળી આવ્યા હતા.

ફૂડ લાઇસન્સ/રજિસ્ટ્રેશન ન હતું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-ફૂડ વિભાગની ટીમે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 તથા GPMC એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી હતી. મુસ્કાન બેકરીમાં તપાસ દરમિયાન ફૂડ લાઇસન્સ/રજિસ્ટ્રેશન ઉપલબ્ધ ન હોવાનું, નિયમો મુજબ હાઇજિનિક શરતોનું પાલન ન થતું હોવાનું અને પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ ન હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ બેકરી પ્રોડક્ટ્સ અસ્વચ્છ સ્થિતિમાં તૈયાર કરવામાં આવતી હોવાની પણ નોંધ લેવાઈ છે.

image.png

પ્રિન્સ બેકરીના મેંદામાંથી જીવડા મળ્યા

બહેરામપુરાની પ્રિન્સ બેકરીમાં પણ તપાસ દરમિયાન ભારે અસ્વચ્છતા જોવા મળી હતી. અહીં ફૂડ સેફ્ટીના નિયમોની જોગવાઈઓનું પાલન ન થતું હોવાનું નોંધાયું હતું. સૌથી ગંભીર બાબત એ હતી કે મેંદામાંથી જીવડા મળી આવ્યા હતા. આ ઉપરાંત બેકરી પાસે પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ પણ નહોતું. આ ક્ષતિઓને પગલે ફૂડ વિભાગ દ્વારા યુનિટને તુરંત સીલ કરી દેવામાં આવ્યું છે.

11 ઓગસ્ટે એશિયન બેકરીમાંથી 5700 કિલો જથ્થો જપ્ત કરાયો હતો

આ કાર્યવાહી અગાઉ 11 ઓગસ્ટે દાણીલીમડામાં આવેલી એશિયન બેકરીમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અસ્વચ્છ વાતાવરણ મળી આવતાં અંદાજે 5700 કિલો મેંદો અને શક્કરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી જોતાં તહેવારો પહેલાં બેકરી અને બેકરી પ્રોડક્ટ્સના વ્યવસાયિક એકમો સામે ફૂડ વિભાગે ચેકિંગ કડક કર્યું હોવાનું જણાય છે.

image.png

લાઇસન્સ વગર ધંધો કરનારા સામે કડક કાર્યવાહી કરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, શહેરના અન્ય ખાદ્ય વ્યવસાયિક એકમોમાં પણ હાઇજિનિક કન્ડિશન અને લાઇસન્સ-રજિસ્ટ્રેશન અંગે સઘન ચેકિંગ કરવામાં આવશે. તપાસ દરમિયાન લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વગર ધંધો કરતા અથવા ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરતા એકમો મળી આવશે તો FSSAI તથા GPMC એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. તહેવારો દરમિયાન બેકરી પ્રોડક્ટ્સ અને મીઠાઈ સહિતના ખાદ્ય પદાર્થોની માગમાં વધારો થતો હોય છે, જેને ધ્યાને રાખીને બેકરી યુનિટોમાં સ્વચ્છતા, લાઇસન્સ અને કાચા માલની ગુણવત્તા અંગે તપાસ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં વધુ એકમો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે.