Ahmedabad

અમદાવાદમાં ફૂટપાથ કે ખુલ્લા પ્લોટમાં દબાણ થશે તો ડે.એસ્ટેટ ઓફિસરો જવાબદાર, કોમનવેલ્થ ગેમ્સ પહેલાં 'દબાણમુક્ત' કવાયત

By GS Team
28 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં સુવ્યવસ્થિત બનાવવા કોર્પોરેશન સજ્જ બન્યું છે. શહેરના જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને કોર્પોરેશનના પ્લોટ પરના દબાણો દૂર કરવાની જવાબદારી સાતેય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરોને સોંપાઈ છે. મ્યુનિસિપલ કમિશનરે ખુલ્લા પ્લોટમાં ફરી દબાણ ન થાય તેની ખાતરી કરવા અને સ્વચ્છતા જાળવવા સૂચના આપી છે. આર્થિક નુકસાન થશે તો અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે તેવી ચેતવણી પણ અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ફૂટપાથ કે ખુલ્લા પ્લોટમાં દબાણ થશે તો ડે.એસ્ટેટ ઓફિસરો જવાબદાર, કોમનવેલ્થ ગેમ્સ પહેલાં 'દબાણમુક્ત' કવાયત

Ahmedabad Encroachment Drive: અમદાવાદને આગામી કોમનવેલ્થ ગેમ્સ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં વધુ સુવ્યવસ્થિત અને આકર્ષક બનાવવાની દિશામાં કોર્પોરેશનના તંત્રએ તૈયારીઓ તેજ કરી છે. શહેરના જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને કોર્પોરેશનની માલિકીના ખુલ્લા પ્લોટ પર થતાં દબાણો દૂર કરવાની જવાબદારી હવે સાતેય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરોની રહેશે. મ્યુનિસિપલ કમિશનરે સમીક્ષા બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે, રોડ-ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની સાથે કોર્પોરેશનના પ્લોટ પર ફરીથી દબાણ ન થાય તેની જવાબદારી પણ સંબંધિત અધિકારીઓએ નિભાવવાની રહેશે. ખુલ્લા પ્લોટ પર દબાણ થવાથી કોર્પોરેશનને મોટું આર્થિક નુકસાન થશે તો તેના માટે અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે તેવી ચેતવણી પણ અપાઈ હતી.

અમદાવાદમાં ખુલ્લા પ્લોટમાં દબાણ થશે તો ડે.એસ્ટેટ ઓફિસરો જવાબદાર

કમિશનરે ડેપ્યુટી કમિશનરો, આસિસ્ટન્ટ કમિશનરો અને વિવિધ વિભાગોના વડાઓ સાથે યોજેલી બેઠકમાં શહેરની સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં સૌપ્રથમ જાહેર શૌચાલયોની સ્થિતિ અને તેનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા અંગે વિગતો માગવામાં આવી હતી. ત્યારબાદ રોડ સફાઈ માટે કામગીરી કરતી મંડળીઓના સફાઈ કર્મચારીઓની હાજરી અને રજિસ્ટ્રેશનની સ્થિતિની ચર્ચા થઈ હતી. આ કર્મચારીઓની હાજરી પણ ઓનલાઈન નોંધાય તે માટે સૂચના આપવામાં આવી હતી.

સેગ્રીગેશનની યોગ્ય વ્યાખ્યા ન આપતા કામગીરી પ્રત્યે વધુ સજાગ રહેવા કમિશનરે જણાવ્યું

ડ્રેનેજની સફાઈ અને લિક્વિડ વેસ્ટના નિકાલ અંગે સાતેય ઝોન પાસેથી વિગતો માગવામાં આવતાં એક ઝોનના ડેપ્યુટી કમિશનર સંતોષકારક માહિતી આપી શક્યા નહોતા. આ મુદ્દે કમિશનરે નારાજગી વ્યક્ત કરી અન્ય ઝોનના અધિકારીઓ પાસેથી કામગીરીની પદ્ધતિ શીખવાની સલાહ આપી હતી. ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓમાં કચરાનું સેગ્રીગેશન યોગ્ય રીતે થતું ન હોવાનો મુદ્દો પણ બેઠકમાં સામે આવ્યો હતો. ખાસ કરીને ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સેગ્રીગેશનનું પ્રમાણ ઓછું હોવાનું ધ્યાનમાં આવતાં કમિશનરે સંબંધિત અધિકારીઓને કામગીરી સુધારવા ટકોર કરી હતી. સેગ્રીગેશનની વ્યાખ્યા અંગે પૂછવામાં આવેલા સવાલનો સંતોષકારક જવાબ ન મળતાં તેમણે અધિકારીઓને કામગીરી પ્રત્યે વધુ સજાગ રહેવા જણાવ્યું હતું. કચરાનું યોગ્ય વર્ગીકરણ નહીં થાય તો બાયોગેસ પ્રોજેક્ટનો હેતુ સિદ્ધ થઈ શકશે નહીં તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

આગામી વાઇબ્રન્ટ સમિટને ધ્યાને રાખી 38 રસ્તાઓ વ્યવસ્થિત કરવા સૂચના અપાઈ

આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોના આશરે 38 રસ્તાઓને સુવ્યવસ્થિત કરવાની કામગીરી સોંપવામાં આવી છે. આ કામની પ્રગતિ, પૂર્ણ થયેલી કામગીરી અને બાકી રહેલા કામની વિગતો બે ડેપ્યુટી કમિશનર પાસેથી માગવામાં આવી હતી. વાઇબ્રન્ટ રોડ પર કેટલાં જંકશન આવે છે તેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ ન હોવા અંગે પણ કમિશનરે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. વાઇબ્રન્ટ સમિટ બાદ કોમનવેલ્થ ગેમ્સ સહિતના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો યોજાવાના હોવાથી શહેરના મુખ્ય માર્ગો અને ફૂટપાથની સ્થિતિ સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે સાતેય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરોને તેમની જવાબદારી સ્પષ્ટ રીતે સોંપવામાં આવી છે.