Ahmedabad

10 વર્ષનું 70,132 કરોડનું બજેટ, તેમાંથી 14,763 કરોડ રૂપિયા ખર્ચી ન શક્યું AMC, આયોજનના અભાવે રસ્તા, ડ્રેનેજ અને ટ્રાફિકની હાલાકી

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ શાસન હોવા છતાં, 2013-14 થી 2022-23 દરમિયાન ₹70,132 કરોડના બજેટમાંથી ₹14,763 કરોડ વપરાયા નથી. પૂર્વ વિપક્ષી નેતા શેહજાદખાનના આક્ષેપ મુજબ, આ વણવપરાયેલી રકમને કારણે પાણી, ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને રસ્તા જેવી પાયાની સમસ્યાઓ યથાવત છે, જેનાથી શહેરના વિકાસમાં અવરોધ ઊભો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

10 વર્ષનું 70,132 કરોડનું બજેટ, તેમાંથી 14,763 કરોડ રૂપિયા ખર્ચી ન શક્યું AMC, આયોજનના અભાવે રસ્તા, ડ્રેનેજ અને ટ્રાફિકની હાલાકી

AMC Unspent Budget Funds: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં બે દાયકાથી વધુ સમયથી ભાજપનું શાસન છે અને દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવે છે. બજેટમાં મોટી રકમની જોગવાઈ અને જાહેરાતો કરવામાં આવતી હોવા છતાં તેનો સંપૂર્ણ ઉપયોગ થતો ન હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.

70,132 કરોડ રૂપિયાના બજેટ સામે 55,369 કરોડ રૂપિયાનો જ ખર્ચ થયો

પૂર્વ વિપક્ષી નેતા શેહજાદખાને બજેટ ચર્ચા દરમિયાન રજૂ કરેલા આંકડા મુજબ વર્ષ 2013-14થી 2022-23 દરમિયાન AMCના કુલ 70,132 કરોડ રૂપિયાના બજેટ સામે 55,369 કરોડ રૂપિયાનો જ ખર્ચ થયો હતો, જ્યારે 14,763 કરોડ રૂપિયાની માતબર રકમ વણવપરાયેલી રહી હતી. વિપક્ષનો આક્ષેપ છે કે બજેટની આ રકમ સમયસર અને યોગ્ય રીતે વપરાઈ હોત તો પાણી, ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને રસ્તા સહિતની અનેક પાયાની સમસ્યાઓમાં સુધારો કરી શકાયો હોત.

બજેટમાંથી 14,763 કરોડ રૂપિયા ખર્ચાયા વિના રહી ગયા

પૂર્વ વિપક્ષી નેતાએ આંકડાકીય વિગતો રજૂ કરીને સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે દર વર્ષે શહેરના વિકાસ માટે મોટી રકમ ફાળવવામાં આવે છે ત્યારે તેનો સંપૂર્ણ ઉપયોગ કેમ થતો નથી. બજેટમાંથી 14,763 કરોડ રૂપિયા ખર્ચાયા વિના રહી ગયા હોવાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં મુશ્કેલી પડી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

સ્ટ્રોમ વોટર નેટવર્કના અભાવે દર ચોમાસે જળબંબાકારની સ્થિતિ

અમદાવાદમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું પૂરતું નેટવર્ક હજુ સુધી વિકસાવવામાં આવ્યું નથી. તેના કારણે દર ચોમાસામાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદ દરમિયાન મુખ્ય માર્ગોથી લઈને આંતરિક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડે છે. વિપક્ષનો દાવો છે કે વર્ષોથી બજેટમાં જોગવાઈ થવા છતાં આ ક્ષેત્રે જરૂરી કામગીરી પૂરતી ઝડપથી થઈ નથી.

રસ્તા, ડ્રેનેજ અને ટ્રાફિક સહિતના પ્રશ્નો પણ યથાવત્

વણવપરાયેલી બજેટ રકમના કારણે શહેરની મહત્વની સમસ્યાઓના ઉકેલની કામગીરી અસરગ્રસ્ત થઈ હોવાનો આક્ષેપ કરાયો છે. બિસ્માર રસ્તા, ટ્રાફિકજામ, ડ્રેનેજ, વરસાદી પાણીનો નિકાલ, કચરાનો નિકાલ અને રોગચાળા જેવા પ્રશ્નો હજુ પણ શહેરમાં યથાવત્ છે. આ ઉપરાંત સાબરમતી નદીનું પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને પીરાણા ડમ્પ સાઇટ ખાલી કરવાની કામગીરી પણ ચર્ચામાં રહી છે. AMC દ્વારા સમયાંતરે કરોડો રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાય છે અને માળખાકીય સુવિધાઓ માટે મોટી રકમ ફાળવવામાં આવે છે, તેમ છતાં શહેરના ઘણા વિસ્તારોમાં પૂરતી કામગીરી થઈ નથી.