VIDEO: શ્રાવણ મહિનામાં અમદાવાદના અનેક વિસ્તારોમાં AMC ફૂડ વિભાગના દરોડા: ઘી, પનીર અને મીઠાઈના 500થી વધુ સેમ્પલ લેવાયા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Food Safety Drive: સાતમ-આઠમ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં ઘી, પનીર, માવો અને વિવિધ પ્રકારની મીઠાઈઓની માગમાં વિપુલ પ્રમાણમાં વધારો જોવા મળે છે. તહેવારો દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અને મિલાવટખોરો પર લગામ કસવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ફૂડ ડિપાર્ટમેન્ટે ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં ઑગસ્ટ મહિના દરમિયાન જ શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના અંદાજે 500 જેટલાં સેમ્પલ લઈને નવરંગપુરા સ્થિત ફૂડ ઍન્ડ હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
રેપિડ ટેસ્ટિંગ કિટથી સ્થળ પર જ સ્ક્રીનિંગ
AMCના ફૂડ વિભાગની ટીમો દ્વારા શહેરના મણિનગર સહિત વિવિધ વિસ્તારોમાં આવેલી પ્રખ્યાત મીઠાઈની દુકાનો, ડેરીઓ અને ખાદ્યપદાર્થોના ઉત્પાદકોને ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચકાસણી દરમિયાન અધિકારીઓ દ્વારા સ્થળ પર જ ભેળસેળની પ્રાથમિક શંકા દૂર કરવા માટે રેપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈ પણ પ્રકારની મિલાવટનો સ્થળ પર જ તુરંત ખ્યાલ આવી શકે.
નવરંગપુરા લેબમાં ગહન કેમિકલ એનાલિસિસ
ફૂડ લેબોરેટરીના ઇન્ચાર્જ વિમલ શાહના જણાવ્યા અનુસાર, ઑગસ્ટ માસમાં અત્યાર સુધીમાં અંદાજે 500 જેટલાં સેમ્પલ એકત્રિત કરીને ટેસ્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને તહેવારોમાં સૌથી વધુ વપરાતા ઘી, પનીર અને મીઠાઈના સેમ્પલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જે સેમ્પલ સ્થળ પર શંકાસ્પદ જણાય અથવા જેમાં ઝીણવટભરી તપાસની જરૂર હોય તેને નવરંગપુરા સ્થિત સેન્ટ્રલ લેબોરેટરીમાં કેમિકલ એનાલિસિસ માટે મોકલાય છે, જેનો વિગતવાર રિપોર્ટ 7 થી 8 દિવસમાં આવી જતો હોય છે.
મિલાવટખોરો સામે કડક કાર્યવાહીની ચીમકી
તહેવારો ટાણે કમાઈ લેવાની લાલચમાં સસ્તા અને હલકી ગુણવત્તાના વિકલ્પો વાપરીને નકલી ઘી કે પનીર બનાવતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. AMC અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, આ ચેકિંગ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.
આ સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ વેપારીઓને ફૂડ સેફ્ટીના નિયમોનું કડકપણે પાલન કરવા અને નાગરિકોને પણ શંકાસ્પદ કે અપ્રમાણિત જગ્યાએથી ખુલ્લી મીઠાઈ કે ડેરી પ્રોડક્ટ્સ ન ખરીદવા અપીલ કરી છે. જો લેબોરેટરી રિપોર્ટમાં સબ-સ્ટાન્ડર્ડ કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સાબિત થશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.









