Ahmedabad

અમદાવાદ: મકરબા-સનાથલમાં 75 ગેરકાયદે દબાણો પર ફર્યું AMCનું બુલડોઝર, 1,100 મીટર લાંબો ટીપી રોડ ખુલ્લો કરાયો

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં AMC દ્વારા મકરબા અને સનાથલમાં ટીપી રોડ પરના દબાણો હટાવવાની મેગા ડ્રાઈવ હાથ ધરાઈ. આ કાર્યવાહીમાં 75 ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરાયા. મકરબામાં 51 દબાણો હટાવી 525 મીટર, જ્યારે સનાથલમાં 24 કોમર્શિયલ બાંધકામો દૂર કરી 1,100 મીટર લાંબો ટીપી રોડ ખુલ્લો કરાયો. કુલ 1.62 કિમીનો રસ્તો દબાણમુક્ત કરાતા વાહનચાલકોને રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: મકરબા-સનાથલમાં 75 ગેરકાયદે દબાણો પર ફર્યું AMCનું બુલડોઝર, 1,100 મીટર લાંબો ટીપી રોડ ખુલ્લો કરાયો

AMC Demolition Drive Makarba Sanathal Ahmedabad: અમદાવાદમાં ટીપી રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી અંતર્ગત કોર્પોરેશન દ્વારા મકરબા અને સનાથલમાં કુલ 75 બાંધકામો અને દબાણો હટાવવામાં આવ્યા છે. વેજલપુર વોર્ડના મકરબામાં ટોરેન્ટ પાવરથી બુટભવાની મંદિર તરફ જતા રેલવે ફાટકની સમાંતર આવેલા રસ્તા પરથી 51 દબાણો દૂર કરી 525 મીટર લાંબો ટીપી રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. જ્યારે સરખેજ વોર્ડના સનાથલમાં 24 કોમર્શિયલ બાંધકામો દૂર કરીને 1,100 મીટર લાંબો ટીપી રોડ ખુલ્લો કરાયો છે. બંને સ્થળે મળીને કુલ 1,625 મીટર એટલે કે 1.62 કિમીનો રસ્તો દબાણમુક્ત કરવામાં આવ્યો છે.

મકરબા-સનાથલમાં 75 ગેરકાયદે દબાણો પર ડિમોલિશન

વેજલપુર વોર્ડના મકરબા વિસ્તારમાં ટોરેન્ટ પાવરથી બુટભવાની મંદિર તરફ જતા રેલવે ફાટકની સમાંતર આવેલા રોડ પર બે દિવસથી દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન 29 રહેણાક પ્રકારના, 14 કોમર્શિયલ પ્રકારના અને 5 ધાર્મિક પ્રકારના બાંધકામો ઉપરાંત 3 કમ્પાઉન્ડ વોલ દૂર કરવામાં આવી હતી. આમ, કુલ 51 દબાણો હટાવી 525 મીટર લંબાઈનો ટીપી રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે.

હાલમાં આ રસ્તો કાચો છે. દબાણો દૂર થયા બાદ હવે અહીં પાકો રોડ બનાવવાની કામગીરી કરવામાં આવશે. બીજી તરફ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પર બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી ત્યાંનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં મકરબા તરફ આવવા-જવા માટે ટોરેન્ટ પાવરથી બુટભવાની મંદિર તરફનો રસ્તો ખુલ્લો થવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને અવરજવરમાં રાહત મળશે.

સનાથલ ચોકડીથી બાકરોલ તરફના રોડ પરના 24 કોમર્શિયલ બાંધકામો દૂર કરાયા

સરખેજ વોર્ડમાં ટીપી સ્કીમ નંબર 444 (સનાથલ) હેઠળ સનાથલ ચોકડીથી બાકરોલ તરફ જતા રિંગ રોડને સમાંતર આવેલા 12 મીટર પહોળા ટીપી રોડ પર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 24 કોમર્શિયલ પ્રકારના બાંધકામો દૂર કરીને 1,100 મીટર લંબાઈનો ટીપી રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે.